સન્ડરલેન્ડના સ્ટેડિયમ ઓફ લાઈટ દ્વારા આ વખતે દિવાળીની ઊજવણીની સાથે પ્રથમ વખત પ્રકાશના પર્વની યજમાની થશે.
આ ઈવેન્ટમાં મનોરંજન અને સ્વાદિષ્ટ ભોજનનો સમાવેશ કરાયો છે. તહેવારના આ ઈવેન્ટમાં SAFCની ચેરિટી ફાઉન્ડેશન ઓફ લાઈટ માટે ભંડોળ પણ એકત્ર કરવામાં આવશે.
આ ઈવેન્ટ સન્ડરલેન્ડના બિઝનેસમેન ઉમેશ પટેલ MBE DLનો વિચાર છે તેઓ આ દિવાળી ઈવેન્ટને શહેરમાં અગાઉ યોજાઈ ન હોય તેવી સૌથી મોટી બનાવવા માંગે છે. તેમણે જણાવ્યું હતું કે હું આટલા મોટાપાયે સન્ડરલેન્ડમાં દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં ખૂબ રોમાંચિત છું. અને પ્રકાશના પર્વની ઊજવણી સ્ટેડિયમ ઓફ લાઈટ સિવાય અન્ય કઈ જગ્યાએ સારી રીતે થઈ શકે?
અમે ઈવેન્ટના શક્ય તેટલા શાનદાર આયોજન માટે સ્ટેડિયમ ઓફ લાઈટ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અને અમે આ ઈવેન્ટના શ્રેષ્ઠ આયોજન માટે તમામ તૈયારી કરી છે. દિવાળી હિન્દુ કેલેન્ડરમાં ખૂબ મહત્ત્વનું પર્વ છે. અમે દિવાળીની રાત્રિની ધામધૂમપૂર્વક ઊજવણી કરવા જઈ રહ્યા છીએ. અમને આશા છે કે, આ ઈવેન્ટ શહેરનો વાર્ષિક ઈવેન્ટ બની રહેશે.
અતિથિઓ સમક્ષ બોલિવૂડ ડાન્સર્સ દ્વારા મનોરંજન કાર્યક્રમ રજૂ કરવામાં આવશે અને અતિથિઓને ભારતીય બોલિવૂડના ડીજે સાથે ડાન્સ ફ્લોર પર ડાન્સ કરવાની તક મળશે. મહિલાઓ માટે હિના કોર્નરનું પણ આયોજન થશે અને શાનદાર આતશબાજી કરવામાં આવશે.
ચટપટી વાનગીઓના શોખીનો માટે ચાટ કાઉન્ટર, સ્ટ્રીટ ફૂડ કાર્ટ્સ અને દિવાળી બુફે જેમાં અલગ અલગ કરી અને રાઈસની ડીશીસ સાથે સલાડનો સમાવેશ થશે. મેઈન બુફે પૂરું થયા બાદ પેક્ડ ડેઝર્ટ બાર ખુલશે. જેમાં સ્વાદિષ્ટ મીઠાઈઓનો સ્વાદ અતિથિઓ માણી શકશે. આ ઉપરાંત દિવાળી ડ્રીંક્સ ઓફર કરાશે. સન્ડરલેન્ડ AFCના કોમર્શિયલ ડિરેક્ટર ગેરી હચિન્સન આ તદ્દન નવો ઈવેન્ટ યોજવા ભારે ઉત્સુક છે. તેમણે જણાવ્યું હતું કે, આ દિવાળી ઈવેન્ટ અમે આટલા મોટાપાયે કરેલો પ્રથમ ઈવેન્ટ છે. સ્ટેડિયમ ઓફ લાઈટ ખાતે આ ખૂબ મહત્ત્વના પ્રસંગની ઊજવણી કરવા માટે અમે બહુ રોમાંચિત છીએ.
ઉમેશ પટેલ નેશનલ ફાર્મસી એસોસિએશનના પૂર્વ ચેરમેન છે. હાલ તેઓ સન્ડરલેન્ડ LPCના ચેરમેન છે. તેઓ યુનિવર્સિટી ઓફ સન્ડરલેન્ડના બોર્ડ ઓફ ગર્વનર્સમાં, સન્ડરલેન્ડ બિઝનેસ ગ્રુપના બોર્ડ મેમ્બર છે અને PSNCની રિવ્યુ એન્ડ ઓડિટ પેનલના ચેરમેન છે.
