જયપુરઃ ભગવાનના મંદિરોમાં પૂજારીઓ પૂજા-અર્ચના માટે હોય છે પણ એક પૂજારી ભગવાનના નામે અનાજ લેતો પકડાયો છે. આ પૂજારી રેશનિંગ કાર્ડમાં કૃષ્ણ, ગણેશ સહિતના દેવી-દેવતાના નામ લખાવીને તેમના નામે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લેતો હતો. આ કિસ્સો રાજસ્થાનના બારાન જિલ્લાનો છે. ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરે જણાવ્યું કે, ૭૦ વર્ષીય બાબુ લાલ કાજીખેર મંદિરમાં પૂજારી છે. તે ઘણા સમયથી રેશનિંગ કાર્ડમાં ભગવાનના નામ લખાવી તેમના નામે અનાજ લઈ જાય છે. આ કાર્ડ તેને ૨૦૧૫માં ઈશ્યૂ કરાયું હોવાની શક્યતા છે.
અધિકારીએ કહ્યું હતું કે કાર્ડની તપાસ વખતે ચોંકાવનારી માહિતી બહાર આવી. કાર્ડમાં મુરલી મનોહરને ઘરના વડીલ તરીકે રજૂ કરાયા હતા જેમની ઉંમર ૭૦ વર્ષ હતી. મુરલી મનોહર કૃષ્ણનું જ એક નામ છે. તેમની પત્ની તરીકે ઠકુરાની લખી તેમની ઉંમર ૬૫ વર્ષ જણાવાઇ હતી. મુરલી મનોહર અને ઠકુરાનીના પુત્રનું નામ ગણેશ હતું જે ૩૫ વર્ષનો છે.
ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટનું આ મુદ્દે ધ્યાન ગયું તો બાબુલાલને ખુલાસો કરવા બોલાવાયા. કાર્ડમાં જેમના નામ છે તેમનેય હાજર કરવાનું જણાવાયું. આ સમયે ખબર પડી હતી કે, બાબુલાલે મંદિરના સરનામે કાર્ડ લીધું હતું. છેવટે બાબુલાલે સ્વીકાર્યું હતું કે તેણે મંદિર અને ભગવાનના નામોનો ઉપયોગ કરી કાર્ડ બનાવ્યું હતું. તેણે કાર્ડ પર કેટલી વખત અનાજ લીધું છે તે તપાસ ચાલે છે.

