કાબુલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ દેશોના પ્રવાસના પ્રથમ ચરણમાં શનિવારે અફઘાનિસ્તાન પહોંચ્યા હતા. અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં વડા પ્રધાન મોદી અને અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ એક સમારંભમાં હેરાત પ્રાંતમાં સલમા ડેમનું સહિયારુ લોકાર્પણ કર્યું હતું.
ભારતની સહાયથી રૂ. ૧,૭૦૦ કરોડના ખર્ચે સાકાર થયેલો આ પ્રોજેક્ટ અત્યાર સુધી સલમા ડેમનાં નામે જાણીતો હતો, જોકે હવે આ તેને અફઘાન-ઇન્ડિયા ફ્રેન્ડશિપ ડેમ નામ અપાયું છે. પશ્ચિમ હેરાતમાં ચિશ્ત-એ-શરીફ નદી પર બંધાયેલા આ બંધ વડે ૭૫,૦૦૦ હેક્ટર જમીનમાં સિંચાઈ થશે અને ૪૨ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે.
માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં બીજી વાર અફઘાનિસ્તાનની મુલાકાતે પહોંચેલા નરેન્દ્ર મોદીએ આ બંધને સીમાસ્તંભ સ્વરૂપ ગણાવતાં આશા વ્યક્ત કરી હતી કે, તેના દ્વારા હેરાત પ્રાંતના કૃષિક્ષેત્રને ઘણો વેગ મળશે. આ બંધ ઇંટો કે સિમેન્ટમાંથી નહીં, પરંતુ અફઘાન અને ભારતીયોની મિત્રતાની શ્રદ્ધા દ્વારા નિર્માણ થયો છે. ભારત અફઘાનિસ્તાનને દરેક ક્ષેત્રમાં સહકાર આપતો રહેશે. તેના દ્વારા અફઘાન સમાજના દરેક તબક્કાને લાભ થશે.
મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન
વડા પ્રધાન મોદીને શનિવારે અફઘાન રાષ્ટપતિ અશરફ ગનીએ દેશનાં સર્વોચ્ચ નાગરિક સન્માન આમિર અમાનુલ્લાહ ખાન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરીને સાચા ભાઈચારાનું સન્માન કર્યું છે.
મોદીના રમજાન મુબારક
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનના અંતે મુસ્લિમોને રમજાન મુબારક પાઠવ્યા હતા, વડા પ્રધાને તેમનાં ભાષણમાં અફઘાનિસ્તાનના ચિશ્તમાં જન્મેલા અને ભારતના અજમેરમાં સ્થાયી થયેલા સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો ઉલ્લેખ કર્યો હતો.
ભારતીય તીરંગાનું અપમાન
વડા પ્રધાન મોદી હૈરાતની મુલાકાતે હતા તે સમયે લગભગ બે મિનિટ તેમની સામે તીરંગો ઊલટો હતો, પરંતુ કોઇનું ધ્યાન પડ્યું નહોતું. નાના-નાના ભૂલકાઓએ પહેલા પશ્તુ ભાષામાં અને પછી હિન્દીમાં મોદીનું સ્વાગત કર્યું હતું. આ સમયે ભૂલકાઓના હાથમાં નાના રાષ્ટ્રધ્વજ હતા. જેમાંથી ભારતનો રાષ્ટ્રધ્વજ ઊંધો પકડેલો હતો. એટલું નહીં જે રાષ્ટ્રધ્વજની ફરતે બોર્ડર કરેલી હતી. જે તેની સાથે ચેડાં સમાન છે.

