લંડનઃ પાકિસ્તાન ભલે ઇન્કાર કરતું હોય કે ભારતનો દુશ્મન નંબર-વન દાઉદ ઇબ્રાહિમ તેમના દેશમાં નથી, પરંતુ બ્રિટને તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં આ માફિયા ડોનનું સરનામું પાકિસ્તાનનું જણાવાયું છે.
ટ્રેઝરી વિભાગ દ્વારા જારી યાદીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક વ્યવહારો પર પ્રતિબંધનો સામનો કરી રહેલી વ્યક્તિઓ, સંગઠનો અને દેશોના નામ છે. જેમાં દાઉદનું પણ નામ છે અને તેના ચારેય સરનામા પાકિસ્તાનના જણાવાયા છે. આ ઉપરાંત તેના ભારતીય અને પાકિસ્તાની પાસપોર્ટના નંબર પર દર્શાવાયા છે.
યાદીમાં શ્રીલંકાનું સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ (એલટીટીઈ), બબ્બર ખાલસા, ઇન્ટ્રનેશનલ શીખ યૂથ ફેડરેશન, ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ અને હિઝબુલ મુજાહિદ્દીનના પણ નામ પણ સામેલ છે. નિયમ પ્રમાણે આ યાદીમાં સ્થાન ધરાવતી વ્યક્તિઓ અને સંસ્થાઓની સંપત્તિ જપ્ત કરી લેવાય છે.
બ્રિટને યાદીમાં દાઉદના પાકિસ્તાનના જે ચાર સરનામા દર્શાવાયા છે તેમાં • હાઉસ નંબર ૩૭, થર્ટીએથ સ્ટ્રીટ, ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી, કરાચી, પાકિસ્તાન • હાઉસ નંબર ૨૯, મરગલા રોડ, એફ-૬/૨ સ્ટ્રીટ નંબર ૨૨, કરાચી, પાકિસ્તાન • નૂરાબાદ, કરાચી પાકિસ્તાન અને • વ્હાઇટ હાઉસ, સાઉદી મસ્જિદ પાસે, ક્લિફટન, કરાચી, પાકિસ્તાનનો સમાવેશ થાય છે.

