અમદાવાદમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનનો પ્રારંભ

Wednesday 13th January 2016 06:24 EST
 
 

અમદાવાદઃ બ્રિટનમાં વસતાં ભારતીય સમાજે ઘણી પ્રગતિ કરી છે, પણ તેણે જાહેરજીવનમાં વધુ સક્રિય થવાની જરૂર છે. આ શબ્દો છે ડેવિડ કેમરન કેબિનેટના એકમાત્ર ગુજરાતી મહિલા પ્રધાન પ્રીતિ પટેલના. કેમરન સરકારમાં એમ્પલોયમેન્ટ મિનિસ્ટર તરીકે મહત્ત્વનો કાર્યભાર સંભાળતા પ્રીતિબહેન સાતમી જાન્યુઆરીએ થોડાક કલાકો માટે અમદાવાદના મહેમાન બન્યા હતા. આ ટૂંકા રોકાણ દરમિયાન તેમણે અમદાવાદમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમ જ ગવર્નર ઓ. પી. કોહલીની સૌજન્ય મુલાકાત પણ લીધી હતી. પરંપરાગત ભારતીય ઢબે સંસ્કૃતના મંત્રોચ્ચાર વચ્ચે હાઇ કમિશનનું ઉદ્ઘાટન થયું તે વેળા ખેડા જિલ્લાના ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં ખૂલ્લું મૂકાયેલું બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશન - મુંબઇ, કોલકતા અને ચેન્નઇ બાદ - ભારતમાં ચોથું મિશન છે.
ગુજરાતના દીકરી એવા પ્રીતિબહેને કહ્યું હતું કે હાઇ કમિશનના ઉદ્ઘાટન માટે ગુજરાત આવવું તેમના માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. રાજ્યમાં હાઇ કમિશનનો પ્રારંભ ગુજરાત-બ્રિટનના જોડાણની દિશામાં એક વિરાટ પગલું છે. સહુ કોઇ માટે આ મહત્ત્વના સમાચાર છે. બ્રિટન સરકાર આ મિશનની સ્થાપના માટે બહુ તત્પર હતી. આ મિશન ગુજરાત સાથેના વ્યાવસાયિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણને મજબૂત બનાવવાની રૂપરેખા તૈયાર કરવાની સાથોસાથ આપસી સહયોગને પણ મદદરૂપ બનશે.
તેમણે ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુગાન્ડાથી હિજરત કરીને આવેલા પરિવારો સહિતના ભારતીય પરિવારોએ અહીં ભારે સંઘર્ષ કરીને સમૃદ્ધિ હાંસલ કરી છે, અનેક ક્ષેત્રે સફળતાના શીખરો સર કર્યા છે. ભારતીય સમાજ બ્રિટનની પરંપરા, સંસ્કૃતિ સાથે મહદ્ અંશે હળીભળી પણ ગયો છે, પરંતુ તેણે જાહેરજીવનમાં વધુ સક્રિય થવાની જરૂરી છે. આજે બ્રિટનભરની કાઉન્સિલ્સમાં પંજાબી, ગુજરાતી સહિતના ભારતીય પ્રતિનિધિઓની મોટી સંખ્યા જોવા મળે છે જે આવકાર્ય છે. ભારતીયોને જાહેરજીવનમાં સક્રિય થવા માટે હજુ પ્રોત્સાહિત કરવાની જરૂર છે. અહીંના જાહેરજીવનમાં સક્રિય થઇને કેટલા મહત્ત્વના સ્થાને પહોંચી શકાય છે તે મારા જ ઉદાહરણ પરથી સમજી શકાય છે. મને જાહેરજીવનમાં, રાજકારણમાં રસ હતો અને બહુ નાની વયે આ ક્ષેત્રે સક્રિય રસ લેવાનું શરૂ કર્યું. અને જૂઓ મારી મહેનતના પરિણામે આજે હું આ મહત્ત્વના સ્થાને છું. તેમણે ઉમેર્યું હતું કે બ્રિટનમાં ભારતીય સમુદાયના ૧.૫ મિલિયન લોકો વસે છે. આ સમુદાયના એક પ્રતિનિધિ તરીકે સરકારમાં હું આટલો મહત્ત્વનો કાર્યભાર સંભાળી રહી છું તેનું મને બહુ ગૌરવ છે.’
ભારત-બ્રિટન સંબંધોને મજબૂત બનાવવા ડેવિડ કેમરન સરકાર પ્રતિબદ્ધ હોવાની વાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે પ્રાઇમ મિનિસ્ટર કેમરન તેમના કાર્યકાળમાં ત્રણ વખત ભારતની મુલાકાત લઇ ચૂક્યા છે તે જ દર્શાવે છે કે તેઓ ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવા કેટલા ઉત્સુક છે. ભારતમાં મોટી સંખ્યામાં યુવાધન છે તેને ધ્યાનમાં રાખીને બ્રિટન સરકારે સ્કીલ ડેવલપમેન્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
આકરા વિઝા નિયંત્રણના કારણે ભારતીય સ્ટુડન્ટ્સને બ્રિટનના વિઝા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની વાતને નકારતાં તેમણે જણાવ્યું હતું કે યુકેમાં એવી કેટલીય કોલેજો છે જેઓ ભારત જેવા દેશોના સ્ટુડન્ટ્સનું શોષણ કરી રહી છે. આ સમસ્યાના નિવારણ માટે અમે વિઝા ઇસ્યુ કરવાનું એવું માળખું ઘડ્યું છે કે જેથી સ્ટુડન્ટ્સ યોગ્ય માર્ગે, યોગ્ય વિઝા સાથે યુકેમાં આવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે.’
તેમણે વધુમાં કહ્યું કે હું ભૂતકાળમાં પણ ભારતની મુલાકાત દરમિયાન વારંવાર કહી ચૂકી છું કે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પર કોઇ મર્યાદા કે નિયંત્રણ નથી. વીતેલા વર્ષોમાં ઇસ્યુ થયેલા આંકડાઓ પર નજર ફેરવશો તો તમને જણાશે કે ભારતીય વિદ્યાર્થીઓને કેટલી મોટી સંખ્યામાં વિઝા ઇસ્યુ થયા છે અને બ્રિટનની પ્રતિષ્ઠિત યુનિવસિર્ટીઓમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.


comments powered by Disqus