ચેન્નઇઃ છ વાર તામિલનાડુના મુખ્ય પ્રધાન રહેલાં જયલલિતા તામિલનાડુની જનતામાં ઘણી લોકપ્રિયતા ધરાવતા હતા. દેશમાં જનસમર્થનના મામલામાં જયલલિતા ભલે અગ્રીમ સ્થાન ન ધરાવતાં હોય, પરંતુ દેશના સૌથી અમીર મુખ્ય પ્રધાન જરૂર હતાં. મે ૨૦૧૫માં આવકથી વધુ સંપત્તિના મામલામાં કર્ણાટક હાઈ કોર્ટ દ્વારા ક્લિનચિટ મળ્યા બાદ જયલલિતાએ તેમની સંપત્તિની ઘોષણા કરી હતી.
સપ્ટેમ્બર ૨૦૧૪માં ટ્રાયલ કોર્ટ દ્વારા સજા થયા બાદ જયલલિતાએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. જૂન ૨૦૧૫માં તેમણે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તે સમયે આપેલાં સોગંદનામામાં જયલલિતાએ પોતાની પાસે રૂ. ૧૧૭.૧૩ કરોડની સંપત્તિ હોવાની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં જયલલિતાએ જણાવ્યું હતું કે મારી પાસે ૪૫.૪ કરોડની અસ્થાયી અને ૭૨.૦૯ કરોડની સ્થાયી સંપત્તિ છે. તેમની પાસે બેન્ક ખાતામાં રૂ. ૯.૮ કરોડ જમા છે. તેમણે પાંચ કંપનીઓમાં ૩૧.૬૮ કરોડનું રોકાણ કર્યું હતું.

