સુરતઃ તાતા ગ્રુપના પદભ્રષ્ટ ચેરમેન સાયરસ મિસ્ત્રી તેમના પુત્ર ફિરોઝ સાથે ત્રીજી ડિસેમ્બરે પ્રાઇવેટ પ્લેનમાં સુરત આવ્યા હતા. મુંબઈથી હેલિકોપ્ટરમાં ઉદવાડા પૂજા કરીને ત્યાંથી સુરતમાં પ્રાઈવેટ હેલિપેડ પર ઉતરીને પુત્ર સાથે વેસુ ગયા હતા. જોકે સાયરસ સામાન્ય માણસની જેમ જ સુરત આવીને એક જ દિવસમાં માહિતી એકઠી કરીને ચાલ્યા ગયા હતા.
વેસુ ખાતે તેમણે આશાપુરી માતાજીના મંદિરે કાલ ભૈરવનાથની પૂજા-અર્ચના કરી મૂર્તિને દૂધથી અભિષેક કરાવ્યો હતો. લગભગ એકથી દોઢ કલાક સુધી આ પૂજા ચાલી હતી. સાથે ગામલોકોએ ભૂતપૂર્વ ચેરમેનનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. સાયરસ મિસ્ત્રી પૂર્વજોની યાદમાં એક પુસ્તક લખી રહ્યા છે. તેના માટે તેમના વડીલો અંગેના જૂના પુસ્તકોની તેઓ તપાસ કરી રહયા હતા ત્યારે એક ડાયરી તેમને મળી હતી. આ ડાયરી તેમના પિતા પિલોનજી મિસ્ત્રીના પિતા શાહજીએ વર્ષ ૧૮૮૦માં લખી હતી. જેમાં વેસુમાં રહેતા હોવાની વાતથી લઈને માતાજીના મંદિરમાં કાલભૈરવની સહિત મંદિરમાં પૂજા-અર્ચના તેઓ કરતા હોવાનો ઉલ્લેખ હતો. ઉપરાંત વેસુ ગામથી લઈને બોયા તળાવ (બિગબજારની ગલીમાંથી વેસુ ગામ જવાનો રોડ) સુધીનો રોડ શાપુરજી પેઢીએ બનાવ્યો હોવાની વાત હતી. ડાયરીને આધારે
સાયરસે લાગણીવશ થઈને વેસુમાં આશાપુરી મંદિરે કાલભૈરવની પૂજા કરી હતી. ૧૮૮૦માં સાયરસના વડીલે લખેલી ડાયરી પણ તેણે સ્થાનિકોને બતાવી હતી.
આશાપુરી માતાના મંદિરની બહાર વર્ષો જૂની એક મૂર્તિ છે. આ મૂર્તિને સ્થાનિકો ભવાની માતાની મૂર્તિ કહીને પૂજા કરે છે. જોકે સાયરસે આ મૂર્તિ ભવાની માતાજીની નહીં પણ કાળભૈરવની હોવાની વાત કરી હતી. કાળભૈરવની મૂર્તિની તેના વડવાઓ પૂજા કરતા હતા એવો તેના દાદાના પિતાજીની નોટમાં ઉલ્લેખ હોવાનું પણ તેણે કહ્યું હતું. સાયરસે કહ્યું કે, મને અને કદાચ મારા વડીલોને પણ મુંબઈમાં ધંધાર્થે સ્થાયી થઈ જવાથી વેસુની જન્મભૂમિ ભુલાઈ ગઈ હતી.
જોકે હવે હું એક પુસ્તક લખીને જન્મભૂમિને તે સમર્પિત કરીશ.
પારસી સ્કૂલ ઐતિહાસિક પેલેસ બનશે
સાયરસ અને તેના પુત્ર ફિરોઝ આશાપુરી મંદિરેથી સુરતના પારસી મહોલ્લામાં આવેલી જૂની અગિયારીમાં ગયા હતા. એકાદ કલાક સુધી ત્યાં તેમણે પ્રેયર કરી હતી. ઉપરાંત સાયરસના પિતાના દાદા જે પારસી સ્કૂલમાં ભણતા હતા તે જર્જરિત સ્કૂલની મુલાકાત તેણે લીધી હતી. સાયરસે ત્યાં ગામલોકોનો સહકાર મળશે તો તેને ઐતિહાસિક પેલેસ તરીકે વિકસવાની વાત કરી હતી.

