કાળું નાણું ફરતું રોકવા નિર્ણાયક પગલુંઃ ઉર્જિત પટેલ

Thursday 10th November 2016 09:47 EST
 
 

મુંબઈ: ભારત સરકારે બ્લેક મની બહાર લાવવા માટે કરેલા નિર્ણય મુજબ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો ચલણમાંથી રદ કરી છે તેની જગ્યાએ રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ની નવી નોટો ૧૧મી નવેમ્બરથી ચલણમાં આવશે. રૂ. ૫૦૦ની નવી નોટો પર લાલ કિલ્લો અને ગાંધીજીનું ચિત્ર રાખવામાં આવ્યું છે જ્યારે રૂ. ૨૦૦૦ની નવી નોટ પર મંગળયાન અને ગાંધીજીનું ચિત્ર રાખવામાં આવ્યું છે.
રિઝર્વ બેન્કનાં ગવર્નર ઉર્જિત પટેલે પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકારે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટોનું ચલણ બંધ કરવાનાં નિર્ણયને આવકાર્યો અને કાળા નાણાંનું સર્જન રોકવા માટેનું નિર્ણાયક પગલું ગણાવ્યા હતા. પટેલે કહ્યું હતું કે મોટી ચલણી નોટોનો દુરૂપયોગ કરાતો હતો તેથી સરકારને આ પગલું લેવાની ફરજ પડી છે. વડા પ્રધાને કરેલી જાહેરાત મુજબ સૌને જૂની રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ બદલવાની અને જમા કરાવવાની પૂરતી તક મળી રહેશે. રિઝર્વ બેન્કે આ માટે તમામ બેન્કો અને પોસ્ટ ઓફિસોને વ્યવસ્થા કરવાનાં આદેશ આપ્યા છે.
બનાવટી નોટોનું દૂષણ
આર્થિક બાબતોનાં સચિવ શક્તિકાંત દાસે કહ્યું હતું કે બનાવટી અને મોટી નોટો ચલણમાં હોવાને કારણે ફુગાવો વધતો હતો. છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે ૨૦૧૧થી ૨૦૧૫ સુધીમાં મોટી ચલણી નોટો દ્વારા નાણાંકીય વ્યવહારો અને સરક્યુલેશન વધ્યા હતા. આવી નોટોનું સરક્યુલેશન ૪૦ ટકા વધ્યું હતું.
રૂ. ૫૦૦ની નોટોનું ચલણ અને વ્યવહારમાં ૭૦ ટકાનો અને રૂ. ૧૦૦૦ની નોટોનાં સરક્યુલેશનમાં ૧૦૦ ટકા કરતા વધુ વધારો થયો હતો. આમ બે નંબરી કાળા નાણાંનું સરક્યુલેશન બંધ કરવા અને બ્લેક મનીનું સર્જન રોકવા
માટે સરકારે નિર્ણાયક પગલું લીધું હતું.


comments powered by Disqus