‘અમ્મા’નાં નામે જાણીતા તામિલનાડુના મુખ્ય પ્રધાન રાજકારણમાં આવતાં પહેલા અભિનેત્રી હતાં. તેમની પ્રથમ ફિલ્મને એડલ્ટ (એ) પ્રમાણપત્ર મળ્યું હતું. તેનાથી વધુ રસપ્રદ વાત એ છે કે તેમણે એ ફિલ્મ જોઈ જ નહતી.
• સૌથી મોટી રિસેપ્શન પાર્ટીનો રેકર્ડઃ જે. જયલલિતાના નામે ગિનિસ બુક ઓફ રેકર્ડ પણ નોંધાયેલો છે. તેમણે લગ્નપ્રસંગે સૌથી મોટી રિસેપ્શન પાર્ટીનું યજમાનપદ સંભાળ્યું હતું. ૧૯૯૫માં જ્યારે પહેલી વાર મુખ્ય પ્રધાન બન્યાં હતાં ત્યારે તેમણે દત્તક પુત્ર સુધાકરનના લગ્ન શાહી અંદાજથી કર્યા હતાં. ભવ્ય રિસેપ્શનમાં ૧.૫ લાખ મહેમાનો આવ્યાં હતાં. ગિનિસ બુકે તેની નોંધ લીધી હતી. ચેન્નાઈમાં ૫૦ એકર વિસ્તારમાં ફેલાયેલાં મેદાનમાં આ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
• માત્ર એક રૂપિયો વેતન લેતા હતાંઃ જયલલિતા પર હંમેશા આવક કરતાં વધુ સંપત્તિના આક્ષેપ લાગ્યાં હતાં. એક વાર આવા કેસમાં જેલમાં પણ જવું પડ્યું હતું. જયલલિતા પ્રથમવાર જ્યારે મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે વેતનરૂપે તેઓ માત્ર એક રૂપિયો જ લેશે. જયલલિતાએ કહ્યું હતું કે આવક માટે મારી પાસે અન્ય સ્ત્રોત છે. તેને કારણે વધુ નાણાની મારી જરૂરિયાત નથી તેથી એક રૂપિયો જ વેતન લઈશ.
• નોકરે જેલમાં પહોંચાડ્યાઃ જયલલિતા અને શશિકલાને જેલમાં મોકલવામાં તેમના એક નોકરની જુબાનીએ મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. જયલલિતાનાં ચેન્નઈ ખાતેના નિવાસે કામ કરતા તે નોકરનું નામ જયરામન હતું. તેણે કોર્ટમાં જુબાની આપી હતી કે શશિકલાના કહેવાથી તે રોજ જયલલિતાના ઘરેથી નોટો ભરેલી બેગ લઈ જતો હતો.
• સાથે ચાલતી હતી ખુરશીઃ જયલલિતા પોતાની સાથે પોતાની ખુરશી રાખતા હતા. કહેવાય છે કે તે સંધિવાથી પીડાતા હતાં તેથી જ તેમણે પોતાના માટે સાગવાનમાંથી બનેલી ખાસ ખુરશી તૈયાર કરાવી છે. તે ખુરશી દિલ્હી ખાતેનાં તામિલનાડુ ભવનમાં રાખવામાં આવતી હતી. દિલ્હીની મુલાકાત વખતે તેઓ જેમને મળવા જાય ત્યાં તે ખુરશી પણ પહોંચતી હતી.
• જ્યોતિષમાં વિશ્વાસ ધરાવતાં હતાંઃ મીડિયા અહેવાલ મુજબ તે જ્યોતિષમાં વિશ્વાસ ધરાવતાં હતાં. આથી જ અંગ્રેજીમાં તેમણે પોતાનાં નામનો સ્પેલિંગ Jayalalithaથી jayalalithaa કરી નાખ્યો હતો. જ્યોતિષના કહેવા પ્રમાણે જ તેઓ સામાન્યપણે લીલા રંગની સાડી, પેન અને બાકી વસ્તુનો ઉપયોગ કરતાં હતાં. તે એમના માટે લકી ગણાય છે.

