હેગઃ દક્ષિણ ચીની સમુદ્ર વિવાદ કેસમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલે આપેલા ચુકાદાએ ચીનને ભારે આંચકો આપ્યો છે. લવાદ કોર્ટે આ કેસમાં ફિલિપાઈન્સની તરફેણમાં ચુકાદો આપતાં ચીન સ્તબ્ધ થઇ ગયું છે. દક્ષિણ ચીન સમુદ્રના મુદે ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે લાંબા સમયથી ગંભીર વિવાદ ચાલી રહ્યો હતો. બિજિંગ દક્ષિણ ચીની સમુદ્ર પોતાનો સાર્વભૌમ વિસ્તાર હોવાનો દાવો કરતું આવ્યું હતું. મનીલા ચીનને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય પંચ સુધી ખેંચી ગયું હતું. આરંભે તો ચીને ફિલિપાઈન્સ દ્વારા હેગ ખાતે નોંધાયેલા કેસમાં ભાગ લેવા ચીને ઇનકાર કરી દીધો હતો.
લવાદ કોર્ટે જણાવ્યું છે કે, ચીન દ્વારા થઇ રહેલા ઐતિહાસિક દાવાનો કોઇ કાયદેસરનો આધાર નથી. ચીને આમ તો પેરેમાઉન્ટ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીનો એમ કહીને બહિષ્કાર કર્યો હતો કે, આ અદાલત આ મુદ્દે ચુકાદો આપવાની સત્તા જ ધરાવતી નથી. વિદેશ મંત્રાલયે નિવેદન આપતાં કહ્યું હતું કે ચીન આ ચુકાદાને માન્ય રાખતું નથી સ્વીકાર પણ નથી કરતું. ચીને આ વિસ્તાર પર પોતાનો દાવો કાયમ હોવાનું જણાવ્યું હતું. ફિલિપાઈન્સે ચીનની મંજૂરી વિના જ આંતરરાષ્ટ્રીય લવાદ પંચમાં કેસ કર્યો છે અને તે આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગ સમાન છે એમ પણ ચીને ઉમેર્યું હતું. ફિલિપાઈન્સે ચુકાદાને આવકાર્યો છે.
પંચનો ચુકાદો આવે તે પહેલાં જ ચીની મીડિયાએ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા માટે આહવાન કરતાં જાપાન અને અમેરિકા સામે નારાજગી જાહેર કરી હતી. મીડિયાએ કહેવાનું શરૂ કર્યું હતું કે, પીપલ લિબરેશન આર્મીના સૈન્ય તાકાત પરીક્ષણને મુદ્દે તંગદિલી વધે તેવા સંજોગોમાં ચીને સાવધાન રહેવું જોઇએ. આ મુદ્દે પાકિસ્તાને પણ વિવાદમાં ઝંપલાવ્યું છે અને ચીનનાં દાવાને ટેકો આપ્યો છે.
સંબંધ ધરાવતા દેશને ચુકાદાનું પાલન કરવા અનુરોધ
દક્ષિણ ચીની સમુદ્ર પરના ચીનના દાવા વિરુદ્ધ સ્થાયી લવાદ અદાલતના પાંચ જજની પેનલે ચુકાદો આપ્યો તે પહેલાં જ અમેરિકા અને જાપાને સંબંધિત દેશોને ચુકાદાનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. ચીન સામે જાપાન અને અમેરિકા આ મુદ્દે ટકરાવભરી સ્થિતિમાં છે. સામે પક્ષે ચીનનું માનવું છે કે આ ચુકાદો કાગળના ટુકડા સિવાય કંઇ નથી.
ચીન માટે આ આખરી ચુકાદો: યુએસ
ટ્રિબ્યુનલના ચુકાદાને ચીને માનવાનો ઇનકાર કરી દીધા બાદ અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા જ્હોન કિર્બીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમેરિકા એવી આશા અને અપેક્ષા વ્યક્ત કરે છે કે, ચીન અને ફિલિપાઈન્સ તેમની જવાબદારીઓનું પાલન કરશે. ટ્રિબ્યુનલનો ચુકાદો આખરી અને બંને માટે કાયદાકીય બંધનકર્તા છે.
અન્ય દેશો દાવા માંડશે
ચીન આ સમુદ્રી વિસ્તારમાં પોતાની લશ્કરી તાકાત વધારી રહ્યું છે. નાના દેશો આ મુદ્દે ચિંતિત છે. આ મુદ્દે ચીન અને અમેરિકા ગમે ત્યારે સઘર્ષમાં ઉતરી શકે છે. અમેરિકા અને ચીન બંને આ વિસ્તારમાં લશ્કરી કવાયતો કરતા રહે છે. બંને એકબીજા પર ઉશ્કેરણી કર્યાના આક્ષેપ કરતા રહ્યા છે. એક ચીની અખબારે જણાવ્યું હતું કે, કોઇપણ લશ્કરી અથડામણ ઇચ્છતા નથી, પરંતુ લશ્કરી તૈયારીઓ ચાલુ છે. ચુકાદો આપી ચૂકેલી અદાલત તેના ચુકાદાનું પાલન કરાવવાની સત્તા ધરાવતી નથી, પરંતુ આ વિવાદમાં ફિલિપાઈન્સનો વિજય થતાં હવે તાઇવાન, વિયેતનામ, મલેશિયા અને બ્રુનેઇ પણ દાવા શરૂ કરે તેવી સંભાવના છે. અમેરિકા પહેલેથી જ તેમના દાવાઓનું સમર્થન કરે છે.
વિરોધનો વંટોળ
ચીને પોતાના દરિયા કિનારાથી ૧૪૦ માઇલ સમુદ્ર વિસ્તારમાં કબજો કર્યો હોવાના આક્ષેપ કરતાં ફિલિપાઈન્સે પંચ સમક્ષ અનેક મુદ્દે રજૂઆત કરી હતી. તેણે ચીનના સત્તાવાર નકશામાં અંકિત 'નાઇન ડેશ લાઇન' અંતર્ગત દક્ષિણ ચીની સમુદ્ર પર ચીન દ્વારા થઇ રહેલા સાર્વભૌમત્વના દાવાને નામંજૂર કરવા રજૂઆત કરી હતી. નકશામાં અંગ્રેજી અક્ષર 'યુ' આકારમાં અંકિત ચીનના સાર્વભૌમત્વના દાવાને પ્રદર્શિત કરે છે. આ રાહે ચીન આંતરરાષ્ટ્રીય વેપાર માટેના મહત્ત્વના સમુદ્રી માર્ગ અને કુદરતી સંપદાથી સંપન્ન દક્ષિણ ચીની સમુદ્રના ૯૦ ટકા ભાગ પર દાવો કરતું આવ્યું હતું.
ચીને ભારત બાંગ્લાદેશનું ઉદાહરણ ફગાવ્યું
દ. ચીન સાગર મુદ્દે ભારત અને બાંગ્લાદેશના દૃષ્ટાંતને ચીને માનવાનો ઇનકાર કર્યો છે. ટ્રિબ્યુનલના નિર્ણય પછી યુએસએ કહ્યું હતું કે, જે રીતે ભારતે સમુદ્ર સરહદ અંગે ટ્રિબ્યુનલનો નિર્ણય માનીને બાંગ્લાદેશને ટાપુ સોંપી દીધા હતા તેવી રીતે ચીને પણ કરવું જોઈએ. આ અંગે ચીનનું કહેવું છે કે બન્ને મામલાની તુલાના કરવી જોઈએ નહીં. ચીની વિદેશ મંત્રાલય પ્રવક્તા લૂ કાંગે કહ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશે સરહદ વિવાદ આર્બિટ્રેશન મારફતે ઉકેલ્યો હતો. બન્નેએ એકબીજાના સાર્વભૌમત્વનું સન્માન કર્યું હતું અને વાતચીત મારફત સમાધાન સુધી પહોંચ્યા હતા. તેમાં કોઈની ઇચ્છા કોઈની પર ઠોકી નહોતી બેસાડી નહોતી.
યુદ્ધની ચીની ચીમકીઃ તાઈવાનના યુદ્ધજહાજ રવાના
ટ્રિબ્યુનલના દાવાને ફગાવી દેતાં ચીન રોષે ભરાયું છે. તેણે હરીફ દેશોને આ સાગર ક્ષેત્રને યુદ્ધ ક્ષેત્ર બનાવવા સામે ચેતવણી આપતાં તે ક્ષેત્રમાં પોતે એર ડિફેન્સ ઝોન ઊભો કરશે તેવી ચીમકી પણ આપી છે. તો તાઈવાનના યુદ્ધજહાજ રવાના પણ થઈ જવાના સમાચાર છે. હેગ ખાતે સંયુક્ત રાષ્ટ્ર સમર્પિત લવાદ પંચે દાયકાઓથી ચાલી રહેલા આ વિવાદ કેસમાં ચુકાદો આપીને ફિલિપાઈન્સને આ મુદ્દે રાજદ્વારી ભાથું પૂરું પાડયું છે. ચીને તે ચુકાદાને જ ફગાવી દેતાં દક્ષિણ ચીની સાગર પરના પોતાના ઐતિહાસિક દાવાનો પુનઃ ઉદ્ઘોષ કર્યો હતો. નાયબ વિદેશ પ્રધાન લીઉ ઝેનમિને ચેતવણી આપી છે કે, જોખમ વધશે તો ચીન આ વિસ્તારમાં એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોનની રચના કરશે.

