નોટબંધીને પ્રજાનું સમર્થનઃ ભગવો લહેરાયો, કોંગ્રેસની કારમી હાર

Wednesday 07th December 2016 05:04 EST
 
 

ગાંધીનગરઃ રાજ્યમાં વાપી અને સુરત જિલ્લાની કનકપુર-કનસાડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોની કેટલીક બેઠકોની પેટાચૂંટણીઓના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે કોંગ્રેસની બેઠકોમાં મોટો ઘટાડો નોંધાયો છે. વાપીની અને કનકપુર-કનસાડ પાલિકાઓ ચૂંટણી પૂર્વે ભાજપ પાસે જ હતી અને ભાજપે જાળવી રાખી છે. ઉપરથી અહીં સંખ્યાબંળ વધ્યું છે. વાપી નગરપાલિકાની કુલ ૪૪ બેઠકોની ચૂટણીમાં ભાજપને ૪૧ બેઠકો ઉપર જંગી ફતેહ મળી છે. જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર ૩ બેઠકો આવી છે. ભાજપના ૧૬ રિપિટ કાઉન્સિલરો તથા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાઉન્સિલરો વિજયી થયાં છે. સુરત જિલ્લાના છેવાડે આવેલી કનકપુર- કનસાડ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. કુલ ૨૮ બેઠકોમાંથી માત્ર ૧ બેઠક કોંગ્રેસને મળી છે. નગરપાલિકાની રચના બાદની આ ત્રીજી ચૂંટણીમાં ભાજપને સતત જીત મળી છે. પહેલી વખતની ચૂંટણીમાં તમામ ૨૧ બેઠકો, બીજી વખતની ચૂટણીમાં કુલ ૨૧માંથી ૧૧ બેઠકો અને અત્યારે ૨૮માંથી ૨૭ બેઠકો ભાજપે કબજે કરી છે. ગોંડલ તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં ૧૮ બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે. કોંગ્રસને માત્ર ૪ બેઠકો મળી છે. અહીં એક વર્ષના ટૂંકા ગાળામાં તાલુકાનું ચિત્ર પલટાયું છે. ડિસે. ૧૫ની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી, પણ ચૂંટણી પૂર્વે કેટલાકે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને હિંસક અથડામણો થઈ હતી. તે આ વખતે ભાજપને ફળી છે.


comments powered by Disqus