સુરતમાં રૂ. ૧૨૦૦ કરોડનું કાળું નાણું જાહેર

Wednesday 28th September 2016 08:32 EDT
 

સુરતઃ ઈન્કમ ડેક્લેરેશન સ્કીમ (આઇડીએસ) પૂર્ણ થવા આડે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. યોજનાના છેલ્લા સપ્તાહના પ્રથમ દિવસે - સોમવારે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના બ્લેકમનીની જાહેરાત થઈ છે. આ સાથે જ સુરતમાં આઈડીએસનું કલેકશન રૂ. ૧૨૦૦ કરોડના આંકડાને પાર કરી ગયું છે. જોકે, વિભાગમાં ચાલતી ચર્ચા મુજબ સુરતમાં આઈડીએસનો કુલ આંકડો અત્યારે ૧૪૦૦ કરોડને પહોંચી ગયો છે.
છ બિલ્ડર, પાંચ ટેક્સ્ટાઈલ ગ્રૂપ અને પેનીસ્ટોકમાં રોકાણ કરનારા કેટલાંક લોકોએ કુલ રૂપિયા ૧૦૦ કરોડનું ડેક્લેરેશન કર્યું છે. આ પૈકી ઘણા કરચોરો આવકવેરા વિભાગની કચેરીમાં જાતે આવીને ઉચ્ચ અધિકારીઓ સાથેની વન-ટુ-વન મિટિંગમાં જ ફોર્મ સબમીટ કરી દીધા હતા. સિટીલાઈટના બિલ્ડરે ૩૧ કરોડ, એલ. પી. સવાણી રોડના બિલ્ડરે ૧૪ કરોડ, રુંઢના બિલ્ડરે ૧૨ કરોડ, પરવટ પાટિયાના બિલ્ડરે ૫ કરોડ અને કોસાડના બિલ્ડરે ૨.૫૦ કરોડ જાહેર કર્યા છે. જ્યારે પાંડેસરા જીઆઈડીસીની એક મિલના સંચાલકે ૪.૫૦ કરોડ તેમજ કાપડ સાથે સંકળાયેલા અન્ય ચાર ગ્રૂપે ૧૦ કરોડ કબૂલ્યા છે. પેનીસ્ટોકમાં રોકાણ કરનારે ૧૦ કરોડના ડેક્લેરેશન ફોર્મ ભર્યા હતા.
એક ચર્ચા અનુસાર સુરતમાં આઈડીએસના કલેકશનનો કુલ આંક ૧૪૦૦ કરોડના આંકડાને સ્પર્શી ગયો છે અને યોજના પૂરી થતાં સુધીમાં બીજા ૪૦૦થી ૫૦૦ કરોડ આવી શકે છે. આમ સુરત આઇટી વિભાગ ૨૦૦૦ કરોડનો લક્ષ્યાંક વિભાગ હાંસલ કરશે તેમ મનાય છે.


comments powered by Disqus