નવી દિલ્હી, ઇસ્લામાબાદઃ પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી હુમલા સંદર્ભે પાકિસ્તાને ફરી એક વખત મુખ મેં અલ્લાહ બગલ મેં છુરીની બેવડી નીતિરીતિનો પરચો આપતા ભારતે આપેલા પ્રાથમિક પુરાવા નકારી દીધા છે. પાકિસ્તાને મુંબઇ પરના આતંકવાદી હુમલા બાદ પણ આવું જ વલણ અપનાવ્યું હતું.
અધિકારીઓની અવળચંડાઇથી પાકિસ્તાનની શરાફત ઉઘાડી પડી ગઇ છે. પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું છે કે, ભારત દ્વારા અમને પૂરતા પુરાવા આપવામાં આવ્યા જ નથી. અમને માત્ર પાકિસ્તાની ફોન નંબર જ આપવામાં આવ્યા છે. ભારત દ્વારા આ અંગે વધુ પુરાવા અપાશે તો જ કેસ મજબૂત કરી શકાશે. અમારી પાસે મજબૂત પુરાવા નહીં હોય તો અમે કોર્ટમાં મજબૂત દલીલ નહીં કરી શકીએ અને કેસ નબળો પડી જશે તો અપરાધીઓ છૂટી જશે.
...તો મંત્રણા નહીંઃ ભારત
ભારતે પઠાણકોટ હુમલાના નક્કર પુરાવાઓ આપીને પાકિસ્તાનને સ્પષ્ટ જણાવ્યું છે કે જો આ પુરાવાના આધારે પગલાં નહીં લેવાય તો ૧૫ જાન્યુઆરીએ યોજાયેલી વિદેશ સચિવ સ્તરની મંત્રણા રદ કરાશે. ભારતનાં આ વલણથી પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પાયે દબાણ ઊભું થયું છે. આ દબાણને પગલે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે બીજી વખત સૈન્ય અધિકારીઓ અને પાકિસ્તાની ઇન્ટેલિજન્સ બ્યૂરોની બેઠક બોલાવી હતી.
શરીફે તમામ અધિકારીઓ અને આઈબીને આદેશ આપ્યો હતો કે ભારત દ્વારા જે પુરાવા પૂરા પાડવામાં આવ્યા છે તેના આધારે ઝડપી તપાસ કામગીરી પૂરી કરવામાં આવે અને નક્કર પગલાં લેવામાં આવે.
તપાસનું નાટક
પાકિસ્તાની સત્તાધિશોએ ભારત સહિત આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઇને હુમલાખોરોના પાકિસ્તાન કનેક્શનની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ (જેઆઇટી) બનાવવાનું નાટક પણ કર્યું છે. ભારતે પૂરા પાડેલા પુરાવાઓને આધારે વડા પ્રધાન નવાઝ શરીફે આ નિર્ણય કર્યો છે. અધિકારીઓએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ગામ બહાવલપુર સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે અને કેટલાક શકમંદોની ધરપકડ કરી છે.
ઇન્ટરપોલમાં રજૂઆત થશે
પઠાણકોટ હુમલાની તપાસમાં ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને મહત્ત્વની સફળતા મળી છે. ટીમને પર એકે-૪૭ મેગેઝિન, બાયનોક્યુલર અને મોબાઇલ મળી આવ્યા છે. હવે એનઆઇએ આ હુમલામાં ઠાર મરાયેલા આતંકવાદીઓ અંગે બ્લેક કોર્નર નોટિસ જારી કરવા ઇન્ટરપોલને રજૂઆત કરશે.
પાકિસ્તાનનો આશાવાદ
આતંકવાદી હુમલાને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચેની મંત્રણાઓ ખોરંભે ચડી જાય તેવી શક્યતા છે ત્યાં પાકિસ્તાન તરફથી મંત્રણા અંગે વિશ્વાસ વ્યક્ત કરાયો છે. પાકિસ્તાને જણાવ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વિદેશ સચિવ સ્તરની બેઠક ૧૫ જાન્યુઆરીના રોજ યોજાશે. પાકિસ્તાની સંસદમાં એક સવાલના જવાબ દરમિયાન વડા પ્રધાનના વિદેશી બાબતોના સલાહકાર સરતાઝ અઝીઝે જણાવ્યું કે, પાકિસ્તાન અને ભારતના વિદેશ સચિવો વચ્ચે ૧૫ જાન્યુઆરીના રોજ બેઠક યોજાશે. તેમણે વધુ જણાવ્યું કે, નક્કી થયેલાં આયોજન પ્રમાણે જ આ બેઠક યોજવામાં આવશે. આ બેઠક દરમિયાન અન્ય મુદ્દે ચર્ચા કરવાની સાથે કાશ્મીર મુદ્દે પણ ચર્ચા થશે.
પાંચ દેશ ભારત સાથે
પઠાણકોટ આતંકી હુમલા અંગે પાકિસ્તાન પર દબાણ વધારવા ભારતે પાંચ દેશોને સાથે લીધા છે. પાકિસ્તાનને જે પુરાવા આપ્યા તે અમેરિકા, જાપાન, યુકે, ફ્રાન્સ અને સાઉથ કોરિયાને પણ આપ્યા છે. આ દેશોએ પણ પાકિસ્તાન પર દબાણ વધારવા ભારતને ભરોસો આપ્યો છે. અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરીએ શરીફને ફોન પણ કર્યો હતો. જેના જવાબમાં શરીફે કેરીને બહુ જલદી સત્ય સામે લાવવા ખાતરી પણ આપી છે. કેરીએ આશા વ્યક્ત કરી છે કે પઠાણકોટ હુમલાને કારણે ભારત-પાક. વચ્ચેની મંત્રણા અટકશે નહીં.

