સુરેન્દ્રનગરઃ છેલ્લા કેટલાક વરસથી અમદાવાદમાં પતંગ ઉત્સવ ઉજવાય છે. સરકારી તંત્ર અને ટુરીઝમ વિભાગ મહિના અગાઉથી એની તૈયારીમાં લાગી જાય છે. પણ, ઓડુ ગામમાં સો વરસ કરતાંય વધારે વરસોથી દર વરસની ૨૯ ડિસેમ્બરે પતંગ મેળો ઉજવાય છે.
ચાર હજારની વસતી ધરાવતું ઓડું ગામ કચ્છના નાના રણને કાંઠે પાટડીથી માત્ર ચૌદ કિલોમીટર દૂર છે. આ સ્થળ સુરેન્દ્રનગર કે ગુજરાતમાં બહુ જાણીતું નથી એટલે આ સ્થળે શહેરીકરણની આબોહવા બહુ પહોંચી નથી. સવાસો વરસ પહેલાં ઓડુ ગામની બાજુમાં આવેલા અંગ્રેજોના મીઠાના અગરમાં નવસો અગરિયા પરિવાર મીઠાની ખેતી કરતા હતા. એ મીઠાના અગરના વડા અધિકારી અનવર સાહેબ શેખ બહુ ભલા અને માયાળુ માણસ હતા. ચુસ્ત નમાઝી અનવર સાહેબ નમાઝ પઢવા ઓડુ આવેલી દાવલશા પીરની દરગાહ ઉપર આવતા. મીઠાના અગરની કાળી મજૂરી અને થકવી નાંખતી જિંદગીથી બે-ઘડી હળવાશ મળે એ આશયથી દાવલશા પીરની દરગાહને નિમિત્ત બનાવી અનવર સાહેબે એ જમાનામાં પતંગ મેળાની શરૂઆત કરાવી.
એ મેળો દર વરસે આ દિવસે અચૂક ભરાય છે. દિવસ નિશ્ચિત હોવાથી કામકાજ અને ધંધા મજૂરી બંધ રાખી આ દિવસે લોકો પતંગ-દોરા સાથે ઉમટી પડે છે. ઓડુ ગામના સરપંચ ધીરુભાઈ કહે છે કે, અંગ્રેજ વખતના મીઠાના અગરિયાઓના પરિવારના વંશજો આજે પણ રણમાંથી પગપાળા આવીને પીરની દરગાહે ધજા અને ફૂલ ચઢાવે અને પતંગ મેળાનો પ્રારંભ થાય છે. ઓડુ ગામમાં મુસ્લિમોના માત્ર ત્રણ પરિવાર વસવાટ કરે છે ત્યારે દરગાહના મુંજાવરે કહ્યું કે, દાવલશા પીરમાં તમામ હિંદુ પરિવારને અતૂટ આસ્થા છે.
