લંડનઃ બ્રિટિશ સરકાર ૧૮મી માર્ચથી વિઝા ફીમાં જંગી વધારો ઝીંકશે. વિભિન્ન પ્રકારના વિઝા મેળવવા માટે કરાતી અરજીની ફીમાં વધારો કરવાની બ્રિટિશ સરકારે તૈયારીઓ કરી લીધી છે.
બ્રિટિશ સરકારના પગલાથી બ્રિટન આવવા માગતા કે વિભન્ન પ્રકારના બ્રિટિશ વિઝા મેળવવા માગતા હજારો ભારતીયોને અસર થશે. ગયા વર્ષે હજારો ભારતીય કુશળ કર્મચારીઓએ બ્રિટનમાં રહેવા અને નોકરી કરવાના વિઝા મેળવવા અરજીઓ કરી હતી.
બ્રિટિશ હોમ ડિપાર્ટમેન્ટ જણાવ્યું કે બ્રિટિશ વિઝા ફીમાં વધારાથી સરહદોની સુરક્ષા, ઇમિગ્રેશન અને સિટિઝનશિપ સિસ્ટમ માટે બ્રિટિશ કરદાતાઓ દ્વારા આપવામાં આવતા ફાળામાં ઘટાડો થશે.
વિઝા ફીમાં વધારો કરવાની આ દરખાસ્ત ગયા જાન્યુઆરીમાં રજૂ કરવામાં આવી હતી. ટૂંકા ગાળાના વિઝિટર વિઝા અને મોટા ભાગના વર્ક અથવા સ્ટડી માટેની વિઝા ફીમાં બે ટકાનો વધારો થશે જ્યારે બ્રિટિશ નાગરિકતા મેળવવા અને વસવાટ કરવા માટેની વિઝા ફીમાં ૨૫ ટકાનો વધારો થશે. ઇનડેફિનિટ લિવ ટુ રીમેન (આઇએલઆર) અરજીની ફી ૧૫૦૦ પાઉન્ડથી વધારીને ૧૮૭૫ પાઉન્ડ થશે.
ભારતીયોને ૫૭ ટકા વિઝા
વર્ષ ૨૦૧૫માં બ્રિટિશ સરકારે જારી કરેલા વિઝામાંથી ૫૭ ટકા વિઝા ભારતીયોએ મેળવ્યા હતા. કુલ ૯૨,૦૬૨ સ્કીલ્ડ વર્ક વિઝા બ્રિટને ગયા વર્ષે જારી કર્યા હતા, જેમાંથી ૫૨,૩૬૦ વિઝા ભારતીય નાગરિકોએ મેળવ્યા હોવાનું ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિક્સ (ઓએનએસ)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

