બદલાપુરઃ માણસ ભલે ચંદ્ર પર પહોંચી ગયો હોય, પણ ભારતમાં વસતો એક વર્ગ આજે પણ આભડછેટનું પૂંછડું છોડી શક્યો નથી. દુષ્કાળગ્રસ્ત મહારાષ્ટ્રના એક ગામમાં બનેલી આભડછેટની આવી જ એક ઘટનાએ દલિત યુવાનને એટલો વ્યથિત કર્યો કે તેણે ૪૦ દિવસમાં કૂવો ખોદી નાખ્યો. તેણે આ ભગીરથ કાર્ય દ્વારા આભડછેટમાં માનતા સમાજને એવો તે જડબાતોડ જવાબ આપ્યો છે કે લોકો આભડછેટના નામે કોઇને પણ અન્યાય કરતાં પૂર્વે સો વાર વિચારશે.
દુષ્કાળગ્રસ્ત મહારાષ્ટ્રના વાશીમ જિલ્લામાં આવેલા કલંબેશ્વર ગામમાં રહેતા બાપુરાવ તાંજેની પત્ની એક બેડું પાણી ભરવા માટે દરરોજ ગામના કૂવે જતી હતી, પરંતુ તે દલિત હોવાથી વારંવાર તેને અપમાન સહન કરવું પડતું હતું. તાંજે કહે છે કે મારા ગામમાં પીવાના પાણી માટે ખાસ કોઇ વ્યવસ્થા નથી. અહીં એક કૂવો છે કે જ્યાંથી આખા ગામના લોકો પાણી સીંચીને પીવા માટે લઇ જાય છે. મારી પત્ની આ કૂવે જ્યારે પણ પાણી ભરવા જતી ત્યારે કૂવાના માલિક દ્વારા તેનું વારંવાર અપમાન થતું, કેમ કે અમે દલિત છીએ અને કૂવાનો માલિક સવર્ણ કોમનો છે.
તાંજે કહે છે કે એક દિવસ તો હદ થઇ ગઇ. તેણે અમને દલિત હોવાને કારણે પાણી ભરવા દેવાની જ ના પાડી દીધી. એ દિવસે હું ઘરે ખુબ રડયો. બાદમાં દૃઢ નિશ્ચય કર્યો કે હવે તો અમે પણ તેના કૂવામાંથી પાણી નહીં જ ભરીએ. એટલું જ નહીં, એકલા હાથે કૂવો ખોદીને પણ પાણીની વ્યવસ્થા કરીશ. આ પછી બાજુના ગામમાંથી ખોદકામના ઓજારો લાવ્યો. કૂવો ખોદવાનું શરૂ કર્યું. મારું આ સાહસ જોઇને શરૂઆતમાં લોકો મારા પર હસતા હતા, પણ માત્ર ૧૨ ફુટ જેટલો ખાડો ખોદાયો હશે ત્યાં જ પાણી નીકળ્યું. લોકો જોતાં જ રહી ગયા અને હું ખોદતો જ ગયો. ૪૦ દિવસમાં તો મેં ૧૫ ફુટ ઊંડો કૂવો ખોદી નાખ્યો.
તાંજે ગર્વભેર કહે છે કે આજે આ કૂવો માત્ર મારા પરિવારને જ નહીં, પણ એ દરેક દલિતોને ઉપયોગી સાબિત થઇ રહ્યો છે જેઓને જાતિવાદને કારણે પીવાનું પાણી મળતું નહોતું મળતું. એક બેડું પાણી મેળવવા માટે બાજુના ગામમાં જવું પડતું હતું. મને આ કૂવો ખોદવામાં મારી પત્નીએ પણ મદદ કરી છે. પત્નીનું અપમાન મારાથી જોવાયું નહીં તેનાથી જે જુસ્સો મારામાં પેદા થયો તેણે મને આ કૂવો ખોદવામાં મદદ કરી છે.
જોકે તાંજે કહે છે કે (કૂવો ખોદવાની) આ ઘટના માટે હું ગૌરવ કરતાં શરમની લાગણી વધુ અનુભવું છું કેમ કે પાણી જેવી મામુલી બાબત માટે મારે આજના જમાનામાં આટલો સંઘર્ષ કરવો પડયો છે.

