બળદિયાઃ મૂળ બળદિયાના લંડનવાસી ૭૫ વર્ષીય માનબાઇ વેલજી કેરાઇએ પોતાની જમીન મિલકત સહિત કુલ રૂ. ૬૬ લાખ જેટલી માતબર રકમ ગરીબોની આરોગ્યસેવા, મૂગા પશુ અને ભગવાનની સેવાર્થે અર્પણ કરી છે અને તાજેતરમાં જ આ રકમનું જરૂરિયાતમંદોને દાન કરાયું હતું. ગામનું ઘર આપી દીધા પછી બચાવેલા રૂ. ૩૫ લાખ પણ તેમણે ગરીબોની દવા માટે હોસ્પિટલને આપી દીધા.
માનબાઈનો સંપર્ક ગામના જ અને લંડનમાં રહેતા વિલ્સડન સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી કાનજીભાઈ ખીમજીભાઈ જસાણી સાથે થયો. માનબાઈએ તેમને કહ્યું કે, તમે મને વતન લઇ ચાલો. કાનજીભાઇ તેમને લઇ આવ્યા. પતિ વેલજી કલ્યાણ કેરાઇ, પિતા માવજી કરસન જસાણી, માતા પ્રેમબાઇની સ્મૃતિમાં માનબાઇએ ગરીબોની સેવા માટે બળદિયાની કરસન ગોપાલ જસાણી હોસ્પિટલને રૂ. ૩૫ લાખનો ચેક ૩જી જાન્યુઆરીના રોજ કમિટીના હોદ્દેદારોને અર્પણ કર્યો. ઉપલાવાસનું મોકાનું મકાન નીચલોવાસ સ્વામીનારાયણ મંદિરને દાન કર્યું. વધુ રૂ. એક લાખ ગૌસેવા માટે દાન કરીને કુલ રૂ. ૬૬ લાખની સખાવત કરી. માનબાઈનું માનવું છે કે, તેઓ આ ભૂમિમાં મોટાં થયાં છે. તેમનાં વડવાઓએ અહીં સંઘર્ષ વેઠયો છે. હવે તેઓ લંડનમાં સુખી છે અને કદાચ જતી ઉંમરે વતન ન પણ અવાય ત્યારે વતનનું ઋણ વહેલી તકે ચૂકવી દેવું જોઈએ.
ચેક સ્વીકારતાં જસાણી હોસ્પિટલના ઉપપ્રમુખ ગોપાલ પ્રેમજી ગોરસિયા, ખજાનચી વાલજી લાલજી વેકરિયા, સહમંત્રી દિનેશ પ્રેમજી વાલાણી, મંત્રી નીલેશ નારાણ રાઘવાણી સહિત ગામના અગ્રણીઓ, કાનજીભાઈ જસાણી, ઓસ્ટ્રેલિયા તેમજ સ્થાનિક આગેવાનોએ હાજર રહી હોસ્પિટલની પ્રગતિની ઇચ્છા દર્શાવી હતી. હોસ્પિટલ ટ્રસ્ટે માનબાઈનો આભાર માન્યો હતો.

