નવી દિલ્હીઃ ૨૦૧૧ના ઉનાળામાં ભારત અને પાકિસ્તાને એલઓસી પાર કરી બે લોહિયાળ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ધ હિંદુ અખબારના અહેવાલ અનુસાર આ સર્જિકલ સ્ટ્રાઇકમાં બંને દેશના ૧૩ જવાનો માર્યા ગયા હતા. પાંચ જવાનોને શિરચ્છેદ કરી ટ્રોફી તરીકે સરહદ પાર લઈ જવાયા હતા, જેમાં બે ભારતીય સૈનિકોનાં શિર પાકિસ્તાન અને ત્રણ પાકિસ્તાની સૈનિકોનાં માથાં ભારત લવાયાં હતાં. ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકનું ઓપરેશન તે સમયે કુપવાડાસ્થિત ૨૮મી ડિવિઝનના વડા મેજર જનરલ એસ કે ચક્રવર્તીનાં નેતૃત્વ હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. મેજર જનરલ ચક્રવર્તીએ આ સ્ટ્રાઇકને સમર્થન આપ્યું છે. એક આર્મી ઓફિસરના જણાવ્યા અનુસાર અમે હુમલા માટે ૩૦ ઓગસ્ટ ૨૦૧૧નો દિવસ પસંદ કર્યો હતો કારણ કે ૩૦ ઓગસ્ટ ૧૯૯૯ના રોજ અમે કારગિલ યુદ્ધ સહિત હંમેશાં જીત હાંસલ કરી છે. આ ઓપરેશન ઈદના એક દિવસ પહેલાં કરાયું હતું.
પાકિસ્તાનનો હુમલો
૩૦મી જુલાઈએ પાકિસ્તાની સૈનિકોએ કુપવાડાના ગૂગલધારની અંતરિયાળ આર્મીપોસ્ટ પર અચાનક હુમલો કરી રાજપૂત અને કુમાઉ રેજિમેન્ટના છ જવાનોને ચોંકાવી દીધા હતા. તે સમયે આ પોસ્ટ પર ૨૦ કુમાઉ બટાલિયનના જવાનો ૧૯ રાજપૂત બટાલિયનનું સ્થાન લઈ રહ્યા હતા. પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમના હુમલામાં ભારતના છ જવાન શહીદ થયા હતા. પાકિસ્તાની સૈનિકો હવાલદાર જયપાલસિંહ અધિકારી અને લાન્સનાયક દેવિન્દરસિંહનાં શિર ઉતારીને લઈ ગયા હતા.
ઓપરેશન જિંજર
ભારતીય સેનાએ બદલો લેવા ઓપરેશન જિંજરનું આયોજન કર્યું હતું. સંભવિત લક્ષ્યાંકો શોધી કાઢવા એર સર્વેલન્સની મદદથી જોર, હિફાઝત અને લાશડાટ ખાતેની પાકિસ્તાની ચોકીઓ પસંદ કરાઈ હતી. હુમલા, વિનાશ, સર્જિકલ સ્ટ્રાઇક અને સર્વેલન્સ માટે અલગ અલગ ટુકડી તૈયાર કરાઈ હતી. એક મહિનો રેકી કર્યા બાદ ઓપરેશન જિંજરને અંજામ અપાયો હતો.
ભારતનો કડક જવાબ
૨૯ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ પરોઢિયે ૩ કલાકે ૨૫ ભારતીય સૈનિકો એલઓસી નજીક પહોંચી રાત્રે ૧૦ વાગ્યા સુધી સંતાઈ રહ્યા હતા. એલઓસી પાર કરી ૩૦ ઓગસ્ટના પરોઢિયે ૪ કલાકે હુમલો કરનારી ટીમ પાકિસ્તાની વિસ્તારમાં ઘણી અંદર પહોંચી હતી. સવારે ૭ કલાકે પાકિસ્તાનીઓ ચોકી નજીક આવ્યા હતા. ભારતીય કમાન્ડોએ તેમના પર ગ્રેનેડ ઝીંકી ગોળીઓ વરસાવી હતી. ત્રણ પાક. સૈનિકોનાં શિર ભારતીય સૈનિકોએ વાઢી લીધાં હતાં.
