આણંદઃ ભારતમાં લગ્ન એક ઉત્સવ હોય છે. અન્ય તહેવારોની જેમ જ બે પરિવારો અને બે પરિવારો સાથે જોડાયેલા સ્વજનો આ ઉત્સવમાં મનથી મહાલે છે. પહેલાના વખતમાં સામાન્ય રીતે આજુબાજુના ગામમાંથી વેલડાં જોડાઈને જાન આવતી એટલે ચાર પાંચ મહિના પહેલાંથી લગ્ન માટેના મુહૂર્ત જોવાતાં અને લગ્ન ગોઠવાતાં. હવે જ્યારે લાડો દેશમાં કે લાડી દેશમાં હોય અથવા બંને કે બંનેના સ્વજનો વિદેશમાંથી આવવાના હોય એટલે સૌનો સમય અને સવલત સાચવવી પડે ને એ જોઈને નાણાવટી રે એનઆરઆઈ આવે માંડવે થાય છે.
ગુજરાતના ચરોતરની જ વાત કરીએ તો અહીં વિવાહ, વાસ્તુપૂજન અને મુંડન જેવી ધાર્મિક વિધિ માટે કમૂર્તામાં પણ ક્યાંક મુહૂર્ત શોધી લેવાય છે. પ્રવાસી ગુજરાતીઓ પોતાના વતન આવે ત્યારે તમામ ધાર્મિક વિધિઓ સંપન્ન કરીને પાછા પરદેશ જાય છે.
હિન્દુ વિધિ વિધાન અનુસાર ૧૫ ડિસેમ્બર, ૨૦૧૫થી લઈને ૧૬મી જાન્યુઆરી, ૨૦૧૬ સુધી કમૂર્તા હતા. આ સમય દરમિયાન કોઈ પણ ધાર્મિક વિધિ કરવી શાસ્ત્રોક્ત રીતે શુભ માની
શકાય નહીં, પણ પ્રવાસી હિન્દુઓએ આ બંધનમાંથી યોગ્ય માર્ગ શોધીને ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી છે.
એક અનુમાન અનુસાર, ગુજરાતના આણંદ જિલ્લામાં કમૂર્તામાં જ રોજના આશરે પચ્ચીસથી ત્રીસ યુગલો લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યાં છે. આણંદ, વિદ્યાનગર, કરમસદ, પેટલાદ, બોરસદ જેવા ડોલરિયા કે પાઉન્ડિયન ગુજરાતી સ્થળોએ વિવાહ માટે પાર્ક બુક થઈ ચૂક્યાં છે. અમેરિકા અને ભારતનું બેવડું નાગરિકત્વ ધરાવતા નગીનભાઈ પટેલ અને તેમની સાથે ભારત આવેલા તેમના એનઆરજી મિત્રો, સ્વજનો કહે છે કે, એનઆરજી પોતાના સમય મુજબ લગ્ન ગોઠવી લે છે અને શાસ્ત્રોક્ત રીતે જો શક્ય હોય તો કમૂર્તામાં ધાર્મિક વિધિ મુજબ કોઈ નડતર હોય તો તે પણ દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ વિષયે પંડિત હર્ષિત પૂજારી કહે છે કે, પોષ, ભારદવો અને ચૈત્ર મહિનામાં આમ તો લગ્ન વર્જિત જ મનાય છે, પરંતુ વિદેશીઓ માટે કમૂર્તામાં લગ્નો થવા કંઈ ખોટું નથી. તેઓની જીવનશૈલી મુજબ તેમનું ભવિષ્ય નક્કી થવાથી તેઓ પોતાના સમયે લગ્ન ગોઠવી શકે છે.
