- કમલ રાવ
જશનો ટોપલો પોતાના માથે લઇ લેવાની ખેવના ધરાવતા લોકો પોતાનો ક્કકો ખરો કરાવવા માટે હરહંમેશ રચ્યા પચ્યા રહેતા હોય છે. આવા લોકો, જાણે કે જનતા મુરખ હોય તેમ, પેલી જુની વાર્તાની જેમ 'બકરાને કુતરૂ' કહીને લોકોના આંખે પાટા બાંધવાની કોશિષ કરતા રહે છે. પોતાની વાત સાચી કરાવવા માટે આવા લોકો વધુને વધુ મરણીયા પ્રયાસો કરતા રહે છે પરંતુ તેઅો એ ભૂલી જાય છે કે સત્યને સુરજ પણ ઢાંકી શકતો નથી તો પછી તેઅો કોણ છે! અંતે આવા લોકો સમાજમાં 'થુ થુ...' થઇ જાય છે અને ઉઘાડા પડી જાય છે.
આવું જ કઇંક ગત તા. ૨૩મી મે, ૨૦૧૬ સોમવારના રોજ એમએ ટીવી પર આવતા સ્પીરીચ્યુઅલ લાઇવ કાર્યક્રમની મુલાકાત દરમિયાન થયું. જેમાં અમદાવાદ લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સત્યથી તદ્દન વેગળી એવી સમગ્ર ચર્ચાનો સુર કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એવો રજૂ કરવામાં આવ્યો હતો કે 'હજુ અમે એકલા જ ડાયરેક્ટ ફ્લાઇટ માટે મહેનત કરીએ છીએ અને અમારા કારણે જ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઇ છે.'
વાચક મિત્રો અાપ સૌ અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટની રોજે રોજની લડત અને છેલ્લે નરેન્દ્રભાઇ મોદી દ્વારા ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાતની સમગ્ર માહિતીથી વાકેફ છો. પરંતુ જશ ખાટી લેવા માટે જે વરવી નીતિ-રીતિ અપનાવવામાં આવે છે તેનાથી આપ સૌ વાકેફ થાવ તે આશયે અત્રે આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. અમોએ આ અંગે ટીવી કાર્યક્રમના ઉદ્ઘોષકથી લઇને NCGO સાથે સંકળાયેલાઅોની મુલાકાત લીધી હતી જેના મહત્વપૂર્ણ અંશો અત્રે પ્રસ્તુત છે.
તો હું સત્ય હકિકત ટીવી પર રજૂ કરીશ:
રાજેશ પરમાર
'એમએ ટીવી' પર દર સોમવારે આવતા 'સ્પિરીચ્યુઅલ લાઇવ' કાર્યક્રમના ઇન્ટર્વ્યુઅર રાજેશભાઇ પરમારે આ અંગે 'ગુજરાત સમાચાર'ને ફોન પર માહિતી આપતાં જણાવ્યું હતું કે 'તા. ૨૩મી મે ૨૦૧૬, સોમવારના રોજ યોજાયેલા કાર્યક્રમના આયોજન માટે પ્રફૂલ્લભાઇ પટેલે મારો સંપર્ક કર્યો હતો અને NCGOના ચેરમેન શરદભાઇ પરીખ અને પોતે ટીવી ઇન્ટર્વ્યુ માટે આવશે તેમ જણાવ્યું હતું.'
રાજેશભાઇએ જણાવ્યું હતું કે 'અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટેની આ મુલાકાત દરમિયાન મારો પહેલો જ પ્રશ્ન હતો કે 'આ આંદોલનની શરૂઆત કોના દ્વારા અને કઇ રીતે થઇ?' મારા પ્રશ્નના જવાબમાં તેમણે આખાય આંદોલન અંગે કોણે શું કર્યું તે અંગેની માહિતી આપવી જોઇતી હતી. શરદભાઇ પરીખ અને પ્રફૂલ્લભાઇ પટેલે જે વાત ટીવી મુલાકાતમાં રજૂ કરી તે જોતાં તો બધીજ પાયાની મહેનત તેમણે કરી હોય તેવું સામાન્ય દર્શકોને લાગે. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' અમદાવાદ લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટના આંદોલનમાં પહેલેથી જ સંકળાયેલા હોય તો બન્ને અગ્રણીઅોએ આ હકિકતનો ઉલ્લેખ ટીવી મુલાકાતમાં રજૂ કરીને બન્ને અખબારોને ક્રેડીટ આપવી જ જોઇએ. મેં તો તેમને પ્રશ્ન પૂછ્યો જ હતો પરંતુ સત્ય જવાબ અપવાનું કામ તેમનું હતું. જો ગુજરાત સમાચાર દ્વારા NCGOની સાથે આ આંદોલન ચલાવવામાં આવ્યું હોય અને પેપરમાં વખતો વખત આંદોલનમાં NCGOની સહભાગીદારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો શરદભાઇ પરીખે NCGOના ચેરમેન હોવાના નાતે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'નો ઉલ્લેખ કરવો જ જોઇતો હતો.'
રાજેશભાઇ પરમારને પૂછવામાં આવ્યું હતું કે 'તમને ખ્યાલ હશે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વેમ્બલી સ્ટેડીયમ ખાતે યોજાયેલ વિરાટ સભામાં જાહેર કર્યું હતું કે મારા મિત્ર સીબી પટેલ ડાયરેક્ટ ફ્લાઇટની માંગણી કરી મારૂ ગળુ પકડતા હતા. તમે જો આ માહિતી જાણતા હો તો તમે કાર્યક્રમમાં તમારી સમાલોચનામાં આ સત્ય હકિકત ઉમેરી શક્યા હોત.'
ટીવી મુલાકાત પહેલા ઇન્ટર્વ્યુઅર પોતે મુલાકાતના વિષય અંગે જે તે મુદ્દા અંગે જરૂરી અભ્યાસ કરીને મુલાકાત લેતા હોય છે તો આપે આ મુલકાત પહેલા કોઇ અભ્યાસ કર્યો હતો કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં રાજેશભાઇ પરમારે જણાવ્યું હતું કે 'મારે આ મુલાકાત બાબતે કોઇ સ્ટડી કરવાનું રહેતું જ નથી. હું ટીવી મુલાકાતમાં જે ચર્ચા કરૂ તેમાં બધું આવી જ જાય છે.' રાજેશભાઇ પરમારે જણાવ્યું હતું કે 'ભલે એશિયન વોઇસના તા. ૨૧મી મે, ૨૦૧૬ના અંકમાં આગામી ૧૫મી અોગસ્ટથી અમદાવાદ - લંડન વચ્ચે નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ થનાર છે તેની માહિતી છપાઇ હોય પરંતું મને તેની ખબર નહોતી.'
રાજેશભાઇએ જણાવ્યું હતું કે 'આપે આ અંગે મારૂ ધ્યાન દોર્યું તે બદલ આપનો આભાર અને અમારા આગામી કાર્યક્રમમાં જ્યારે આ અંગે ચર્ચા થશે ત્યારે હું જરૂર તેનો ઉલ્લેખ કરીશ અને તે માટે મને કોઇ જ ડર નથી. સત્ય હકિકત રજૂ કરવાની મારી ફરજ છે.'
શરદભાઇ પરીખ – ચેરમેન NCGO
અમદાવાદ લંડન વચ્ચેની નોન સ્ટોપ ડાયરેક્ટ ફ્લાઇટ ફ્લાઇટ શરૂ કરાવવા માટે NCGOના ચેરમેન શરદભાઇ પરીખે એમએ ટીવી પર આવતા સ્પીરીચ્યુઅલ લાઇવ કાર્યક્રમમાં પોતે તનતોડ મહેતન કરી રહ્યા છે તેવો દેખાવ કર્યો હતો અને અત્યારે અમદાવાદ – લંડન વચ્ચેની વાયા મુંબઇ ફ્લાઇટ ખૂબજ અગવડદાયી છે અને મોદી તેમનું વચન પાળી શક્યા નથી તેમ જણાવ્યું હતું. કમનસીબે પરીખ સાહેબ ભારતના માનનીય અને લોકપ્રિય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી માટે વારંવાર માત્ર 'મોદી'નું અનુચીત સંબોધન વાપરતા હતા, જે ખરેખર કમનસીબ હતું.
ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા (વાયા મુંબઇ) અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ દ્વારા ગુજરાતીઅોની સેવા કરવાના પ્રયાસો સામે શંકા ઉઠાવવાના પ્રયાસો અને કેટલીક સત્ય હકિકતોને રીતસર નજર અંદાજ કરવામાં આવતી હોવાથી 'ગુજરાત સમાચાર' દ્વારા શરદભાઇ પરીખના મંતવ્યો ફોન પર જાણવામાં આવ્યા હતા.
શરદભાઇએ જણાવ્યું હતું કે 'વાયા મુંબઇ થઇને લંડન આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ થકી ઘણી તકલીફો મુસાફરોને ભોગવવી પડે છે અને તે ફ્લાઇટની ઘણી હોરર સ્ટોરી છે તેમજ એર ઇન્ડિયાની આ ફ્લાઇટ મુસાફરો માટે એક સજા જેવી છે. મોદીએ વેમ્બલી સ્ટેડીયમ ખાતે જે વચન આપ્યું હતું તે મુજબ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઇ નથી'
આ તબક્કે શરદભાઇને જણાવાયું હતું કે 'આપને ખબર છે કે એર ઇન્ડિયા દ્વારા આગામી તા. ૧૫મી અોગસ્ટથી અમદાવાદ – લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાના અહેવાલ છે. જે અમદાવાદથી નોન સ્ટોપ લંડન આવશે અને અહિંથી ઉપડીને ન્યુવાર્ક જશે અને એજ રીતે પરત અમદાવાદ જશે. આ અંગેના અહેવાલ એમએ ટીવીનો લાઇવ કાર્યક્રમ ટેલિકાસ્ટ થાય તે પહેલા એશિયન વોઇસના તા. ૨૧મી મે ૨૦૧૬ના અંકમાં પાન નં. ૨૬ ઉપર પ્રસિધ્ધ થયા હતા. ટીવી પર જે મહાનુભાવો અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ વિષે ચર્ચા કરતા હતા તેમને ખુદને જ ખબર ન હતી કે તા. ૧૫મી અોગસ્ટથી ડાયરેક્ટ નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ થનાર છે અને તેવા અહેવાલો અખબારોમાં આવ્યા છે.
એમએટીવી પર રાજેશભાઇ પરમારે સૌ પ્રથમ પ્રશ્ન શરદભાઇને પૂછ્યો હતો કે 'અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટના આંદોલનની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? પરંતુ કમનસીબે આ પ્રશ્નનો સાચો અને સીધો જવાબ શરદભાઇ કે અન્ય દ્વારા આપવામાં આવ્યો ન હતો (આપ તેનું કારણ સમજી શકો છો). એજ પ્રશ્ન 'ગુજરાત સમાચાર' દ્વારા જ્યારે શરદભાઇને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે 'જ્યારે શ્રી સીબી પટેલ વર્ષ ૨૦૧૦માં NCGOના ચેરમેન હતા ત્યારે તેમણે અમદાવાદથી લંડન વચ્ચેની ડાયરેક્ટ ફલાઇટ શરૂ કરાવવા આંદોલન શરૂ કર્યું હતું. જે દરખાસ્તને NCGOના કમીટી મેમ્બર્સે સર્વાનુમતે મંજુર કરી હતી અને ડાયરેક્ટ ફ્લાઇટ ઝુંબેશ શરૂ કરાઇ હતી.'
વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વેમ્બલી સ્ટેડીયમ ખાતે સીબીને આપેલા જશ અંગે પૂછતા શરદભાઇએ જણાવ્યું હતું કે 'કોણે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા માટે મહેનત કરી હતી તેની ચર્ચા કરવા હું નહોતો ગયો તેમજ તેનો જશ કોને મળ્યો તે બાબત અમે ચર્ચી નહોતી. અમે આ કાર્યક્રમમાં ડાયરેક્ટ ફ્લાઇટની કોઇ જ ક્રેડીટ લીધી નહોતી. હું કામ કરવા માંગુ છું, નગારા વગાડવામાં મને રસ નથી. કોણે કર્યું અને કોણે ન કર્યું તે નહિં પણ જનતાને તકલીફ પડે છે તેની ચર્ચામાંં મને રસ હતો. મોદીએ આ અંગે જાહેરાત કરી પરંતુ હજુ જનતાને તે સગવડ મળી નથી.'
આ તબક્કે તેમને પ્રશ્ન કરાયો હતો કે 'તમે કહો છો કે જનતાને વાયા મુંબઇથી આવતી ડાયરેક્ટ ફ્લાઇટમાં ખૂબ જ તકલીફ પડે છે તો તમે આ અંગે કોઇ ફરિયાદ કરી છે ખરી? તમને કોઇ મુસાફરે આ અંગે લેખિત ફરિયાદ કરી છે ખરી? થોડુ અટવાયા બાદ તેમણે જણાવ્યું હતું કે 'અમારા ભારત સ્થિત સલાહકાર પ્રફુલ્લભાઇ પટેલે એર ઇન્ડિયાના ચેરમેનને મુસાફરોને મુંબઇ એરપોર્ટ પર પડતી તકલીફ અંગે પત્ર લખ્યો છે. અમને કોઇ મુસાફરે તકલીફ પડતી હોય તે અંગે લેખિત પત્ર નથી લખ્યો પરંતુ અમારા કમીટીના મેમ્બર્સને અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં કેટલાક લોકોેએ આ અંગે રજૂઆત કરી હતી.'
તમે ટીવી કાર્યક્રમમાં બ્રિટનવાસી ગુજરાતીઅોની વર્ષો જુની માંગણીને સુલભ કરાવનાર મોદી સાહેબનો પણ આભાર ન માન્યો તેમ પૂછતા શરદભાઇએ જણાવ્યું હતું કે 'તેમનો આભાર માનવાની ઘડી તો વીતી ગઇ. ઘર બંધાઇ ગયું, જેણે બાંધ્યુ તેણે બાંધ્યું. અમે તે સમયને પાસ કરી ગયા છીએ હવે અમે આગળની વાત કરવા માંગીએ છીએ.'
આ તબક્કે શરદભાઇને પ્રશ્ન પૂછાયો હતો કે 'તમે આગામી આયોજનની વાત કરો છો તો તમે ટીવી મુલાકાતમાં ડાયરેક્ટ ફ્લાઇટ માટે NCGOના આગામી આયોજન અંગે કેમ કોઇ વાત કરી નહોતી? ત્યારે શરદભાઇએ જણાવ્યું હતું કે 'NCGO દ્વારા ગુજરાત ડેની ઉજવણી વખતે ચાર્ટર ફ્લાઇટ માટે જાહેરાત કરવામાં આવી હતી. આગામી બે માસમાં મારી ચેરમેન તરીકેની ટર્મ પૂરી થાય છે ત્યારે આગામી લડત હું મારા પુરોગામી પર છોડીશ.'
મિત્રો ફ્લાઇટ મોડી પડવાના અનેક કારણો હોઇ શકે છે, પરંતુ તેની સામે આપણા વૃધ્ધ વડિલો, પરિવારો અને નાના બાળકો સાથે મુસાફરી કરતી આપણે બહેન દિકરીઅોને વિમાન બદલવું પડતું નથી તે ઘણી મોટી સગવડ છે. વાયા મુંબઇ ફ્લાઇટ શરૂ થયા પછી એર ઇન્ડિયાના ધ્યાન પર પણ પેસેન્જર ટ્રાફીકના આંકડા નજરમાં આવ્યા છે અને તેને કારણે તો અમદાવાદ – લંડન વચ્ચેની નોનસ્ટોપ ફ્લાઇટ ૧૫મી અોગસ્ટથી શરૂ થઇ રહી છે.
પ્રફુલ્લ પટેલ NCGOના અધિકૃત સલાહકાર ખરા?
એમએ ટીવીના સ્પીરીચ્યુઅલ લાઇવ કાર્યક્રમમાં NCGOના ભારત સ્થિત સલાહકાર તરીકે બેસેલા પ્રફુલ્લભાઇ પટેલ અને તેમના સલાહકાર પદ અંગે પૂછતા શરદભાઇએ જણાવ્યું હતું કે 'પ્રફુલ્લભાઇ પટેલ ડાયરેક્ટ ફ્લાઇટ કેમ્પેઇન માટે જ NCGOના સલાહકાર છે. મને તારીખ તો નથી ખબર પણ તેઅો ચાર વર્ષથી NCGOના ભારત ખાતેના સલાહકાર છે. તેઅો ભારતમાં થતા પત્રવ્યવાહર માટે જ નિમાયા હતા અને તેમની અોફિસમાંથી જ આ ઝુંબેશ અંગે સમગ્ર પત્રવ્યવહાર થયો હતો. તેમના સલાહકાર તરીકેની ટર્મ અંગે મારે સક્રેટરી મહેન્દ્રભાઇને પૂછવું પડશે.'
શરદભાઇએ કેટલા સમય માટે તેઅો સલાહકાર હતા તે માહિતી જણાવી નહોતી. પરંતુ મળતી માહિતી મુજબ પ્રફુલ્લભાઇ પટેલની એક વર્ષ માટે NCGOના ભારત ખાતેના સલાહકાર તરીકે વરણી થઇ હતી અને તે પછી તો NCGOની નવી ચૂંટણી પણ થઇ હતી. જ્યારે કોઇ પણ સંસ્થાની કારોબારી સમિતી બદલાઇ જાય કે નવા હોદ્દેદારોની વરણી થાય ત્યારે આવા માનદ સલાહકારોની સમય મર્યાદા પણ આપોઆપ પૂરી થઇ જતી હોય છે અને તેમને કદાચ સલાહકાર તરીકે પુન: નિયક્ત કરવા હોય તો કારોબારી સમિતીની મંજુરી લેવી પડતી હોય છે. પરંતુ કમનસીબે આ કેસમાં તો એવું કશું થયું નથી. હવે એ મહાનુભાવ કોઇ અધિકૃત માન્યતા કે મંજુરી વગર સલાહકાર તરીકે ટીવી પર મુલાકાત આપવા બેસે તો તે મુલાકાત અંગે શું કહેવું? જો ચેરમેન તેમની બાજુમાં બેઠા હોય અને તેમને આ અંગેની માહિતી પણ ન હોય તો કેવું લાગે? બીજો વિવાદ એ છે કે NCGO તરફથી શરદભાઇ ટીવી પર ચર્ચા કરવા ગયા ત્યારે તેમણે કારોબારી સમિતીની આ અંગે કોઇ મંજુરી કે મંતવ્ય લીધાં જ નહોતા. અરે શરદભાઇને ખુદને મોડે મોડે જાણ થઇ હતી કે તેમણે ટીવી પર મુલાકાત આપવા જવાનું છે.
ઝુંબેશનો પ્રારંભ કરનાર સીબી જ હતા:
સીજે રાભેરૂ
NCGOના ઉપપ્રમુખ અને જાણીતા લોહાણા અગ્રણી શ્રી સીજે રાભેરૂએ આ વિવાદાસ્પદ મુલાકાત અંગે જણાવ્યું હતું કે 'હું વર્ષોથી જાહેરમાં કહું છું કે અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટની ઝુંબેશનો પ્રારંભ કરનાર શ્રી સીબી પટેલ અને ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અખબારો હતા. સીબી જ્યારે NCGOના ચેરમેન હતા ત્યારે NCGO તેમની આ લડતમાં મદદ કરતું હતું. સીબીએ અમદાવાદમાં આ લડત માટે પોતાના ખીસ્સામાંથી ઘણો મોટો ખર્ચ કરી સ્થાનિક એમપીઅો, અગ્રણીઅો અને અધિકારીઅોની ખૂબ જ વિશાળ મીટીંગ કરી હતી. આ અગાઉ પણ મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે આ ઝુંબેશમાં પ્રફુલ્લભાઇને સામેલ કરવામાં આવ્યા હતા તે NCGOના હિતમાં નહોતું. પ્રફૂલ્લભાઇએ ભારતમાં આ ઝુંબેશ માટે મીટીંગ કરી ત્યારે NCGO તરફથી તેમાં ઉપસ્થિત રહેવા માત્ર ૩ જણા ગયા હતા. શરદભાઇ અવારનવાર એમ કહેતા કે ડાયરેક્ટ ફ્લાઇટની ઝુંબેશને NCGOએ પાર પાડી ત્યારે હું તેમને ભારપુર્વક કહેતો કે તે ઝુંબેશના ખરા સુત્રધાર સીબી અને ગુજરાત સમાચાર – એશિયન વોઇસ હતા. અને છેલ્લે નરેન્દ્રભાઇ મોદીએ વેમ્બલી સ્ટેડીયમમાં સીબીનો નામ જોગ ઉલ્લેખ કરીને દુધનું દુધ અને પાણીનું પાણી કરી દીધું હતું. શરદભાઇએ ટીવી મુલાકાતમાં જે કહ્યું તે સરાસર ખોટું છે અને તે NCGOને જસ્ટીફાઇડ કરતું નથી. પ્રફુલ્લભાઇ પટેલ અત્યારે NCGOના પ્રતિનિધિ કે સલાહકાર નથી અને એજીએમ પછી તેમની કોઇ જ વરણી કરાઇ નથી કે તેમને પાછા લેવાયા નથી તે હકીકત છે.
મહત્વપૂર્ણ ભાગ ગુજરાત સમાચારનો:
જીતુભાઇ પટેલ
NCGO ના પીઆરઅો તરીકેની જવાબદારી સંભાળતા અને પીઢ અગ્રણી શ્રી જીતુભાઇ પટેલે જણાવ્યું હતું કે 'અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે બધાનો સહકાર હતો પરંતુ મહત્વપૂર્ણ અને વધારે પડતો ભાગ ગુજરાત સમાચારનો હતો. મારા માનવા મુજબ શરદભાઇએ ટીવીની મુલાકાતમાં 'ગુજરાત સમાચારના મહત્વપૂર્વણ યોગદાનનો ઉલ્લેખ કરવો જોઇતો હતો. આ સુવિધા શરૂ થઇ તે બદલ ખરેખર સૌનો આભાર અને એમાં પણ નરેન્દ્રભાઇ મોદીનો ખાસ આભાર. શરદભાઇએ તેમની ટીવી મુલાકાતમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માટે માત્ર 'મોદી' ઉદ્બોધન કર્યું તે જરા પણ યોગ્ય નથી. તેઅો વિશેષ નહિં તો 'નરેન્દ્રભાઇ' કહી શક્યા હોત. હું હંમેશા અમારી મીટીંગમાં પણ સૌને ભાઇનું સંબોધન તો અપાવું જ જોઇએ તેમ જણાવું છું.'
શ્રી જીતુભાઇએ જણાવ્યું હતું કે શરદભાઇની ચેરમેન તરીકે વરણી થઇ તે પછી પ્રફુલ્લભાઇની નિમણુંક ભારતના સલાહકાર તરીકે કરવામાં આવી હતી અને તે પછી મારી જાણ મુજબ તેમણે કામ ચાલુ જ રાખ્યું હતું. પરંતુ નવી એજીએમ પછી તેમની વરણીને કમીટીમાં મંજુરી અપાઇ હોય કે તેમની વરણી અંગે કોઇ ચર્ચા વિચારણા થઇ હોય તે મારા ધ્યાનમાં નથી. ડાયરેક્ટ ફ્લાઇટના મુદ્દે શરદભાઇ અને પ્રફૂલ્લભાઇ ટીવી પર મુલાકાત આપવા આવવાના છે તેની પણ શરદભાઇને છેક છેલ્લી ઘડીએ ખબર પડી હતી અને કમીટીના અન્ય સદસ્યો તે હકીકતથી અજાણ હતા. શરદભાઇ ચેરમેન તરીકેના આધિકારની રૂએ કદાચ છેલ્લી ઘડીએ ગયા હશે.
મિત્રો શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ, તેના તંત્રી શ્રી સીબી પટેલ અને એનસીજીઅોની આ રજૂઆતોને જાણતા હતા. આટલું જ નહિં સુઠના ગાંગડે ગાંધી થવા માંગતા કેટલાક લેભાગુ તત્વો અને કેટલાક લોકો કાગડાની જેમ સફળતાનો શ્રેય પોતાના માથે અોઢી લેવા પ્રયત્નશીલ છે તે પણ જાણતા હતા. તેથી જ તેમણે સમગ્ર સફળતાનો શ્રેય સીબી પટેલને આપ્યો હતો. તા. ૧૩મી નવેમ્બર ૨૦૧૫ને શુક્રવારના રોજ વેમ્બલી સ્ટેડીયમમાં ૬૦,૦૦૦ શ્રોતાઅોની હાજરીમાં શ્રી મોદીએ 'મારા મિત્ર સીબી પટેલ ગુજરાત આવતા અને ડાયરેક્ટ ફ્લાઇટની માંગણી કરી મારૂ ગળુ પકડતા' તેમ કહીને શ્રી સીબી પટેલને યશ આપ્યો હતો. પરંતુ રાત દિવસની મહેનતનો જશ સીબીને મળે એ સાંખી નહિં શકતા કેટલાક તકસાધુઅો હજુ પણ પોતાના પ્રયત્નો કર્યા કરે છે તે વરવી પણ કમનસીબ વાસ્તવીકતા છે.
