ભુજઃ કેન્યાના નૈરોબીમાં કચ્છી યુવક રમેશ માવજીભાઇ લિંબાણીની ગોળી મારીને હત્યા કરાતાં વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું, જેમાં તેને ગંભીર ઇજા થઇ હતી. રમેશભાઇને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, પણ સારવાર કારગત નીવડી નહોતી. ભુજના દહીંસરાના વતની રમેશભાઇ પત્ની અને બે સંતાનો સાથે લાંબા સમયથી નૈરોબીમાં વસતા હતા.
છેલ્લા બે વર્ષમાં, ભારત બહાર વિવિધ દેશોમાં, ૨૦ જેટલા બિનનિવાસી ભારતીયોની હત્યા કરાઇ છે, જેમાં સૌથી વધારે ઘટના અમેરિકામાં નોંધાઇ છે.
અહેવાલ અનુસાર, આ ઘટના નૈરોબીથી ૪૦ કિલોમીટર દૂર ઔદ્યોગિક વિસ્તાર ઠીકા ટાઉનમાં બની હતી. રમેશભાઇ નૈરોબીમાં સ્ટોન ક્રશરના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. રવિવારે બપોરે રમેશભાઇ નૈરોબી તરફ પોતાની ઓફિસે પરત ફરતા હતા ત્યારે ગેરીસ્સા રોડના ઠીકા ટાઉન પાસે અશ્વેત મનાતા હથિયારધારી હુમલાખોરોએ તેમની કાર લૂંટના ઇરાદે આંતરી હતી. કાર ઉભી રહેતા જ લૂંટારાઓએ પહેલી ગોળી કારના વિન્ડ સ્ક્રીનમાંથી અને બીજી ગોળી ડ્રાઇવર સાઇડની બારીમાંથી મારી હતી. ગંભીર રીતે ઘાયલ રમેશભાઇને નૈરોબીની એમ. પી. શાહ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. કારમાં તેમની સાથે અન્ય એક વ્યક્તિ પણ હતી, જેને કોઇ ઇજા પહોંચી ન હતી.
રમેશભાઇની હત્યાથી તેમનાં પત્ની સવિતાબહેન અને બે પુત્રો રાજન તથા મનદીપ નોંધારા બન્યા છે. હતભાગીની અંતિમક્રિયા સોમવારે કારીયોકોર સ્મશાન-ગૃહમાં કરાયાના અહેવાલ છે. દહીંસરાના વતનીની હત્યાથી પટેલ ચોવીસીમાં તેમજ કેન્યામાં વસતાં ભારતીય સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

