લખનઉઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં વિનાશ વેરી રહેલા આતંકવાદ સામે એકસંપ થવા હાકલ કરી છે. આની સાથોસાથ તેમણે પાકિસ્તાનનો નામોલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે જે લોકો આતંકવાદને પાળી-પોષી રહ્યા છે તેમને પણ બક્ષવા જોઇએ નહીં.
વિજયાદશમીના સપરમા પર્વે મંગળવારે એશગાહ મેદાનમાં ઉમટેલી વિશાળ જનમેદનીને સંબોધતા વડા પ્રધાને કહ્યું હતું કે સમગ્ર વિશ્વની માનવતાવાદી શક્તિઓએ આતંકવાદનો જડમૂળથી સફાયો કરવાનો દૃઢ નિર્ધાર કર્યો છે.
વડા પ્રધાને જયશ્રી રામના નારા સાથે તેમના સંબોધનનો પ્રારંભ કર્યો હતો. તેમણે કહ્યું હતું, ‘જય શ્રી રામ... જય જય શ્રી રામ’. અને જનસમૂહે તેવો જ જોશભેર પ્રતિસાદ આપતાં જય શ્રી રામનો ગગનભેદી નારો લગાવ્યો હતો.
વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં પૌરાણિક પાત્ર જટાયુનો ઉલ્લેખ કરતા લોકોને આતંકવાદ સામે એકસંપ થવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું, આતંકવાદની સામે સૌથી પહેલાં કોણ લડ્યું હતું? શું કોઇ સંશોધક હતા? શું કોઇ નેતા હતા? રામાયણ સાક્ષી છે કે આતંકવાદ સામે સૌથી પહેલી લડાઇ જટાયુ લડ્યો હતો. એક સ્ત્રીના સન્માન માટે રાવણ જેવી સામર્થ્યવાન શક્તિ સામે જટાયુ લડ્યો હતો. વડા પ્રધાને કહ્યું હતું કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે અને રામ માનવતાનું પ્રતિનિધિત્વ કરે છે.
તેમણે કહ્યું હતું, ‘ભગવાન રામ માનવતાના આદર્શો અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ મર્યાદા પુરુષોત્તમ હતા કેમ કે મર્યાદાનું પાલન કરતા હતા. ભગવાન રામ વિવેક, ત્યાગ, તપસ્યાનું પ્રતીક હતા.
આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે સહુ કોઇ રામ તો બની શકે નહીં, પરંતુ અનાચાર અને દુરાચાર સામે આપણે શું જટાયુની ભૂમિકા ન ભજવી શકીએ? જો આપણા લોકો આતંકવાદ સામે સાબદા થઇ જાય તો આતંકવાદીઓની શું મજાલ છે.’
વડા પ્રધાને આતંકવાદ ઉપરાંત ગંદકીને પણ નાનો રાવણ ગણાવ્યો અને બેટી બચાવો ઝુંબેશનો મુદ્દો પણ તેમણે પ્રવચનમાં વણી લીધો હતો. તેમણે લોકોને આહવાન કર્યું હતું કે ભ્રૂણહત્યા પણ એટલી જ મોટી બદી છે જેને સમાજમાંથી ધમૂળથી નાબૂદ કરવાની જરૂર છે.
તેમનું કહેવું હતું, ‘એક સીતા માટે જટાયુ પોતાનો જીવ આપી શકે છે તો ઘરની સ્ત્રીને પેદા થતા પૂર્વે જ કેમ મારી નાખવામાં આવે છે?
દશેરાના પર્વે વડા પ્રધાને કહ્યું હતું, ‘આ મારું સૌભાગ્ય છે કે મને આ અતિ પ્રાચીન રામલીલામાં સામેલ થવાનું સૌભાગ્ય સાંપડ્યું છે.’
વડા પ્રધાને કહ્યું હતું કે દશહરાનો અર્થ દસ બુરાઇઓને હરાવવાનો પણ હોય શકે છે. તેમનું કહેવું હતું કે ખરાબ વિચારના સ્વરૂપમાં ઉછરી રહેલા રાવણને મારવાનો છે અને ભારત એ દેશ છે જે યુદ્ધથી બુદ્ધ સુધી ચાલતો રહ્યો છે.
તેમણે કહ્યું હતું, ‘ક્યારેય યુદ્ધ પણ અનિવાર્ય થઇ પડે છે, પરંતુ આ એ જ દેશ છે જે સુદર્શન ચક્ર વાળા કૃષ્ણ અને ચરખા વાળા મહાત્મા ગાંધીને યુગપુરુષ માને છે.
વડા પ્રધાને કહ્યું હતું કે ઉંચનીચ, જાતિવાદ, સંપ્રદાયવાદ જેવી બુરાઇઓ રાવણનું છૂટાછવાયા સ્વરૂપ છે. જેનાથી કોઇ પણ ભોગે મુક્તિ મેળવવાનું આપણું લક્ષ્ય હોવું જોઇએ.
નકારાત્મક્તાનું દહન કરીએ
મોદીએ દિલ્હીથી રવાના થતા પહેલા ટ્વિટ કર્યું હતું કે વિજયાદશમીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે લખનઉ જઈ રહ્યો છું. મોદીએ અહીં ભગવાનની રામનું પૂજન કરીને તેમની આરતી ઉતારી હતી. મોદીની વિદાય બાદ અહીં રાવણ દહન કરવામાં આવ્યું હતું. મોદીએ વિજયાદશમીના પ્રસંગે પોતાના વક્તવ્યમાં પાડોશી દેશ પર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે વર્તમાન સમયે આતંકવાદ સૌથી મોટો રાવણ છે અને જે લોકો આતંકવાદને આશરો આપશે તેમને સહન કરી લેવામાં નહીં આવે.
મોદીએ પોતાના વક્તવની શરૂઆત જયશ્રી રામના જય નાદ સાથે કરીને સાથે જ ઉમેર્યું હતું કે વિજયાદશમીનું પર્વ અસત્ય પર સત્યની જીતનું પર્વ છે. રાવણ દહન વખતે આપણે આપણી અંદર રહેલી નકારાત્મકતાનું દહન કરવાની પ્રતિજ્ઞા પણ લેવી જોઇએ.
આતંકવાદ સામે એક થઇએ
૨૬/૧૧ની ઘટના બાદ વિશ્વના તમામ દેશ આપણી સમસ્યાને સમજવા લાગ્યા છે. ૧૯૯૨-૯૩ના વર્ષમાં અમેરિકાના સત્તાધીશો આ સમસ્યાને કાયદા અને વ્યવસ્થાનો મુદ્દો સમજતા હતા, પરંતુ હવે અમેરિકા પણ આપણા દેશની પીડાને સમજી રહ્યો છે, સ્વીકારી રહ્યો છે
દુનિયાભરના રાષ્ટ્રો આતંકવાદી હુમલાઓનો ભોગ બની ચૂક્યા છે, જેના કારણે બહુ માઠી અસર થઇ છે. સિરિયાની સ્થિતિ જોઇને હૈયું ઉકળી જાય છે, જે રીતે સિરિયાની નાની બાળકીનું ચિત્ર નજર સામે ઉભરે છે ત્યારે આંખ આંસુથી છલકાઇ જાય છે.
સમગ્ર વિશ્વની માનવતાવાદી શક્તિઓએ એક થવુ પડશે અને આતંકવાદ સામે મેદાને પડવું પડશે. આતંકવાદનો ખાત્મો થશે તો જ માનવતાનું આયુષ્ય યથાવત્ રહેશે
મોદીએ પોતાના ભાષણમાં આડકતરી રીતે પાડોશી દેશ પર તીખા અને તીવ્ર ચાબખા માર્યા હતા. તો સાથોસાથ અમેરિકા ભૂતકાળમાં ભારતની આતંકવાદની સમસ્યાને અવગણતું હતું તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

