અંબાજીમાં કેશલેસ દાનનો પ્રારંભઃ છ માસમાં શિખર સુવર્ણજડિત

Wednesday 07th December 2016 05:21 EST
 
 

અંબાજીઃ નોટબંધી પછી મંદિરમાં દાન માટે રોકડની રામાયણ થતી હોવાથી ભક્તોની સુવિધા માટે શક્તિપીઠ અંબાજીમાં કેશલેસ દાન સ્વીકારની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ભક્તો ક્રેડિટ-ડેબિટ કાર્ડ દ્વારા દાન-ભેટ, પ્રસાદ નોંધાવી શકશે. આ સુવિધાનો પ્રારંભ ૨૯મી નવેમ્બરથી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે થયો હતો. મુખ્ય પ્રધાને પરિવાર સાથે અંબાજી માની સવારની આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી.
માનતા પૂર્ણ કરી
રૂપાણીના મિત્ર સુરેશભાઈએ માનતા રાખી હતી કે, રૂપાણી મુખ્ય પ્રધાન બનશે તો તેમની સાથે અંબાજી દર્શને આવીશ. આ બાધા પૂરી કરવા તેમજ પ્રજાના કલ્યાણ અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા રૂપાણી મિત્ર અને પિરવાર સાથે માતાજીના દર્શને આવ્યા હતા. મુખ્ય પ્રધાને અંબાજી મંદિરમાં સ્વાઇપ મશીનથી ડિજિટલ ડોનેશનની નવી વ્યવસ્થાનો પ્રારંભ કર્યો હતો. મુખ્ય પ્રધાનનાં પત્ની અંજલિબહેને અંબાજી મંદિરના શિખર પર સુવર્ણ જડતર માટે રૂ. ૩૧,૦૦૦નું ડેબિટ કાર્ડથી સ્વાઇપ મશીન દ્વારા ડિજિટલ ડોનેશન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને આપ્યું હતું.
છ માસમાં શિખર સુવર્ણજડિત
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું હતું કે, ડિજિટલ પેમેન્ટ માટે મંદિરના પરિસરમાં બે કાઉન્ટર છે. મંદિરનું શિખર સુવર્ણજડિત કરવાનું છે તે માટેનું એક વિશેષ કાઉન્ટર છે. તેમાં રૂ. ૩ હજારથી વધુનું દાન હોય તો ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ભક્તો આપી શકશે.
છેલ્લા ૩થી ૪ મહિનામાં અંબાજી મંદિરને સોના માટે આશરે રૂ. ૧.૩૯ કરોડનું દાન મળી ગયું છે. અત્યાર સુધીમાં સુવર્ણ જડિત શિખર માટે આશરે ૨૨ કિગ્રા સોનું ખરીદવામાં આવ્યું છે. હવે આગામી છ મહિનામાં મંદિરનું શિખર સંપૂર્ણ સુવર્ણમય બની જાય તેવી સંભાવના અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે જાહેર કરી છે.


comments powered by Disqus