અમદાવાદઃ રાજદ્રોહના કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને તાજેતરમાં પત્ર પાઠવીને ૬ મુદ્દાની નોંધ મોકલાવી છે અને તે અંગે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવાની માગણી કરી છે.
લાજપોર સેન્ટ્રલ જેલમાંથી લખાયેલા પત્રમાં હાર્દિકે મુખ્ય પ્રધાનના પાટીદાર આંદોલન અંગેના કેસો પાછા ખેંચવાના નિર્ણયને આવકાર્યો છે અને લખ્યું છે કે, હું આપને ફોઈ કહી ચૂકયો છું. સમાજ તથા અમારા માટે યોગ્ય નિર્ણય કરશો એવી આશા રાખું છું. હાર્દિકે પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા મૃતકોને રૂ. ચાર લાખની સહાય આપવાની સરકારે કરેલી જાહેરાત મુજબ સહાય મળી નથી તે મુદ્દાનું નિવારણ લાવવાની માગણી સાથે છ મુદ્દા જણાવીને લખ્યું છે કે આપના તથા સરકાર તરફથી પાટીદાર સમાજના વિકાસ તથા ઉત્કર્ષ માટેના મુદ્દાની આપ લે કરી યોગ્ય નિર્ણય કરવામાં આવશે તો સમિતિ તથા સમાજ આવકારશે.
હાર્દિકની માગ
• તોફાન દરમિયાન મૃત્યુ પામેલાઓના પરિવારને રૂ. ૧૬ લાખની આર્થિક સહાય તથા સરકાર દ્વારા પરિવારને રોજગારીનું સાધન ઉપલબ્ધ કરાવવું.
• ઓબીસીના ધોરણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સવર્ણ વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફી (દા.ત. આ વર્ષે ઓબીસીનું MBBSનું ફ્રી સીટ પરનું એડમિશન જનરલ મેરિટ ક્રમાંક ૧૭ પર અટકયું છે. તો જનરલ મેરિટ ક્રમાંક ૧૭ સુધીના સવર્ણ વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં એડમિશનની તમામ અભ્યાસ ફી સંપૂર્ણ માફ કરવી.)
• ગરીબ પાટીદારો માટે પાટીદાર આયોગની રચનe કરવી અને તેમાં સાથ આપવો
• જમીન સંપાદનમાં વર્ષો જૂના કેસમાં ઉદાર ધોરણે સમાધાન કરવામાં આવે.
• GEB, ફોરેસ્ટ તથા રેવન્યુ ખાતા દ્વારા ખેડૂતોને થતી તકલીફ દૂર કરવામાં આવે.
• તોફાનો દરમિયાનના પાટીદાર યુવાનો પરના તમામ કેસ દૂર કરવા.
