વિશાખાપટ્ટનમમાં વૈશ્વિક નૌકાશક્તિઓનો મહાકુંભ

Wednesday 10th February 2016 05:48 EST
 
 

ભુવનેશ્વર/વિશાખાપટ્ટનમઃ વિશાખાપટ્ટનમ્ ખાતે બંગાળના અખાતમાં ત્રણ દિવસ માટે યોજાયેલા વૈશ્વિક નૌકાશક્તિઓના કુંભમેળા સમાન ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યૂ (આઇએફઆર)નું સાતમી ફેબ્રુઆરીએ દેશની સેનાની ત્રણે પાંખોના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે આયોજિત સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન મનોહર પારિકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતરના ભૂતકાળની સૌથી મોટી મેરિટાઇમ ઇવેન્ટ્સ પૈકીના આઇએફઆર ૨૦૧૬માં રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને અન્યો ભારતીય નૌકાદળના જહાજ આઇએનએસ સુમિત્રા પર સવાર થયા હતા. ભારતીય નૌસેનાએ ૫૦ દેશોના નૌકાબેડા સમક્ષ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
ચાંચિયાગીરી સુરક્ષા સામે મોટો પડકાર છે: મોદી
વડા પ્રધાને દરિયાઇ માર્ગે ફેલાવાતા આતંક અને ચાંચિયાગીરીને સમુદ્રી સુરક્ષા સામેના બે મોટા પડકારો ગણાવ્યા હતા. દક્ષિણ ચીન સમુદ્રી વિવાદને ધ્યાને લેતાં વડા પ્રધાને નેવિગેશનની સ્વતંત્રતાને સન્માન આપવા પર ભાર મૂક્યો હતો.
૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ મુંબઇમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, ભારત જેનો સીધો શિકાર બન્યો છે તેવા દરિયાઇ માર્ગે આવતા આતંકીઓ પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા સામે ભય સર્જી રહ્યાં છે. બીજી તરફ મોદીએ જણાવ્યું કે, ભારત આ વર્ષે એપ્રિલમાં પહેલી વખત પ્રથમ વૈશ્વિક મેરિટાઇમ સમિટનું યજમાનપદ સંભાળશે.
આઇએફઆર ૨૦૧૬ને સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ દક્ષિણ ચીન સમુદ્રના વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશોએ જળમાર્ગોની સ્વતંત્રતાનું સન્માન કરવું જોઇએ. સ્પર્ધા કરવાને બદલે સહકાર આપવો જોઇએ.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, દરિયામાંથી આર્થિક લાભ મેળવવાની દેશની ક્ષમતાનો આધાર સમુદ્રમાં રહેલા પડકારોને જવાબ આપવાની ક્ષમતા પર રહેલો છે. સુનામી અને સાયક્લોન જેવાં પડકારો પણ આપણી સામે છે. ક્રૂડ તેલનો રિસાવ, ક્લાઇમેટ ચેન્જ જેવી માનવ સર્જિત સમસ્યાઓ પણ નૌકા પ્રક્રિયા પર અસર પાડે છે.
૩૭ યુદ્ધ જહાજોનું ભારતમાં નિર્માણ
ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી મેક ઇન ઇન્ડિયા યોજનાનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂમાં ભાગ લઇ રહેલાં ૩૭ ભારતીય યુદ્ધ જહાજોનું નિર્માણ ભારતમાં જ કરાયું છે. ભવિષ્યમાં ભારતમાં નિર્મિત જહાજોની સંખ્યામાં વધારો થશે.
હિંદ મહાસાગર વ્યૂહાત્મક સેતુ છે
વડા પ્રધાને જણાવ્યું હતું કે, ભારતના આધિપત્યમાં ૧૨૦૦ ટાપુ છે. ભારતનો ૨.૪ મિલિયન ચોરસ કિમીનો ઇકોનોમિક ઝોન હિંદ મહાસાગરનું આર્થિક મહત્ત્વ વધારી દે છે. આપણા માટે હિંદ મહાસાગર અન્ય દેશો સાથેનો વ્યૂહાત્મક સેતુ છે. હિંદ મહાસાગર મારી નીતિઓમાં પ્રાથમિકતા ધરાવે છે.

ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યૂ ઊડતી નજરે...
• ૧૫ વર્ષ બાદ ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યૂ (આઇએફઆર)નું આયોજન • ૧૯૫૩માં પહેલી વાર ભારતે ફ્લિટ રિવ્યૂ કર્યો હતો • છેલ્લે જાન્યુઆરી ૨૦૦૧માં મુંબઈ ખાતે પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યૂનું આયોજન • ૨૦૦૧માં મુંબઈમાં ૨૯ દેશોના નૌકા દળે ભાગ લીધો હતો. • આઝાદી બાદ અત્યાર સુધીમાં ૧૦ વાર ફ્લિટ રિવ્યૂનું આયોજન • INS વિરાટની છેલ્લી સફર રહેશે. • ૬૦ ભારતીય યુદ્ધવિમાનો • ૪,૦૦૦ નૌકાસૈનિકોની હાજરી • અમેરિકા, ચીન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, કેનેડા, રશિયા, દક્ષિણ આફ્રિકા, જાપાન, સાઉથ કોરિયા, પેરુ, ચીલી, કોલંબિયા, બ્રાઝિલ સહિત ૫૦ દેશોની હાજરી. પાકિસ્તાની નૌકાદળ ગેરહાજર.


comments powered by Disqus