આણંદ: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ ગામના વતની અને અમેરિકાના વર્જીનિયામાં સ્થાયી થયેલા હર્ષદભાઈ વિઠ્ઠલભાઈ પટેલ સોમવારે રાત્રે સ્ટોર પર હતાં, તે સમયે જ કોઇ અજાણ્યા માણસો ગોળીબાર કરીને ભાગી ગયા હતા. જેની જાણ વર્જીનિયા પોલીસને થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે, હર્ષદભાઇનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા બોચાસણમાં રહેતા તેમના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આમ છેલ્લા પાંચ માસમાં વિદેશમાં ચરોતરવાસીઓ પર હુમલો થવાનો અગિયારમો બનાવ બન્યો છે.
વિઠ્ઠલભાઇ પટેલનો પરિવાર વર્ષો અગાઉ અમેરિકાના વર્જીનિયામાં સ્થાયી થયો હતો. તેઓના ચાર પુત્રો હાલમાં અમેરિકામાં અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા હતા. તેમના બે પુત્રો તાજેતરમાં વતનમાં પરત આવ્યા છે. જ્યારે પંચાવન વર્ષીય હર્ષદભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વર્જીનિયાના એક મોલ પર કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ સોમવાર રાત્રે સાડા દસના અરસામાં નોકરી પર હતા. તે સમયે અજાણ્યા માણસોએ લૂંટના ઇરાદે ફાયરિંગ કર્યું હતું અને ભાગી ગયા હતા. જેથી હર્ષદભાઇ પટેલ ગંભીર હાલતમાં ત્યાં જ પટકાયા હતા.
આ પહેલાં પણ યુએસમાં આ રીતે જ કેટલાય ભારતીયો પર જાનલેવા હુમલા થયા છે અને અમેરિકામાં બની રહેલા આ પ્રકારના હુમલાના કારણે જ અમેરિકામાં વસતા ભારતીયોમાં દહેશતનું મોજું ફેલાયું છે. ખાસ કરીને આ બનાવથી ચરોતરવાસીઓમાં શોક પ્રસરી ગયો છે. સાથે સાથે અમેરિકામાં ચરોતરવાસીઓ પર છેલ્લા પાંચેક માસમાં પાંચથી વધુ ચરોતરવાસીઓ પર લૂટના ઇરાદે ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારવાના બનાવો બન્યા છે. અને સોમવારે વધુ એક બનાવ બનતાં અમેરિકામાં રહેતાં ચરોતરવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બનાવની જાણ હર્ષદભાઈ પટેલના બોચાસણ ખાતે રહેતાં કુટુંબીજનો અને અમેરિકાથી તાજેતરમાં આવેલા તેમના બે ભાઇઓને થતાં ગામમાં પણ શોક છવાયો હતો.
