વડોદરાઃ દહેજના કેસમાં ફેબ્રુઆરી -૨૦૧૧માં જામીન પર મુક્ત થયા પછી કોર્ટને જાણ કર્યા વિના વિદેશ ભાગી જનાર આરોપી તાજેતરમાં વડોદરા પરત આવ્યો હતો પોલીસે તેને પકડીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જેથી જામીન અરજી નામંજૂર થતાં જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિદેશ ભાગી ગયા પછી તેની મિલકતના જપ્ત કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે આર. વી. દેસાઈ રોડ વિસ્તારની વિજય સોસાયટીમાં રહેતા હિતેન્દ્ર જશુભાઈ પટેલ વિરુદ્ધ તેમની પુત્રવધૂને વાડી પોલીસ સ્ટેશનમાં દહેજનો કેસ કર્યો હતો. જે કેસમાં પોલીસે હિતેન્દ્ર પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં ચાવીસ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ કોર્ટે શરતોને આધીન તેને મુક્ત કરી હતી. જે શરતો પૈકી એક શરત એવી હતી કે અદાલતની પૂર્વે પરવાનગી વિના રાજ્યની હદ છોડવી નહીં. પાસપોર્ટ જમા કરાવવો. પરંતુ હિતેન્દ્ર પટેલ અદાલતી શરતનો ભંગ કરીને વિદેશ જતા રહ્યા હતા.
આરોપી હાજર નહીં રહેતા આરોપીના જામીનદાર પાસેથી જામીનગીરીની તમામ રકમ વસૂલ કરવામાં આવી છે. જતે સમયે હિતેન્દ્ર પટેલ વિરુદ્ધ પકડ વોરંટનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ તે અમેરિકા ચાલ્યા ગયા હોઈ સીઆઈપીસી ૮૨ મુજબનું ફરારીનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેમ છતાંય આરોપી હાજર નહીં થતાં તેમની મિલકતો જપ્ત કરવામાં આવી હતી.
