વર્ષે ૩૫ હજાર પાઉન્ડ ન કમાયા તો બિન-ઇયુ માઇગ્રન્ટ્સની હકાલપટ્ટી

રુપાંજના દત્તા Wednesday 13th January 2016 05:28 EST
 
 

લંડનઃ નવા વર્ષમાં કેટલાક કાયદા તમારા જીવવા, કામ કરવા અને હળવાશ માણવાની પદ્ધતિને બદલી નાખશે. દેશમાં પાંચથી વધુ વર્ષ કામ કરનારા બિન-ઈયુ માઈગ્રન્ટ્સે એપ્રિલ ૨૦૧૬થી વર્ષે ૩૫,૦૦૦ પાઉન્ડની કમાણી કરવી પડશે અન્યથા તેમને દેશનિકાલ કરાશે. આ કાયદાની સૌથી ખરાબ અસર નર્સિંગ ઈન્ડસ્ટ્રીને પડે તેમ છે. હોમ એફેર્સ સીલેક્ટ કમિટીના ચેરમેન કિથ વાઝે નર્સિંગને શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટ (SOL)માં જ રાખવાની હિમાયત કરી છે. તેમણે વાર્ષિક ઈમિગ્રેશન મર્યાદાને ‘કાઉન્ટર-પ્રોડક્ટિવ’ ગણાવી હતી.
કોઈ એવું વિચારે કે જિંદગીના આખરી પડાવે રહેલા બ્રિટિશ નાગરિકોની સારસંભાળ લેવામાં એક દાયકો ખર્ચનારી નર્સ આપણા સમાજ માટે સંપત્તિ ગણાય. જોકે, નવા કાયદા મુજબ જો આવી નર્સ ઈયુ દેશની ન હોય અને પાંચ વર્ષ કરતાં વધુ સમયથી બ્રિટનમાં કાર્યરત હોય તો તેણે વાર્ષિક ૩૫,૦૦૦ પાઉન્ડથી વધુ કમાવું પડશે અથવા તેને યુકેમાંથી સ્વદેશ મોકલી દેવાશે.
હોમ સેક્રેટરી થેરેસા મેએ ૨૦૧૨માં જાહેર કરેલી નીતિની રોયલ કોલેજ ઓફ નર્સિંગે જોરદાર ટીકા કરી છે. આ નીતિ હેલ્થ સર્વિસમાં ભારે અરાજકતા ફેલાવશે તેમ જણાવી કાયદામાં SOLમાં નર્સિંગને ઉમેરવા અને વેતનમર્યાદા અંગે ફેરવિચાર કરવા હોમ ઓફિસને વિનંતી કરી છે. આ વેતનમર્યાદા ૨૨,૦૦૦ પાઉન્ડની સરેરાશ રાષ્ટ્રીય આવક કરતા ઘણી ઊંચી છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગ અનુસાર આ કાયદા હેઠળ આશરે ૩૫૦૦ નર્સને દેશનિકાલ કરવી પડશે, જેનાથી ૨૦૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ માથે પડશે.
ઈમિગ્રેશન ઘટાડવાના પ્રયાસમાં માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ સ્કીલ્ડ માઈગ્રન્ટ સંબંધિત ટીઅર ટુ વિઝા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કૌશલ્યની અછત અને નિષ્ણાતોના વર્ગમાં આવનારા માટે જ આ વિઝા મર્યાદિત રાખવા સૂચન કરાયું છે. આ સાથે વિદેશી વર્કર્સની ભરતી કરતા બિઝનેસીસ પર સ્કીલ્સ લેવી લાદવા અને વેતનમર્યાદા વધારવા પણ જણાવાયું છે.
ટીઅર ટુ વિઝા રિપોર્ટ જાહેર થતાં જ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિરેક્ટર્સ બિઝનેસ ગ્રૂપે યુકે ઈમિગ્રેશન નીતિમાં ધરમૂળ પરિવર્તન કરવાની હાકલ કરી છે.


comments powered by Disqus