‘સંગીતના વિકાસ માટે ઉદ્યોગગૃહોએ રસ લેવો જોઈએ’

ખુશાલી દવે Wednesday 13th January 2016 05:31 EST
 
પંડિત વિશ્વમોહન ભટ્ટ
 

અમદાવાદઃ સામાન્ય રીતે આપણે એવું ધારી લઈએ કે ‘પંડિત’ શબ્દ જે વ્યક્તિના નામની આગળ લાગ્યો હોય અને એ પણ સંગીત ક્ષેત્રમાં, એ વ્યક્તિઓ સંગીતમાં જ ખોવાયેલા રહેતા હોય. ગંભીરતાનું આવરણ એમના મોઢા પર સતત છવાયેલું રહેતું હોય અને સામેની વ્યક્તિ સાથે પંડિતાઈ છલકાય એવી વાતો કરતા હોય, પણ આપણી આ બધી જ ધારણાઓ સંગીતજ્ઞ પંડિત વિશ્વમોહન ભટ્ટને મળીએ ત્યારે સાવ એટલે સાવ ખોટી પડે. એનું તાજું ઉદાહરણ જ મળ્યું. પહેલી જાન્યુઆરીથી તેરમી જાન્યુઆરી દરમિયાન યોજાયેલા સપ્તક સમારોહમાં છઠ્ઠી જાન્યુઆરીના અંતિમ ચરણમાં વિશ્વમોહન ભટ્ટે સ્વરચિત મોહનવીણાના તાર છેડ્યા અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મૂક્યા. મધુવંતી અને શિવરંજનીથી બનેલા મિશ્ર રાગ વિશ્વરંજનીના પ્રણેતા અને ગ્રેમી એવોર્ડ વિજેતા વિશ્વમોહન ભટ્ટે એ અંતિમ ચરણમાં પહેલા મોહનવીણા પર ગાવતી રાગ છેડ્યો અને પછી પબ્લિક ડિમાન્ડ પર રાગ હંસધ્વનિ વગાડ્યો. એ પછી ‘કેસરિયા બાલમ...’ની રંગત જામી.
આશરે રાતના સવા બે વાગ્યા છતાં તેમના મોઢા પર થાક નહીં. ઉપરથી સામેથી સપ્તકના આયોજક મંજુબહેન મહેતાને પૂછ્યું કે, તમારી પરમિશન હોય તો પાંચ સાત મિનિટ હજી કંઈક વગાડું...? મજા પડશે. રાત્રે અઢી વાગ્યાની આસપાસ કાર્યક્રમની પૂર્ણાહૂતિ થઈ પછી પંડિતજીએ બાળક જેવા નિખાલસ સ્મિત સાથે સામેથી શ્રોતાઓના ટોળાને સ્ટેજ પર આમંત્રણ આપ્યું કે, કોઈને ફોટોગ્રાફ કે ઓટોગ્રાફ લેવા હોય તો અહીં આવો. ચાહકોનું ટોળું વિના સંકોચે એમને મળવા પહોંચી શકે એવી એમની સરળતા અને દરેક વ્યક્તિ સાથેનું પોતીકાપણું ધરાવતા પંડિતજી સાથે ગુજરાત સમાચારે કરેલી વાતચીતના કેટલાક અંશો...
• આ વખતે સપ્તકમાં પર્ફોર્મન્સનો અનુભવ કેવો રહ્યો?
દર વખતની જેમ જ ખૂબ જ સરસ. મને સંતોષ છે કે હું જે લોકોને આપવા ઇચ્છું છું તે લોકો સુધી પહોંચી રહ્યું છે. ખાસ કરીને આજની યુવા પેઢી તણાવમાં જીવે છે. તે સમજદાર પણ છે અને મ્યુઝિક એક એવી થેરાપી છે કે તેનાથી તેમને શાંતિ મળી શકે. મારો પ્રયાસ આવું જ સંગીત આપવાનો છે. સપ્તકમાં મારો કાર્યક્રમ પૂરો થયો એ પછી શ્રોતાઓના ચહેરા પર જે ખુશી હતી. શાંતિ હતી એ જ વહેંચવાની હું કોશિશ કરું છું. બસ ભાગતી દોડતી આ જિંદગીમાં મારે શાંતિ લાવે તેવા સંગીતનું સર્જન કરતા રહેવું છે.
• આપને ગ્રેમી ઓવોર્ડ મળ્યો છે અને એ પછી તાનસેન એવોર્ડથી આપ સન્માનિત છો આ એવોર્ડસ મેળવ્યા બાદની લાગણી કેવી છે?
પુરસ્કાર માટે મને લાયક ગણવામાં આવ્યો એનો હું આભારી છું, પણ લોકોનો પ્રેમ મળતો રહે એ જ મારા માટે સૌથી મોટું સન્માન છે.
• તમે વર્ષોથી સપ્તકમાં પર્ફોર્મ કરો છો. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ફેરફારો આવ્યા હોય એવું તમને વર્તાય છે?
પહેલાં પણ શાસ્ત્રીય સંગીતના ચાહકો હતા તેઓ સપ્તકમાં હાજર રહેતા જ અને આજે પણ રહે જ છે. કેટલાક ચહેરાઓને તો વર્ષોથી હું સપ્તકમાં શ્રોતા તરીકે જોતો આવ્યો છું.
હું છેલ્લા ૩૫ વર્ષથી અમદાવાદમાં શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ આપતો આવ્યો છું. હા, મને એક વાત વર્તાય છે કે પહેલાની સરખામણીમાં શહેરમાં ક્લાસિકલ મ્યુઝિક શીખવા માટે લોકો તત્પર બન્યા છે. સામે બેઠેલા મોટા ભાગના શ્રોતાઓમાં સૂર અને તાલની સમજ જોવા મળે છે.
• શાસ્ત્રીય સંગીતના વિસ્તાર માટે પ્રોફેશનલી કંઈ થવું જોઈએ?
હા, શાસ્ત્રીય સંગીત એ આપણી ખૂબ મૂલ્યવાન મૂડી છે. તેને સાચવાવા માટે ઔદ્યોગિક પેઢીઓ, મોટી મોટી કોર્પોરેટ કંપનીઓએ પહેલ કરવી જોઈએ. પ્રાચીન વાત કરીએ તો પહેલાં ભારતીય સંગીતમાં ઘરાના કાળ હતો. ગુજરાતનો ઇતિહાસ જોશો તો રાજા - રજવાડા સંગીતને માન આપતાં અને જાળવતાં. ગુજરાતમાં સ્ટેટના ગાયકોનો – વાદકોનો સુંદર કાળ હતો. હવે સંગીતની જાળવણી ઉદ્યોગપતિઓ, કંપનીઓ કરે તો સંગીત ક્ષેત્રનો પણ બહોળો વિકાસ થાય. અલબત્ત, તાનસેન એવોર્ડ મળ્યા પછી મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી સામે પણ રજૂઆત કરી છે કે ભારતની દરેક શાળામાં સંસ્કૃતિ અને સંગીતના પાઠ ભણાવવામાં આવે તો નવી પેઢી પણ આપણી સંસ્કૃતિ અને સંગીતને સારી રીતે સમજી શકશે. જાણી શકશે.


comments powered by Disqus