લેસ્ટરઃ ગુજરાતી સમુદાયની બહોળી વસ્તી ધરાવતા લેસ્ટર સિટીમાં ૧૩ વર્ષના ટીનેજર પર દુષ્કર્મ આચરનારા અજય જેઠાને લેસ્ટર ક્રાઉન કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ હેમિલ્ટનમાં રહેતા ૩૨ વર્ષીય અજય જેઠાએ ગત ૧૩ ઓક્ટોબરે લેસ્ટરના નાઇટન લેન ઇસ્ટમાં આ દુષ્કૃત્ય આચર્યું હતું. પોલીસે ત્રણ દિવસની સઘન શોધખોળના અંતે તેને ઝડપી લીધો હતો.
લેસ્ટર ક્રાઉન કોર્ટે તેને ઓછામાં ઓછા ૧૧ વર્ષની જેલ સાથે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે અજય જેઠાને સજા ફરમાવતા ચુકાદામાં એમ પણ નોંધ્યું હતું કે, ‘અજય જેઠા બાળકો પર દુષ્કર્મનો અત્યંત ખૂંખાર અપરાધી છે. મને એ વાતનો સંતોષ છે કે તે આજીવન જેલમાં રહેશે.’
ઉલ્લેખનીય છે કે અજય જેઠા અગાઉ ૨૦૦૪માં પણ લંડનમાં ૧૨ વર્ષના એક છોકરાનું અપહરણ કરીને તેને ગોંધી રાખવાના અને તેના પર જાતીય હુમલો કરવાના ગુનામાં દોષિત ઠર્યો હતો. આ ગુના બદલ તેને ૯ વર્ષ કેદની સજા થઇ હતી.

