શિવાજી બનવાનું સ્વપ્ન સેવતો પાર્થ બેઇલાજ બીમારી સામે ઝઝૂમી રહ્યો છે

Wednesday 07th December 2016 05:06 EST
 
 

અમરેલીઃ સાવરકુંડલામાં અમરેલી રોડ પર મારુતિ નગરમાં રહેતા દિનેશભાઈ બાલાભાઈ મેસુરિયાનાં પત્ની રંજનબહેનને ત્રણેક મહિના પહેલાં ધ્યાને આવ્યું કે, ૧૧ વર્ષના દીકરા પાર્થનું વજન સતત ઘટી રહ્યું છે. તેનો શારીરિક વિકાસ પણ થતો નથી. તેમણે આ વાત દિનેશભાઈને જણાવી. એ પછી દંપતીએ પાર્થની તબીબી તપાસ કરાવી તો માલૂમ પડ્યું કે, પાર્થને S.S.P.E. (SUBACUTE SCLEROSING PANENCEPHALITIS) નામનો ભયંકર વાયરસ લાગુ પડયો છે.
ડોક્ટરોએ કહ્યું કે, આ વાયરસની કોઈ દવા જ નથી કે સારવાર પણ નથી. ધો. ૬માં અભ્યાસ કરતા ૧૧ વર્ષના દીકરાની બીમારી સામે પરિવારે લડવાનું નક્કી કર્યું છે. દરરોજ સાઇકલિંગ, સ્કેટિંગ અને ડાન્સ કરતો અને શિવાજી જેવું હિંમતવાનનું જીવન જીવવાના સપનાં જોતો પોતાનો દીકરો હવે શાંત થઈ ગયો છે તે કેવી રીતે મા બાપ જોઈ શકે? તેથી જ દંપતીએ પાર્થની રાજ્યભરની હોસ્પિટલમાં તપાસ કરાવવા ઉપરાંત આહવા-ડાંગ-વાપી-સુધી હોમિયોપથી-આયુર્વેદ વૈદ્યોનો સહારો પણ લીધો છે.
દિવસે હીરાના કારખાનામાં કામ કરતા અને બાકીનો સમય સલુન ચલાવતા દિનેશભાઈ કહે છે કે, માતા - પિતાનું કેન્સરથી મોત થયા પછી પુત્રને ગુમાવી દેવાની વાત મને કોરી ખાય છે. મારા દીકરાનું શરીર સતત ધ્રૂજે છે. યાદશક્તિ ઓછી થતી જાય છે. બે-ચાર ડગલા ચાલે ત્યાં પડી જાય છે. સતત આંચકીઓ આવે છે. તે શાળાએ પણ જઈ શકતો નથી. ઉપરથી તેની બીમારીનો ઇલાજ મળી રહે એ માટે ભારે ખર્ચ પણ થઈ રહ્યો છે. જોકે માકા કાકા નેનકાભાઈ મને આર્થિક મદદ આપી રહ્યા છે, પણ તેઓ પણ અતિધનાઢ્ય નથી. આટલું કરવા છતાં પાર્થના ઇલાજ માટે યોગ્ય દવા મળતી જ નથી.
દિનેશભાઈએ આ રોગની સારવાર વિશે જાણવા સોશિયલ મીડિયા વોટ્સએપ, ફેસબુકમાં લોકોના પ્રતિભાવો મંગાવ્યા છે. દેશવિદેશમાંથી દિનેશભાઈને આર્થિક મદદ માટે ફોન કોલ્સ આવ્યા છે, પણ રોગના ઇલાજ માટે નિરાશા મળી છે.
દિનેશભાઈ કહે છે કે, કેટલાક તબીબોએ કહ્યું કે આપણા દેશમાં ૧૯૯૮માં પ્રથમવાર એક બાળકીમાં S.S.P.E. વાયરસ દેખાયો હતો. આજે પહેલા કેસને ૧૮ વર્ષ વીતી ગયા છતાં આપણા આરોગ્ય વિભાગે કોઈ તપાસ કેમ નથી કરી? દરમિયાન વોટ્સએપની મદદથી જાણવા મળ્યું છે કે, સમગ્ર રાજ્યમાં કુલ ૨૦ બાળકો આ વાયરસગ્રસ્ત છે.


comments powered by Disqus