સુરેન્દ્રનગરઃ આજના અનેક વાલીઓને પોતાના સંતાનોની ઉજજવળ કારર્કિદી માટે ઇગ્લીશ મીડિયમની સ્કુલોનું ઘેલું લાગ્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાં રહેતા સતીષભાઇ ગજજર અને તેમનો પરિવાર છેલ્લા ૭ વર્ષથી એકબીજા સાથે સંસ્કૃત ભાષામાં જ વાત કરે છે. આ પરિવારની રોજિંદી જિંદગી સાથે સંસ્કૃત ભાષા એવી વણાઇ ગઇ છે કે તેઓ વિચાર પણ સંસ્કૃતમાં કરે છે. સતીષભાઇના બે સંતાનો પુત્રી દેવકી અને દીકરો વિદિત ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા હોવા છતાં ગુજરાતી જેટલી જ સંસ્કૃત પર પણ પકડ ધરાવે છે.
સ્કૂલમાં સાયન્સના સ્થાને સંસ્કૃતમાં વધારે રસ પડતો
સતીષભાઇ કહે છે કે હું જયારે હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે મને સંસ્કૃત વિષયમાં ખૂબ જ રસ પડતો હતો. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષયના શ્લોકો અને ભાષાંતરનો સારા માર્કસ મેળવવા માટે ઉપયોગ કરતા હોય છે, પરંતુ મે દરેક ભાષાઓની જનની ગણાતી સંસ્કૃતને નાનપણથી જ જીવનમાં ઉતારવાની ટેવ પાડી હતી. મને થયું હતું કે શીખવા માટે ભાષાઓ તો અનેક છે પરંતુ જો બધી ભાષાઓના પાયામાં સંસ્કૃત હોય તો પછી સંસ્કૃત જ શીખવી જોઇએ.
હું જયારે અભ્યાસ કરતો ત્યારે પણ અત્યારની જેમ સાયન્સના વિષયોનો જમાનો તેમ છતાં મારા માતા પિતાએ મને સંસ્કૃતમાં આગળ વધતો રોકયો ન હતો. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માટે કાર્ય કરતી સંસ્કૃતભારતી સંસ્થાના વર્ગોમાં વારંવાર ભાગ લેવાના કારણે સંસ્કૃત શીખવાની પ્રેરણા મળી હતી.
સંસ્કૃત વાચ્ય સંરચના નામનું સંસ્કૃત વ્યાકરણ પુસ્તક વાંચ્યુ જે મારા જીવન માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું હતું. સંસ્કૃત સાહિત્યના વાચન ઉપરાંત કલાકો સુધી સંસ્કૃત શીખવા અને સમજવા માટે પ્રયત્નો કરવાથી સંસ્કૃત સરળ લાગી હતી.
ભાષાને કારકિર્દી નહીં હૃદય સાથે જોડવાથી જીવંત રહે છે
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે કોઇ પણ ભાષા શીખવા માટે આજુબાજુનો માહોલ હોવો જરૂરી છે, પરંતુ સતીષભાઇના પરિવારે માહોલ વગર પણ અંદરની ઇચ્છાશકિતઓ જગાડીને ભાષા શીખી શકાય છે તે વાત સાબિત કરી છે. સતીષભાઇના જણાવ્યા અનુસાર જે ભાષામાં તમે વિચારવા માંડો તે ભાષા તમને આવડી જાય છે.
આજે ભાષા તરીકે અંગ્રેજીનો પણ હું વિરોધ કરતો નથી. તે પણ શીખવી જોઇએ, પરંતુ શેકસપિયરના વખાણ કરવામાં કાલિદાસ ભુલાઇ જાય તે ખોટું છે.
દુનિયામાં જર્મની, રશિયા, જાપાન, ફાંસ જેવા દેશો પોતાની માતૃભાષાને વળગી રહીને પછી અંગ્રેજી કે અન્ય ભાષાઓ શીખે છે આપણે ત્યાં પણ બાળકોને માતૃભાષા જ શીખવવી જોઇએ. ખાસ કરીને ભાષાઓને કારકિર્દી સાથે નહીં પરંતુ હૃદય સાથે જોડશો તો જ તે જીવંત રહેશે.
સંસ્કૃત પરિવારની બોલચાલની ભાષા બની
સતીષભાઇના લગ્ન થયા બાદ બી એડ થયેલાં પત્ની જાગૃતિબેહેને પણ પતિના સંસ્કૃતપ્રેમને જાણીને આ દેવભાષામાં રસ લેવા માંડયો હતો.

