પલક હત્યાકેસઃ પતિ ભદ્રેશનો વર્ષ પછી પણ અતોપતો નથી

Wednesday 13th April 2016 07:32 EDT
 
 

અમદાવાદઃ બરાબર એક વર્ષ અગાઉ અમેરિકાના હેનોવરમાં રહેતા અમદાવાદના યુવક ભદ્રેશ પટેલે તેની પત્ની ૨૧ વર્ષીય પલકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ હિચકારી ઘટનાને ૧૨ એપ્રિલે એક વર્ષ પૂરું થયું છે, પણ હત્યાના એક વર્ષ બાદ પણ ભદ્રેશ નાસતો ફરે છે.
અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) અને ઇન્ટરપોલ દ્વારા ભાગેડુ ભદ્રેશ પટેલને શોધવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે, પરંતુ ક્યાંય તેના સગડ મળતા નથી. ભદ્રેશ પટેલને ગયા વર્ષે ભાગેડુ જાહેર કરવામાં આવ્યો ત્યારે એફબીઆઇ દ્વારા તેની માહિતી પૂરી પાડનારને બે હજાર ડોલરનું ઈનામ આપવાનું જાહેર કર્યું હતું. હવે એફબીઆઇ દ્વારા ભાગેડુ ભદ્રેશ પટેલની માહિતી આપનારા માટે ઈનામની રકમ વધારીને ૨૦ હજાર ડોલર કરી દેવામાં આવી છે.
એફબીઆઇએ ભદ્રેશ પટેલને એરપોર્ટના નો-ફ્લાય લિસ્ટમાં મૂકી દીધો છે, જેથી તે ભાગીને અન્ય દેશમાં જાય તેની સંભાવના પણ ઓછી છે. ઉલ્લેખનીય છે કે ભદ્રેશ પટેલનો પરિવાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જ વસે છે.
ભદ્રેશ પટેલ અને અમદાવાદની જ પલક પટેલ નવેમ્બર ૨૦૧૩માં લગ્નને તાંતણે બંધાયા હતા. બંને નવેમ્બર ૨૦૧૪માં અમેરિકામાં સ્થાયી થયા હતા અને હેનોવર ખાતે ડન્કિન ડોનટ્સમાં સાથે જ નોકરી કરી રહ્યા હતા. ૧૨ એપ્રિલ, ૨૦૧૫ની રાત્રે ભદ્રેશે આ સ્ટોરમાં જ છરીના સંખ્યાબદ્ધ ઘા મારીને પત્ની પલકની બેરહેમપણે હત્યા કરી નાખી હતી. ભદ્રેશ પલકની હત્યા કરી રહ્યો હોય તે ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ રેકોર્ડ થઇ ગઇ છે.
કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમે એકત્ર કરેલી માહિતી અનુસાર પત્ની પલકની હત્યા કર્યા બાદ ભદ્રેશ ટેક્સી દ્વારા ૨૦૦ માઇલના અંતરે નેવાર્ક એરપોર્ટ પાસેની હોટેલમાં પહોંચ્યો હતો. ભદ્રેશ આ હોટેલમાં એક દિવસ રોકાયો હતો અને બીજા દિવસે ચેકઆઉટ કરીને નીકળી ગયો હતો. આ પછી ભદ્રેશ પટેલના કોઇ જ સગડ નથી.
ભદ્રેશ પટેલના અમદાવાદમાં વસતા પરિવારજનોનો દાવો છે કે આ ઘટના બાદ ભદ્રેશ સાથે તેમની કોઇ જ વાતચીત થઇ નથી. આ મુદ્દે તેઓ કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવા તૈયાર ન હોવાનું એક અખબારી અહેવાલમાં જણાવાયું છે. એફબીઆઇ દ્વારા ભદ્રેશને શોધવા એડીચોટીનું જોર લગવાયું છે અને તેના ભાગરૂપે એરપોર્ટ, રેલવે સ્ટેશનમાં તેના પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે.


comments powered by Disqus