તમે લોકાયતસૂરિ કે વૈશાખનંદનને ઓળખો છો? તેઓ પ્રખ્યાત કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે. તેમની બીજી એક ઓળખ એ છે કે સાહિત્યકાર હોવા સાથે સાથે તે તેમના મૂળને ભૂલ્યા નથી. તેમનો જન્મ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બાપુપુરા ગામમાં ખેડૂતના ઘરે થયો હતો અને આજે ૭૯ વર્ષની ઉંમરે પણ જ્યારે તેઓ ગામ જાય ત્યારે પોતાના ખેતરોમાં કામ પણ કરે છે. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં થયું અને વિખ્યાત સાહિત્યકાર ભોળાભાઈ પટેલ તેમને ભણાવતા હતા. વર્ષ ૧૯૬૦માં હિન્દી વિષય સાથે બી. એ. કરીને તેમણે અધ્યાપનની શરૂઆત કરી હતી. ૧૯૬૨માં એમ. એ. અને ૧૯૭૯માં હિન્દી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ આ સાહિત્યકારે મેળવી હતી. બી. ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હરિવલ્લભ કાળીદાસ આર્ટ્સ કોલેજમાં તેઓ પ્રોફેસર રહી ચૂક્યા છે.
વર્ષ ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિન્દીના અધ્યાપક છે અને હાલમાં જ તેમને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. છેલ્લી લાઈન વાંચીને તમને જાણ થઈ જ ગઈ હશે કે વાત ચાલે છે કુમારચંદ્રક, ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કાર અને રણજિતરામ સુવર્ણચંદ્રક સન્માનિત પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર રઘુવીર ચૌધરીની. જ્ઞાનપીઠ સન્માન તેમને પ્રાપ્ત થયા પછી તાજેતરમાં જ ગુજરાત સમાચારે તેમની સાથે ભારતમાં સાહિત્યકારો અને કલાકારો સન્માન પરત કરી રહ્યા છે તે બાબતે અને પાટીદાર અનામત આંદોલન વિશે વાતચીત કરી ત્યારે તેમના શબ્દો હતા કે, હું ક્યારેય વ્યક્તિગત રાગદ્વેષમાં પડતો નથી, પણ કોઈ પણ બાબતે જે યોગ્ય હોય એ થવું જોઈએ એવું હું દૃઢપણે માનું છું. આ વિષયો પર જ તેમની વિસ્તૃત વાતચીતના કેટલાક અંશો અહીં રજૂ છે...
• આપને હાલમાં જ જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરાયા છે તો કેવી લાગણી અનુભવો છો?
મને એ વાતની ખુશી છે કે મને નામાંકિત પુરસ્કાર જ્ઞાનપીઠથી સન્માનિત કરવામાં આવ્યો છે. ૧૯૭૫માં રચેલી મારી કૃતિ ઉપરવાસ-સહવાસ-અંતરવાસ માટે દિલ્હી અકાદમીના પુરસ્કારથી મને સન્માનિત કરવામાં આવ્યો હતો. તે ફેલોશિપ હતી. હવે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. કોઈપણ સાહિત્યકાર માટે જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત થવું ગર્વ હોય. એવોર્ડ મળ્યા પછી લોકો અભિનંદન પાઠવી રહ્યા છે એ ક્ષણો પણ અનેરી છે.
• દેશમાં પુરસ્કારો અને સન્માન પરત કરવાની ઘટનાઓ બની રહી છે એ અંગે આપનું શું કહેવું છે?
સન્માન કે પુરસ્કારો પરત કરવાની ઘટનાઓની શરૂઆત કર્ણાટકમાં જાણીતા સાહિત્યકાર એમ કલબુર્ગીની હત્યા પછી શરૂ થઈ અને નોયડા પાસે દાદરી હત્યાકાંડ પછી તો આ ઘટનાઓ વેગીલી બનતી ગઈ. ખરેખર તો જે સાહિત્યકારો કે કલાકારો સન્માન કે પુરસ્કાર પાછા આપી રહ્યા છે તેમણે એ વાત સમજવી જોઈએ કે જે તે સમયે તેમની પાત્રતા હતી તેથી તેમને આ સન્માન પ્રાપ્ત થયું છે.
એ ભૂતકાળ છે. ભૂતકાળને બદલી શકાતો નથી. વળી તમારી યોગ્યતાની કદર કરનારી સંસ્થાઓ પણ સ્વાયત્ત છે. એવોર્ડ પરત કરી રહેલા કલાકારો કે સાહિત્યકારોએ એ સમજવું જોઈએ કે અકાદમી દ્વારા અપાયેલા સન્માનને પરત કરવાની કોઈ જોગવાઈ જ નથી. સન્માન સ્વરૂપે મળેલી રકમ તેઓ અકાદમીને પરત કરી શકે તેમ જ નથી, કારણ કે અકાદમીમાં તે જમા લઈ શકાય તેમ જ નથી. જો ખરેખર તમારે કોઈ ઘટનાનો વિરોધ કરવો જ હોય તો કોઈ આંદોલનમાં જોડાવ અને વિરોધ કરો. ઇન્દિરા ગાંધી શાસનકાળમાં વર્ષ ૧૯૭૫ની કટોકટી વખતે અને ગુજરાતના નવનિર્માણ આંદોલનમાં હું સક્રિય હતો જ અને યોગ્ય રીતે જે તે મુદ્દાઓનો વિરોધ જાહેર પણ કર્યો હતો.
• આંદોલનની વાત નીકળી જ છે તો હાલમાં ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર આંદોલન વિશે આપ શું કહેશો?
પટેલો તો બહુ વગદાર છે. એમને વળી અનામતની શી જરૂર? એમણે તો અનામતની માગ જ ન કરવાની હોય. પાટીદારોએ તો ઉપરથી સમાજની કાળજી લેવાની જવાબદારી માથે ઉપાડવાની હોય. આમ જો આંદોલનો થવા લાગશે તો સોએ સો ટકા અનામતની માગની સ્થિતિ આવીને ઊભી રહેશે. ગાંધીજી અને આંબેડકરના સમયમાં કેટલાક અગત્યના મુદ્દાઓ અંગે આંદોલનો થતાં તે વાજબી હતા, પણ અત્યારે આવા આંદોલન તો રાજકીય થીગડાં ચોંટાડવાની વાત છે.
• આમ તો ગુજરાતમાં રાજકારણ સાથે સાથે સાહિત્ય ક્ષેત્રે સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમીમાં હોદ્દા અંગે પણ ઘણા વાદ વિરોધ ચાલી રહ્યા છે તો એ વિશે આપનું શું માનવું છે?
એ અંગે મારો અભિપ્રાય કે મત આપીને કંઈ ફાયદો જ નથી. જુઓ દિલ્હી અકાદમીમાં જે તે હોદ્દા માટે ચૂંટણી બાદ કોઈ હોદ્દેદાર નિમાય છે અને રાજ્ય સ્તરની અકાદમીમાં ચૂંટણીની જગ્યાએ લાયકાત જોઈને પદ સોંપણી થાય છે. આ વિષયે હાલમાં કોર્ટમાં કાર્યવાહી ચાલી જ રહી છે અને હું માનું છું કે કોર્ટનો જે નિર્ણય હશે તે આખરી હોય. કોર્ટ દ્વારા કોઈ વાતનું સમાધાન થાય એ જ વાજબી છે. બાકી વ્યક્તિગત રાગદ્વેષનો કોઈ જ અર્થ સરતો નથી.