ગરીબ મહિલાઅો અને બાળકોની શ્રેષ્ઠ સારવાર એ મારૂ સ્વપ્ન: અમૃતાબહેન પટેલ

Wednesday 08th June 2016 09:13 EDT
 
 

ચારુતર આરોગ્ય મંડળ સંચાલિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ માટે ફંડ એકત્ર કરવા તા. ૧૨-૬-૨૦૧૬ શનિવારના રોજ લંડનની પોશ હોટેલમાં યોજાયેલા ચેરીટી ડીનર કાર્યક્રમ અર્થે અત્રે પધારેલા ચારુતર આરોગ્ય મંડળના ચેરપરસન અમૃતાબહેન પટેલ, ટ્રસ્ટી શ્રી જાગૃતભાઇ ભટ્ટ અને શ્રી સંદિપભાઇ દેસાઇ (CEO) એ મંગળવારે તા. ૭ના રોજ સવારે 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અમૃતાબહેન પટેલે જણાવ્યું હતું કે 'આપણે મહિલાઅોના એમ્પાવરમેન્ટની વાતો કરીએ છીએ પરંતુ મહિલાઅો અને બાળકોના આરોગ્યની સ્થિતી ચિંતાજનક છે અને છેક છેવાડાના આદિવાસી વિસ્તારના ગરીબ, નિ:સહાય અને લાચાર લોકો સુધી આરોગ્ય સેવા પહોંચે તે આશયે અમને મોટી માત્રામાં આર્થિક અનુદાનની જરૂર છે અને તે આશયે જ અમે બ્રિટનવાસી ગુજરાતીઅો અને ભારતીયોનો સહયોગ લેવા અત્રે આવ્યા છીએ.'
ભારતમાં દુધ ઉત્પાદન ક્ષેત્રે વિશાળ ક્રાંતિ લાવનાર વિશ્વ વિખ્યાત અમુલ, NDDB, IRMA અને GCMMFના ચેરપરસન તેમજ વરિષ્ઠ હોદ્દાઅો પર સેવા આપ્યા બાદ નિવૃત્ત થઇ મહિલાઅો અને બાળકોના આરોગ્ય ક્ષેત્રે પોતાની સેવાઅો આપવાના શુભ હેતુ સાથે અમૃતાબહેન અત્યારે ચારુતર આરોગ્ય મંડળનું સુકાન સંભાળી રહ્યા છે. અમૃતાબહેને મુલાકાત આપતાં જણાવ્યું હતું કે 'મારા અનુભવે મેં જોયું હતું કે બહેનો દુધ માટે જાનવરોની સંભાળ લે અને દુધ કાઢે અને તેની આવકનો હિસાબ તેમના પતિ સંભાળતા અને મન ફાવે તેમ તે રકમ વાપરતા હતા. પરંતુ એ બહેનોને દુધ મંડળીઅોના વહીવટમાં સ્થાન નહોતું. આ બહેનો બીમાર પડે તો પણ તેમની જોઇએ તેવી કાળજી લેવાતી નહોતી. જો આ બહેનો હોસ્પિટલ જાય તો ભેંસને સાચવે કોણ. બહુ લાંબો વિચાર કર્યા બાદ મેં આરોગ્ય ક્ષેત્રે સેવા આપવાનું નક્કી કર્યું હતું.'
અમૃતાબહેને જણાવ્યું હતું કે 'અમારી શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ગરીબી રેખાથી નીચેના અને ૧૦,૦૦૦ રૂપિયા કરતા અોછી આવક ધરાવતા પરિવારની મહિલાઅો અને તેમના બાળકોને કોઇ જ ફી વગર સારવાર આપીએ છીએ. શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં અત્યારે ૫૫૦ દર્દીઅોને સારવાર આપવાની ક્ષમતા છે અને વિદેશવાસી દર્દીઅો તેમજ ફી ભરી શકે તેવા દર્દીઅો માટે વીઆઇપી સગવડો ધરાવતી ૬૦ બેડની વિંગની પણ અમે શરૂઆત કરી છે. જેમાં કેન્યા, ટાન્ઝાનીયા તેમજ અન્ય દેશોના દર્દીઅો સારવાર અર્થે આવે છે. પરવડી શકે તેવા દર ધરાવતી અમારી હોસ્પિટલમાં સૌથી શ્રેષ્ઠ મેડિકલ સુવિધાઅો છે અને અમે લાગણી, દયા અને પ્રેમ સાથે દરેક દર્દીઅોની સારવાર કરીએ છીએ. અમારી ફીના દર ખાનગી હોસ્પિટલો કરતા અડધા કે તેનાથી અોછા છે. અમે મોટા પ્રમાણમાં દવા તેમજ અન્ય સાધનોની ખરીદી કરતા હોવાથી ફીનો દર અોછો રાખી શકીએ છીએ. આટલું જ નહિં જરૂર પૂરતી સારવાર આપવામાં આવતી હોવાથી દર્દીઅોનો દવા દારૂ પાછળનો ખર્ચો સિમીત રહે છે.
શ્રી કૃષ્ણ હોસ્પિટલ પાસે વિશ્વ કક્ષાનું સ્ટેટ અોફ ધ આર્ટ કેન્સર સેન્ટર, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર, કાર્ડીયાક સેન્ટર, પીડીયાટ્રીક કાર્ડીયોલોજી, અમદાવાદ – વડોદરા વચ્ચેનું એક માત્ર ટ્રોમા સેન્ટર, ડાયાલીસીસ સેન્ટર છે. આ ઉપરાંત યુરોલોજીકલ સર્જરી, અોર્થોપેડિક, ન્યુરો સર્જરી તેમજ અન્ય સેવાઅો પણ આપીએ છીએ.
દર્દીઅોની સંખ્યા વધી રહી છે તે જોતાં અમારો ધ્યેય હોસ્પિટલની બહાર જઇને સેવા આપવાનો છે. તેથી અમે મોકાના સ્થળે આવેલા ગામોમાં ૬ એક્સટેન્શન સેન્ટરની શરૂઆત કરી છે. બીજી તરફ અમે ગામડાઅોમાં ૯૦ હેલ્થ વર્કરની નિમણુંક કરી છે. આ હેલ્થ વર્કર તેમના ગામોમાં પ્રાથમિક સારવાર આપવાનું અને બીમારી અટકાવવાનું કામ કરે છે. તેમને અમે ટેબ્લેટ (આઇ પેડ જેવું) આપીએ છીએ જેમાં તેઅો દરેક દર્દીઅોનો રેકોર્ડ પણ રાખે છે અને અમને પણ તે તમામ માહિતી મોકલી આપે છે. આ હેલ્થ વર્કર વધુ સારવાર માટે ગંભીર બીમારી ધરાવતા દર્દીઅોને એક્સ્ટેન્શન સેન્ટરમાં મોકલે છે અને ત્યાં પણ જો સારવાર ન થઇ શકે તો ત્યાંથી વધુ સારવાર અર્થે દર્દીને શ્રી કૃષ્ણ હોસ્પિટલ લાવવામાં આવે છે. અમે આદિવાસી વિસ્તાર સેવાલીયામાં પણ ૬૦ બેડની હોસ્પિટલનું સંચાલન કરીએ છીએ અને હમણાં જ ૩ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.'
ગરીબ દર્દીઅોને સેવા અને સારવાર આપવા જતા અમારો ખર્ચો ખૂબ જ વધી રહ્યો છે અને તેથીજ અમને યુકેમાં વસતા ઉદાર દાતાઅોની આર્થિક મદદની જરૂર છે. દાતાઅોના દાનની મદદથી જ અમે ગરીબ દર્દીઅો અને ખાસ કરીને મહિલાઅો અને બાળકોની સારવાર કરી શકીશું. અમારે ત્યાં અમુક બાળકો અને મહિલા દર્દીઅો એવા છે જેમની સારવાર માટે વધુ રકમની જરૂર પડે છે. જો તેમને દાતાઅો દ્વારા દત્તક લેવાય તો તેમની સારવાર વધુ આસાન થઇ શકે તેમ છે.'
તેમણે જણાવ્યું હતું કે 'અમને આર્થિક મદદ ઉપરાંત ડોક્ટરની પણ જરૂર છે. અમે જેનું સંચાલન કરીએ છીએ તે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં અત્યારે ૧૦૦ વિદ્યાર્થીઅોને પ્રવેશ આપીએ છીએ, જે સંખ્યા વધારીને ૧૫૦ કરવા માંગીએ છીએ. અમારી કોલેજની પ્રતિષ્ઠા છે અને અમે તેજસ્વી વિદ્યાર્થીઅોને સ્કોલરશીપ પણ આપીએ છીએ. આટલું જ નહિં અમે પ્રથમ વર્ષથી જ તબીબી વિદ્યાર્થીઅોને ગામડામાં જઇને સેવા કરવાના ગુણ શિખવીએ છીએ. અમે પ્રવેશ માટે કોઇ કેપિટેશન ફી કે ડોનેશન લેતા નથી તેથી અમને કોલેજના સંચાલનમાં પણ આર્થિક મદદની જરૂર પડે છે. મને સેવા કાર્યો કરવાની પ્રેરણા મારા પિતા શ્રી એચએમ પટેલ તરફથી મળી હતી તેઅો માનતા હતા કે જો બધા બિઝનેસ કે નોકરી કરશે તો સેવા કોણ કરશે.'
મંડળના લાભાર્થે લેસ્ટર ખાતે તા. ૧૧ જૂનના રોજ લેસ્ટર ખાતે રહેતા શ્રી નૈનેષભાઇ એમ. પટેલ ( ફોન નં. 07970 220 452) દ્વારા લંચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા આપ નૈનેષભાઇનો સંપર્ક કરી શકો છો.
વધુ માહિતી અને દાન કરવા માટે સંપર્ક:
CHARUTAR AROGYA MANDAL, Shree Krishna Hospital, Gokal Nagar,, Karamsad - 388 325, (INDIA)
Phone: 0091-2692-228411.
OR Contact London Charutar health foundation-UK Mr. VC Patel Email: [email protected]
ચારુતર આરોગ્ય મંડળ અંગે વધુ માહિતી માટે સંપર્ક: કોકિલાબેન પટેલ 07875 229 177.


comments powered by Disqus