નવી દિલ્હીઃ કોઇ વ્યકિત કે સંગઠન ભારતને પીડા આપે તો તેને તેવી જ પીડા આપવી જોઇએ તેમ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરે સોમવારે જણાવ્યું હતું. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે પીડા કઇ રીતે, ક્યારે અને ક્યાં આપવી તે ભારત નક્કી કરશે. પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાર્રિકરની આ ટિપ્પણીને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
સેના પ્રમુખ જનરલ દલવીર સિંહ સુહાગ સહિત સેનાના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય લોકોને સંબોધિત કરતા સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ઇતિહાસ આપણને બતાવે છે કે જે લોકો નુકસાન પહોંચાડે છે તેમને ત્યાં સુધી દુઃખનો અનુભવ થતો નથી જ્યાં સુધી તેમના પર આ દુઃખ આવતું નથી.
જોકે, તેમણે જણાવ્યું હતું કે આ મારો અંગત મત છે અને જરૂરી નથી કે સરકાર પણ મારા આ મત સાથે સંમત હોય. હું હંમેશાથી માનું છું કે જ્યારે કોઇ તમને નુકસાન પહોંચાડનાર તમારું દુઃખ ત્યારે જ સમજી શકશે જ્યારે તેની પર આ દુઃખ આવી પહોંચે છે.
પઠાણકોટ હુમલા અંગે પાર્રિકરે જણાવ્યું હતું કે આ હુમલામાં શહીદ થનારા સાત જવાનો પર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. મૂળભૂત સિદ્ધાંત એ છે કે જ્યાં સુધી તમે બીજાને દુઃખ નહીં આપો - પછી તે કોઇ પણ હોય - તો ત્યાં સુધી આવી ઘટનાઓ ઓછી થશે નહીં.

