નવી દિલ્હી, અમદાવાદઃ બહુચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટરની ઘટનાને ૧૨ વર્ષ થયા છે, પરંતુ આ કેસમાં દિન-પ્રતિદિન નીતનવા ખુલાસા થઇ રહ્યા છે. ઇશરત મુદ્દે હવે શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે રાજકીય જંગ છેડાયો છે. અગાઉ ઇશરત જહાંને નિર્દોષ ગણાવનારા અધિકારીઓ જ હવે તેને લશ્કર-એ-તૈયબાની આતંકવાદી ઠરાવતા નિવેદનો કરી રહ્યા હોવાથી તત્કાલીન યુપીએ સરકારના ઇરાદાઓ સામે સવાલ ઉઠી રહ્યા છે. આ નિવેદનોએ કોંગ્રેસના નેતાઓની ઊંઘ ઉડાડી દીધી હોય તો પણ નવાઇ નહીં.
એક તરફ ઇશરત જહાંના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સંસદમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ૨૦૦૪ના આ બનાવટી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈને તપાસમાં મદદ કરનાર સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (‘સિટ’)ના અધિકારી સતીષ વર્માએ નવો ખુલાસો કર્યો છે. તેમનો દાવો છે કે, ઈશરતનું એન્કાઉન્ટર વાસ્તવમાં બનાવટી જ હતું.
હેડલીના નિવેદને વિવાદ ચગાવ્યો
અમેરિકાની કસ્ટડીમાં રહેલા આતંકવાદી ડેવિડ હેડલીએ તાજેતરમાં મુંબઇ કોર્ટમાં વીડિયો જુબાની આપતાં ઇશરતને ફિદાયીન ગણાવી હતી. આ પછી તત્કાલીન યુપીએ સરકારના અધિકારીઓ પણ વારાફરતી તેમના નિવેદનમાં આ વાતને સમર્થન આપી રહ્યા છે.
યુપીએ સરકાર વેળાના ગૃહ મંત્રાલયના પૂર્વ ઉચ્ચ અધિકારીઓ જી. કે. પિલ્લાઈ, આર. કે. સિંહ અને આર. વી. એસ. મણિના ચોંકાવનારા ખુલાસા બાદ ત્રીજી માર્ચે ગૃહ મંત્રાલયના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી એ. કે. જૈને ધડાકો કર્યો હતો કે, ઇશરત જહાં મામલામાં પહેલા દિવસથી જ આતંકવાદી કનેક્શન હોવાની જાણકારી હતી.
આતંકીઓ હોવાનું સ્પષ્ટ હતુંઃ જૈન
જૈને જણાવ્યું હતું કે, પહેલા દિવસથી જ સ્પષ્ટ હતું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લોકો આતંકી સંગઠનો સાથે સંકળાયેલાં હતાં. આ ઘટના બની ત્યારે ઘણા આરોપો મુકાયા હતા, તેથી અમારે રિપોર્ટ માગવો પડયો હતો. જૈને જણાવ્યું હતું કે, ઇશરત અને સાથીઓ વીઆઈપી લોકોની હત્યા માટે આવ્યા હતા. તે સમયે મને લાગતું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિશ્વાસનો અભાવ હતો. આઈબીએ ઘણાં સ્થળોએથી મળેલી માહિતીના આધારે તારણ કાઢીને રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપ્યો હતો. તે સમયે આઈબીના રિપોર્ટ પર કોઈ સવાલ ઉઠાવાયો નહોતો.
જૈને ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, ગોધરાકાંડ પછીનાં રમખાણો મામલે એક તપાસ પંચ રચવાનું દબાણ હતું. નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ તરફથી એવા રેફરન્સ આવ્યા હતા કે હકીકતોને તોડીમરોડીને તપાસ પંચ નીમવામાં આવે.
‘ઇશરતની એફિડેવિટ પર બળજબરીથી સહી’
ઇશરત જ્હાં કેસમાં ગૃહ મંત્રાલયના પૂર્વ અન્ડર સેક્રેટરી આર. વી. એસ. મણિએ જણાવ્યું હતું કે, તેમના પર દબાણ કરીને ઇશરત અંગેની બીજી એફિડેવિટ પર સહી કરાવવામાં આવી હતી. યુપીએ સરકારમાં ઇશરત જ્હાની એફિડેવિટમાં રાજકીય સ્તરે સુધારા-વધારા કરવામાં આવ્યા હતા.
ગૃહ મંત્રાલયમાં તત્કાલિન અન્ડર સેક્રેટરી (આંતરિક સુરક્ષા) તરીકે ફરજ બજાવનારા અને આ બંને એફિડેવિટ પર સહી કરનારા મણિએ દાવો કર્યો છે કે, સરકારે તેમનો ઉપયોગ રબર સ્ટેમ્પ તરીકે કર્યો હતો. આ મામલે પુરાવાઓ સાથે છેડછાડ કરાઇ હતી. તેમને એફિડેવિટ પર સહી કરવા માટે દબાણ કરાયું આવ્યું હતું અને એસઆઇટી ગુજરાત ઇન્ટેલિજેન્સ બ્યુરોના અધિકારીઓને આ કેસમાં ફસાવવા માગતી હતી.
મણિએ દાવો કરતા એમ પણ જણાવ્યું હતું કે, 'એસઆઇટીના તત્કાલિન ચીફ સતીષ વર્માએ મારી પર ત્રાસ ગુજાર્યો હતો. સતીષ વર્માએ મને સિગારેટના ડામ આપ્યા હતા અને સીબીઆઈના અધિકારીઓ મારી પાછળ પડયા હતા.' તેમના દાવા મુજબ, બીજી એફિડેવિટ કે જેમાં ઇશરત જ્હાં, પરેશ પિલ્લાઈ, અમજદ અલી રાણા અને ઝીશાન જોહરને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ જણાવાયા હતા તે ઉલ્લેખ કાઢી નાંખવામાં આવ્યો હતો.
તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ બીજી એફિડેવિટ તત્કાલિન ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમના આદેશ અનુસાર ફાઇલ કરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા જ પૂર્વ ગૃહ સચિવ જી. કે. પિલ્લાઈએ ખુલાસો કર્યો છે કે, ચિદમ્બરમે ઇશરત કેસની આખી એફિડેવિટ બદલી નાંખી હતી. ઉલ્લેખનીય છે કે, યુપીએ સરકારે આ કેસમાં બે એફિડેવિટ સબમિટ કરી હતી.
ભાજપ જોરમાં
છેલ્લા કેટલાક સમયથી રોહિત વેમુલા, જેએનયુ, નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોના મામલે સંસદમાં વિરોધ પક્ષના હોબાળાનો સામનો કરી રહેલી મોદી સરકાર અને ભાજપે ઇશરત જહાં મામલે પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ્ અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને સંસદ ગૃહમાં ભીંસમાં લીધા હતા.
ભાજપે આરોપ મૂક્યો હતો કે, ઇશરત કેસમાં યુપીએ સરકારે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા અને રાજકીય વિરોધીઓને પરેશાન કરવા સીબીઆઈનો દુરુપયોગ કર્યો હતો. એફિડેવિટ બદલવા માટેનો રાજકીય સ્તરે નિર્ણય લેવામાં ચિદમ્બરમ્, મનમોહન સિંહ અને સોનિયા ગાંધી સામેલ હતા.
ચિદમ્બરમ્-મણિ સામે કેસ કરો
ગુજરાતના પૂર્વ ગુપ્તચર વડા આર. બી. શ્રીકુમારે ત્રીજી માર્ચે ઇશરત જહાં કેસમાં એફિડેવિટ કરવા માટે પોતાના પર દબાણ થયું હોવાના આરોપો મૂકનાર ભૂતપૂર્વ અધિકારી મણિની ટીકા કરતાં ચિદમ્બરમ્ અને મણિ વિરુદ્ધ પરજ્યુરીનો કેસ નોંધવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મણિને શરમ આવવી જોઇએ. તેમણે કાયદાનાં શાસનનાં હિતો વિરુદ્ધ સ્વાર્થ માટે કામ કર્યું હતું અને હવે તેનો ખુલાસો કરી રહ્યા છે. ચિદમ્બરમ્ અને મણિ સામે આઈપીસીની ધારા ૧૯૩ અંતર્ગત બંધારણનાં ઉલ્લંઘન માટેનો કેસ ચલાવવો જોઈએ.
કોંગ્રેસ બચાવમાં
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ચિદમ્બરમનો બચાવ કર્યો હતો. સોનિયા ગાંધીએ કોંગ્રેસના સાંસદોને જણાવ્યું હતું કે, ચિદમ્બરમે પહેલેથી સ્પષ્ટતા કરી દીધી છે. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારથી લક્ષ્યાંક બનાવી રહી છે. વળતો પ્રહાર કરતાં કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે, શું જી. કે. પિલ્લાઇ અદાણી પોર્ટ અને સેઝના બોર્ડમાં સેવાઓ આપે છે?

