કકરવાઃ ભચાઉ તાલુકાના રણદ્વીપ ખડીરમાં નોટબંધીની માઠી અસરોનો પ્રજા ભોગ બની રહી છે. ખડીર પંથકનો ૧૨ ગામડાં અને સાત ગ્રામ પંચાયતો ધરાવતો આ વિસ્તાર રોજના પાંચ હજાર લીટર દૂધ સરહદ રેન્જમાં અને માહિ ડેરીમાં ભરે છે. અહીં લગભગ રોકડ છૂટક નાણાકીય વ્યવહાર થાય છે.
આ વિસ્તારના ૧૦૦ કિમીની ત્રિજ્યામાં કોઈ બેંક ન હોવાથી ૧૦૦ દૂર રાપરમાં અથવા ૧૫૦ કિમી દૂર ભચાઉમાં આવેલી બેંકમાં તેમણે બેંકિંગ માટે જવું પડે છે. એક તરફ બેંકમાં ડિપોઝીટો માટે એશિયમાં સૌથી ધનિક કચ્છનું માધાપર ગામ છે તો બીજી તરફ કચ્છનો જ ખડીર પંથક સંભવતઃ બેંકિંગ સેવા ક્ષેત્રે ગુજરાતમાં સૌથી પછાત છે.
એક વ્યક્તિ ખડીરમાંથી રાપર અને ભચાઉ બેંકે પહોંચે એટલે મુસાફરીના રૂ. ૨૦૦, ખાવા પીવાના રૂ. ૧૦૦ થઈ જાય. વત્તા આખો દિવસ તો બગાડવાનો જ.
આ બાબતે સત્તાવાળાઓ બિલકુલ અજાણ છે કે, માત્ર એકાદ ડોબું (ભેંસ) રાખતા પશુપાલકે બેંકનો એક સાથે આટલો ખર્ચ કરવો પડે છે.
ભેંસને અન્ય કોઈ ચરાવવાળું ન હોય તેવાને આખો દિવસ
ભેંસો વાડામાં પૂરીને ભૂખે તડપાવવી પડે છે.
વૈકલ્પિક રીતે ખડીરની પોસ્ટ ઓફિસો (જોકે, માત્ર બી.પી.ઓ.) છે. તેમાં ભૂતકાળમાં નારેગા જેવી યોજનાઓના પૈસા આવતા તે જ રીતે ખડીરના તમામ ગામોની વ્યવસ્થા દૂધના પૈસાની પણ થાય તો જ આ કપરી પરિસ્થિતિનો નિકાલ આવે. નહીંતર લોકો ડેરીઓમાં દૂધ બંધ કરીને પારંપરિક વિકલ્પો જેવા કે ઘી બનાવીને વેચવું. માવો વેચવાની પરિસ્થિતિ તરફ વળી જશે.
