અમદાવાદઃ ગુજરાતમાં ગામોની બેંકમાં જનધન ખાતામાં ૯ નવેમ્બરની તુલનામાં ૨૩ નવેમ્બરે ખૂબ જ ઘટાડો થયો હતો. ૯ નવેમ્બરે ગુજરાતની ગ્રામીણ બેંકમાં કુલ ૪૮,૩૧,૫૪૯ ખાતા હતા જે ૨૩ નવેમ્બરે ધટીને ૪૮,૨૭,૧૭૮ થઇ ગયા હતા. એટલે કે ૧૪ દિવસમાં કુલ ૪૩૭૧ ખાતા ઓછા થયા હતા. તે પછી માત્ર ૧૩ દિવસમાં તેમાં ૫૪૮૨૫ ખાતાનો વધારો થયો હતો. ૭ ડિસેમ્બરે ૪૮,૮૨,૦૦૩ ખાતા થઇ ગયા હતા. રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધી પછી ગુજરાતના જનધન ખાતાઓમાં થાપણ પણ રૂ. ૧,૬૮૬.૩૩ કરોડ (૯ નવેમ્બર, ૨૦૧૬ પ્રમાણે)થી વધીને રૂ. ૩૬૬૮.૩ કરોડ (૭ ડિસેમ્બર, ૨૦૧૬) થઇ છે. ૨૮ દિવસમાં કુલ રૂ. ૧૯૮૨ કરોડ ગુજરાતના જનધન ખાતામાં જમા થયા હતા.
સૌથી વધુ ખાતા અમદાવાદમાં
૯ નવેમ્બરે શહેરી જનધન ખાતા ૪૧,૬૨૯૩૨ હતા તેમાંથી વધીને ૭ ડિસેમ્બર સુધીમાં ૪૨,૬૧,૮૮૨ થઇ ગયા. એટલે કે કુલ ૯૮,૯૫૦ ખાતાનો વધારો થયો. ગામોની તુલનામાં શહેરોમાં જનધન ખાતા ઝડપથી ખુલ્યા હતા. ૭ ડિસેમ્બર સુધી ગુજરાતમાં ગામડા અને શહેર મળીને કુલ ૯૧,૪૩,૮૮૫ જનધન ખાતાઓ હતા. સૌથી વધારે જનધન ખાતા અમદાવાદમાં છે અને સૌથી ઓછા ખાતા છોટા ઉદેપુરમાં છે.

