અમરેલીઃ ભારત સરકારે સોનું રાખવાની મર્યાદા જાહેર કરી છે તેની મજાક ઉડાવવા અમરેલી નગરપાલિકા પ્રમુખ અલકાબહેન ગોંડલિયાએ એક હાસ્યાસ્પદ આદેશ કરીને ગાય તથા ભેંસને ૩ કિલો અને પાડરું તથા વાછરડાને ૧ કિલો પોદળો કરવાની જ છૂટ આપતો આદેશ કર્યો હતો.
ભારત સરકાર દ્વારા કાળા ધન સામેની લડાઈમાં ક્યા પ્રકારની વ્યક્તિ કેટલું સોનું રાખશે તો આયકરનાં દાયરામાં આવતી નથી તે અંગેની જાહેરાત કરી હતી, જેની મજાક ઊડાવવા માટે નગરપાલિકા પ્રમુખ અલકાબેને એક લેખિત આદેશ કર્યો હતો. જેમાં જણાવ્યું છે કે, ભારત સરકારનાં મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાનની અમરેલી પાલિકા કદર કરે છે. અગાઉ ઘાસચારો જાહેર સ્થળોએ ન નાખવા ફરમાનો કરવા છતાં હજુ સુધી ધાર્યા પરિણામો આવ્યા નથી. જેથી નગરપાલિકાનાં હદ વિસ્તારમાં હવેથી મોટી ગાય-ભેંસને રોજ ૩ કિલો અને પાડરું-વાછરડાને રોજ ૧ કિલો પોદળો કરવાની છુટ અપાશે. રખડતા ઢોરને પોદળો કરવા અગાઉથી જાહેર કરેલા નિયત સ્થળોનો જ ઉપયોગ કરવાનો રહેશે. અન્ય કોઈ જગ્યાએ પોદળા કરશે તો નિયમાનુસાર કાર્યવાહી થશે. જાહેર સ્થળોએ પોદળાનું વજન માપવા ફ્લાઈંગ સ્ક્વોડની રચાશે. આ નિયમ રાત્રિના ૧૨ વાગ્યાથી લાગુ પડશે. લોકોને રાષ્ટ્રહિતમાં સમર્પણ આપવા અપીલ છે!
આ રીતે નગરપાલિકા પ્રમુખે ભારત સરકારની કાળા નાણાં સામેની લડાઈ અને મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાનની મજાક ઊડાવી હતી. આ ઓર્ડર અમલ કરવા ચીફ ઓફિસર તથા દરેક શાખાનાં અધિકારીને પણ મોકલાયો હતો.
સ્વાભાવિક છે કે બપોરે જ કલેક્ટરે આ હુકમની જોગવાઈઓ કાયદા અનુસાર ન હોવાનું જણાવીને તેના અમલ સામે મનાઈ ફરમાવી દીધી હતી અને આગામી સુનાવણીમાં યોગ્ય નિર્ણયની જાહેરાત કરી હતી.

