અમદાવાદઃ પાટીદાર આંદોલન બાદ ગુજરાતમાં ભાજપની વર્તમાન રાજકીય સમીક્ષા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમ માથુરને જવાબદારી સોંપી હતી. તાજેતરમાં જ તેઓએ ગુજરાતની મુલાકાત લઈ મોદીને અહેવાલ સુપરત કર્યો હતો. જેમાં તેમણે ભાજપના જૂથવાદનો ઉલ્લેખ કરી આનંદીબહેનની વહીવટી નબળાઈ સહિતના પાસા રજૂ કર્યા હતા. આ રિપોર્ટ આધારે આનંદીબહેનના રાજીનામાનો તખતો તૈયાર થયો હતો.
ભાજપના આંતરિક સર્વે અને ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ના રિપોર્ટમાં તારણો નીકળ્યા હતા કે આજે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થાય તો ભાજપને ફાળે ૭૦-૮૦ બેઠકો આવે તેમ છે. આ જાણીને ભાજપ હાઈકમાન્ડ ફફડી ઊઠ્યું હતું. આ જાણીને જ આનંદીબહેનની વહેલી રાજકીય વિદાય આપવા હાઈકમાન્ડે નિર્ણય લઈ લીધો હતો.
સૂત્રોના મતે, હાઇકમાન્ડના નિર્ણય બાદ વી. સતીષે આનંદીબહેનને રાજીનામું આપવા જાણ કરી હતી. જોકે, આનંદીબહેને પક્ષને રાજીનામુ આપવાને બદલે ફેસબુક પર રાજીનામુ આપ્યુ હતું, જેથી ભાજપના દિગ્ગજ નેતાઓ પણ અચંબામાં મૂકાયા છે. ગુજરાતમાં પાટીદાર આંદોલનને થાળે પાડવામાં આનંદીબહેન નિષ્ફળ રહ્યા છે જેના લીધે ભાજપને પંચાયતોમાં પરિણામ ભોગવવું પડયું હતું. એટલું જ નહીં, મૃતઃપ્રાય કોંગ્રેસ જાણે સજીવન થઇ હતી. સંગઠન અને સરકાર વચ્ચે પણ ખાઇ વધુ પહોળી થઇ, જેના લીધે ભાજપનો આંતરિક વિખવાદ વકર્યો અને રાજકીય પ્રતિષ્ઠાનું ધોવાણ થયું. આમ, આનંદીબહેનના શાસનમાં ભાજપની રાજકીય સ્થિતી વધુ કંગાળ બની. આ અંગે માથુરે મોદીને વિસ્તૃત રિપોર્ટ આપ્યો હતો.
આઇબીના રિપોર્ટના આધારે જ નહીં, ખુદ આરએસએસના સર્વે મુજબ ગુજરાતમાં હવે ચૂંટણી થાય તો ૭૦-૮૦ બેઠકો માંડ મળી શકે. આ આધારે ખુદ મોદીએ જ આનંદીબહેનની માનભેર વિદાય થાય તેવુ મન બનાવી હાઇકમાન્ડને સૂચના આપી દીધી હતી જેથી વી. સતીષે આનંદીબહેનને રાજીનામું આપી દેવા જાણ કરી હતી.

