અમદાવાદઃ ત્રણ મહિના અગાઉ જ નિયુક્તિ પામેલા દિલ્હીસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર સર ડોમિનિક આસ્કીથે તાજેતરમાં અમદાવાદ અને ગાંધીનગરની પ્રથમ વખત મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૧૭માં પણ બ્રિટન પાર્ટનર કન્ટ્રી બની રહેશે અને સમિટમાં બ્રિટનથી સો જેટલા સભ્યોનું વિશાળ પ્રતિનિધિ મંડળ આવશે. ગુજરાત અતિ મહત્ત્વનું રાજ્ય છે. અમારે મુખ્ય પ્રધાન, ચીફ સેક્રેટરી તેમજ અન્ય અધિકારીઓ તેમજ બિઝનેસ ટુ બિઝનેસ અને સરકારથી સરકાર સ્તરે મંત્રણાઓ થઈ છે. આગામી છ મહિના દરમિયાન યુકેની ગુજરાતમાં ભરચક પ્રવૃત્તિ રહેશે.
પહેલી સપ્ટેમ્બરે અમદાવાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સંબંધે આસ્કીથે કહ્યું કે જૂન મહિનાના રેફરન્ડમમાં ઈયુ છોડવાનો નિર્ણય લેવાયો છે. આમ છતાં, બ્રેક્ઝિટ માટે ત્રણ વર્ષ લાગી જશે. ત્યાં સુધી યુકે ઈયુનું સભ્ય જ છે. આ ગાળામાં આવી સંધિની શક્યતા નથી. જોકે, ભારત તથા અન્ય દેશો સાથે વેપારી સંબંધો વિક્સાવવા અને મજબૂત બનાવવાની વાટાઘાટો ચાલતી રહેશે.
ગુજરાત આંતરપ્રિન્યોરશિપ અને વ્યાવસાયિક કુશળતા ધરાવતા લોકો માટે જાણીતું છે જેથી બ્રિટન અને ગુજરાત વચ્ચે વ્યાપારની વ્યાપક તકો છે. તેમણે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન બ્રિટિશ ડેલિગેશનનું સૌથી વધુ ફોકસ લાઇફ સાયન્સિઝ-ફાર્મા અને કેમિકલ્સ ક્ષેત્રે જોડાણ માટે રહેશે. ફાયનાન્સિલ સર્વિસિઝમાં પણ બ્રિટન ગુજરાતમાં ઘણી તકો જોઇ રહ્યું છે. રાજકોટ ખાતે લઘુ - મધ્યમ ઉદ્યોગનું સંમેલન યોજાવાનું છે તેમાં પણ યુકેથી પ્રતિનિધિ મંડળ આવશે. નવેમ્બર મહિનામાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પણ ભારતપ્રવાસે આવી રહી છે.
આસ્કીથે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા મિશનના સપોર્ટમાં યુકે ગુજરાત સાથે ભારતમાં પણ વ્યાપાર પ્રવૃત્તિ વધારવા ઉત્સુક છે. જેના ભાગરૂપે સમિટમાં ફરી એક વખત પાર્ટનર કન્ટ્રી તરીકે ભાગ લેશે અને સરકાર તથા કંપનીઓનું ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ વાઇબ્રન્ટ સમિટમાં આવશે અને બિઝનેસની તકો જોતાં એમઓયુ કરવાથી લઇને કંપની પ્રેઝન્ટેશનથી અને બિઝનેસ ટુ બિઝનેસની મીટિંગમાં પણ ભાગ લેશે. અલબત્ત, સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના ભાગરૂપે ગુજરાત સાથે બ્રિટનના સીધા સંબંધો વધશે અને તેથી ગુજરાતની કંપનીઓને વધુ ફાયદો થશે તેમ મારું માનવું છે.
બ્રેક્ઝિટના કારણે યુકે ફરી એક વખત નવેસરથી વૈશ્વિક સંબંધો વિકસાવી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે જેમાં ભારત મહત્ત્વનો દેશ છે. જોકે બ્રેક્ઝિટની અસરો પૂર્ણ થતાં બેથી ત્રણ વર્ષ જેટલો સમયગાળો લાગશે તેવી શકયતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય કંપનીઓ સાથે જોઇન્ટ વેન્ચર, હાઇટેક ટેકનોલોજી-ડિઝાઇનની આપ-લે અને ગુડ્ઝ એન્ડ સર્વિસિસના ક્ષેત્રમાં પણ બંને દેશોને અનેક તકો છે. ગુજરાત ખાતેના ડેપ્યુટી હાઇ કમિશનર જ્યોફ વેઇને જણાવ્યું હતું કે, ગુજરાતમાં સમિટ દરમિયાન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ અને, ટેકનોલોજી-આર એન્ડ ડી વિગેરે ક્ષેત્રોમાં પણ સમાન ભાગીદારી માટે ઉત્સુકતા રહેશે.

