જયલલિતાએ ખૂબ જ ઓછા ઈન્ટરવ્યુ આપ્યા છે, અને જે ઈન્ટરવ્યુ આપ્યા છે તેમાં પણ અંગત જીવન વિશે વાતો કરી નહોતી. ૧૯૯૯માં તેમણે સિમી ગરેવાલને આપેલો એક ઈન્ટરવ્યુ એવો આપ્યો હતો, જેમાં મુક્ત મને વાત કરી હતી. ઈન્ટરવ્યુના કેટલાક અંશો...
સવાલઃ ચહેરા પર હાવભાવ કેમ દેખાતા નથી?
જવાબઃ બીજાની જેમ જ માણસ છું. ગુસ્સો પણ આવે છે, ખુશી પણ થાય છે. છતાં હું રાજકારણી છું. પબ્લિક સામે કશું જ જાહેર કરી શકતી નથી. મારી ઈચ્છાશક્તિ અત્યંત મજબૂત છે. તેથી આવું કરી શકું છું.
સવાલઃ શરૂઆતથી જ આવા હતા કે પછી થયા?
જવાબઃ પોલિટિક્સમાં આવી ત્યારે ખૂબ જ શરમાળ હતી. લોકોને મળવાનું પણ પસંદ નહોતું. લાઈમલાઈટમાં રહેવાથી તો નફરત હતી. પડદા પાછળ રહેવાનું પસંદ હતું. હું તેવું જ પાત્ર છું.
સવાલઃ કોઈ અફસોસ, જે હજી ડંખતો હોય?
જવાબઃ મારી માતા કેરેક્ટર આર્ટિસ્ટ હતાં. મારી માતા ચેન્નઈ જ્યારે હું બેંગ્લૂરુમાં રહેતી હતી. તે જ્યારે પણ આવતાં ત્યારે હું તેમની સાડીનો પાલવ પકડીને સૂઈ જતી જેથી તે ચાલ્યા ન જાય. ૧૦થી ૧૬ વર્ષની ઉંમર સુધી માતા સાથે ચેન્નઈમાં રહ્યાં. સવારે હું ઊંઘતી હોઉં ત્યારે માતા શૂટિંગમાં ચાલ્યા જતાં. રાત્રે માતા પાછા ફરતા ત્યારે પણ હું ઊંઘમાં જ હોતી. સાચું કહું તો માતાનો સાથ મને માણવા મળ્યો જ નથી.
સવાલઃ પહેલું આકર્ષણ?
જવાબઃ સ્કૂલમાં અભ્યાસ કરતી ત્યારે નરી કોન્ટ્રાક્ટર (પૂર્વ ક્રિકેટર), તેમના માટે ટેસ્ટ મેચ જોવા જતી. ત્યાર પછી શમ્મી કપૂર, જોકે ક્યારેય મુલાકાત નથી થઈ.
સવાલઃ ફેવરિટ ફિલ્મ અને ગીત?
જવાબઃ શમ્મીજીની ‘જંગલી’ ફેવરિટ ફિલ્મ. ‘એ માલિક તેરે બંદે હમ’ મારું પ્રિય ગીત છે. ‘આજા સનમ મધુર ચાંદની મેં હમ...’ પણ ઘણું ગમતું હતું.
સવાલઃ ગેરસમજ જે દૂર થઈ ગઈ હોય?
જવાબઃ ૧૬ વર્ષની ઉંમર સુધી વિચારતી હતી કે હું ખૂબ જ ધનાઢ્ય પરિવારની દીકરી છું. જે દિવસે માતાએ કહ્યું કે તારે પરિવારને મદદ કરવા કામ કરવું પડશે ત્યારે બધી ગેરસમજ દૂર થઈ ગઈ.
સવાલઃ સ્ટારડમ પસંદ હતું?
જવાબઃ ના, સાઉથની નંબર વન સ્ટાર હતી પણ મને ક્યારેય સ્ટારડમ ગમ્યું નહોતું. હું એક કામ શરૂ કરતી તો તે ગમે કે ન ગમે પણ તેને પૂરું કરીને જ રહેતી.
સવાલઃ બિનશરતી પ્રેમમાં માનો છો?
જવાબઃ જરાય નહીં. મને હંમેશા શરતોને આધિન જ પ્રેમ મળ્યો છે. શરત વગરના પ્રેમની વાતો માત્ર પુસ્તકો અને ફિલ્મોમાં સારી લાગે છે. જીવનમાં પ્રેમની સાથે શરતો જોડાયેલી હોય છે.
સવાલઃ તમને પુરુષવિરોધી માનવામાં આવે છે?
જવાબઃ હું પુરુષવિરોધી નથી. મારી નબળાઈ એ છે કે હું ઝડપથી કોઈના પર વિશ્વાસ કરી લઉં છું.
સવાલઃ લગ્ન કેમ ન કર્યાં?
જવાબઃ કારણ કે ક્યારેય થયા જ નહીં. દરેક યુવતીની જેમ મારા ય સપનાં હતાં પણ...

