સુરતઃ દેશમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ કરાયાના એક માસ બાદ હવે તેની સાઈડ ઈફેક્ટ દેખાવા માંડી છે. લોકોને સરળતાથી છૂટ્ટા નાણાં નહીં મળતા તેમજ રોજગાર પણ મંદ પડતા માનસિક રીતે પરેશાન થઈ રહ્યા છે. રોજિંદા વ્યવહારમાં પણ મુશ્કેલીને લીધે લાખો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લાગણીશીલ, માનસિક બીમાર તથા આર્થિક સંકડામણમાં જીવતા લોકો નોટબંધી વચ્ચે ‘બ્રિફ રિએક્ટિવ સાયકોસિસ’નો શિકાર બનતા દેખાઈ રહ્યાનું મનોચિકિત્સકોનું કહેવું છે. સાયકાયટ્રિસ્ટના મતે ઘણા ફાઈનાન્સર, બિલ્ડર, બેંક કર્મચારી, વેપારી, સિનયર સિટીઝન અને ગૃહિણીઓમાં ડિપ્રેશન, ચિત્તભ્રમ, અનિદ્રા, લવારે ચઢી જવા જેવી તકલીફો વધી રહી છે. કેટલાક કિસ્સામાં તો પીડિતોને હોસ્પિટલમાં દાખલ કરવા સુધીની પરિસ્થિતિ આવી છે.
સૌથી વધુ ફરિયાદો
• ધંધો ઘટી ગયો છે • પેમેન્ટ અટકી ગયા છે. • ટર્નઓવર ઓછું થઈ ગયું છે • બહારના ધંધાના પેમેન્ટ અટક્યા છે • કમિટમેન્ટ કર્યા છે. એ કેવી રીતે પૂરા થશે?
પડકાર
• અનિદ્રા, ગભરાટ અકળામણ • સતત વિચાર આવવા • આંખની સામે બેંકની લાઈનો દેખાવી • આજુ સતત એક જ ચર્ચા (નોટબંધી) • ઘરનાં પ્રસંગો માટે ખરીદીનું ટેન્શન • સતત નકારાત્મક વિચાર આવવા • મેજ દેખાવી • નોટબંધી અને કરન્સી સંબંધિત સપનાં દેખાવા • સતત ચિંતા • ભૂખ મરી જવી • લવારા કરવા, ચિતભ્રમ થવું • અફવાને તરત જ સાચી માની લેવી (દાત. લોકર સીલ થવા, મીઠું મોધું થશે) • જમીનના સોદા કેન્સલ થતા બિલ્ડરો અને ફાઇનાન્સરો વચ્ચે કલેશ વધ્યા છે.
