નવી દિલ્હીઃ ભારતમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ રદ થયાને બરાબર એક મહિનો થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બરની રાત્રે ૮ વાગ્યે આ ઐતિહાસિક જાહેરાત કરી હતી. આની સાથોસાથ જ તેમણે લોકોને સાબદા કરતા કહ્યું હતું કે આ નોટબંધીને કારણે દેશની પ્રજાને ૫૦ દિવસ મુશ્કેલી થશે. દેશમાં છેલ્લા ૭૦ વર્ષથી ફેલાયેલી કાળા નાણાંની બદીનો ધરમૂળથી સફાયો કરવા માટે તેમણે ૫૦ દિવસનો સમય માગ્યો હતો. ૯ અને ૧૦ ડિસેમ્બરે દેશભરમાં એટીએમ બંધ રાખવામાં આવ્યા હતા. ૧૦ નવેમ્બરથી બેંકોની બહાર તો ૧૧ નવેમ્બરથી એટીએમની બહાર લાંબી કતારો લાગી હતી. વડા પ્રધાનની જાહેરાતને જાહેરાતને એક મહિનો થયો છે ત્યારે ૩૦ દિવસમાં ક્યાં કેવી રીતે પરિસ્થિતિ બદલાઈ છે તેના પર એક નજર...
લાંબી લાઈનો યથાવત્
બેંક અને એટીએમમાં લાગતી લાઈનો હજુ જૈસે થે છે. એટીએમમાં પૈસા ક્યારે આવે છે અને ક્યારે ખલાસ થઇ જાય છે તેની લોકોને ખબર જ પડતી નથી. એક અંદાજ મુજબ દેશમાં બે લાખથી વધુ એટીએમમાંથી માત્ર ૩૫ ટકા જ કાર્યરત છે. હજુ ઘણા એટીએમને રિકેલિબ્રેટ (રૂ. ૫૦૦ અને ૨૦૦૦ની ચલણી નોટ ઇસ્યુ કરી શકે તે માટે તૈયાર) કરવાના બાકી છે.
૨૫થી વધુ જાહેરાતો
વિવિધ સુવિધા અને વ્યવસ્થાઓ અંગે રિઝર્વ બેંક ઓફ ઇંડિયા (આરબીઆઇ)એ સમયાંતરે ૨૫ કરતાં વધુ જાહેરાતો કરી છે. ચાર રવિવાર બાદ કરો તો દરરોજ એક.
સંસદની કાર્યવાહી ઠપ...
નોટબંધીની જાહેરાતના સાત દિવસ બાદ એટલે ૧૬ નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે. જોકે ત્યારથી આજ સુધીમાં એક પણ દિવસ કાર્યવાહી યોગ્ય રીતે ચાલી શકી નથી.
૨૭ બેન્ક ઓફિસર સસ્પેન્ડ
ભારત સરકારના નોટબંધીના નિર્ણય બાદ રિઝર્વ બેંક ઓફ ઇંડિયાએ કાળાબજારીયા સહિત બેન્ક અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જેના પરિણામે ૨૭ ભ્રષ્ટ ઓફિસરોને સસ્પેન્ડ અને ૬ ઓફિસરની ટ્રાન્સફર કરવામાં આવી છે. આ અધિકારીઓ એક યા બીજા પ્રકારે જૂની ચલણી નોટોની ગેરકાયદે અદલાબદલીથી માંડીને નવી ચલણી નોટોને ઇસ્યુ કરવામાં નિયત ગાઇડલાઇનનો ભંગ કરવામાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં પુરવાર થયું છે.
૧૦ નવેમ્બરથી ૫ ડિસેમ્બરઃ કેટલી નોટ છપાઇ?
• રૂ. ૮૫,૦૦૦ કરોડ (૧૦૦ની ૮૫૦ કરોડ નોટ) • રૂ. ૯,૦૦૦ કરોડ (૫૦ની ૧૮૦ કરોડ નોટ) • રૂ. ૬,૨૦૦ કરોડ (૨૦ની ૩૧૦ કરોડ નોટ) • રૂ. ૫,૭૦૦ કરોડ (૧૦ અને ૫૭૦ કરોડ નોટ)
• કુલ રૂ. ૧,૦૫,૯૦૦ કરોડ (૧૦૦, ૫૦, ૨૦, ૧૦ની નોટનું કુલ મૂલ્ય)
૩૦ દિવસમાં અર્થતંત્રમાં કેટલી નોટો આવી અને ગઈ...?
• નોટબંધી પહેલાં આશરે ૧૪ લાખ કરોડ રૂપિયા એટલે કે કુલ રકમના ૮૬ ટકા કિંમતની રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ચલણમાં હતી. • ૧૦ નવેમ્બરથી ૫ ડિસેમ્બર સુધી બેંકોમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો સ્વરૂપે ૧૧.૫૦ લાખ કરોડ રૂપિયા (૭૬ ટકા)ની નોટ જમા કરાવવામાં આવી હતી. • ૧૦ નવેમ્બરથી ૫ ડિસેમ્બર દરમિયાન ભારતીય રિઝર્વ બેંકે ૩.૮૧ લાખ કરોડ રૂપિયા બેંકોને પહોંચાડ્યા હતા. • આ રકમમાં ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ રૂપિયાની ૧૯૧૦ કરોડ નોટ છાપવામાં આવી હતી. જેનું કુલ મૂલ્ય ૧ લાખ ૫ હજાર ૯૦૦ કરોડ રૂપિયા છે.
હવે આગળનું પગલું શું હોય શકે?...
બેંકોનું માનવું છે કે ૨.૬૦ લાખ કરોડ રૂપિયાની જૂની ચલણી નોટ તેમની પાસે પરત આવશે નહીં. હજુ ૨૦ દિવસ બાકી છે અને ૨૪ ટકા જૂની નોટો પરત આવવાની બાકી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)થી માંડીને આવકવેરા વિભાગ (આઇટી) સહિતની અનેક એજન્સીઓ દ્વારા ભારતભરમાં છાપામારી ચાલુ છે. જે ૩૦ ડિસેમ્બર સુધીમાં વધુ સઘન બનાવાશે. રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની રદ થયેલી ચલણી નોટો બેન્કોમાં જમા કરાવવાનો આ અંતિમ દિવસ છે. ઈડીથી માંડીને આઇટી સહિતની એજન્સીઓ આર્થિક વ્યવહારો પર નજર રાખી છે. બેંકો જેવા સહિતના આર્થિક સંસ્થાનોનો પણ આમાં સમાવેશ થાય છે.
૧૫ ડિસેમ્બર સુધી જૂની નોટો પેટ્રોલ પંપ અને એરપોર્ટ સિવાય સરકારી હોસ્પિટલો અને દવાની દુકાનો પર ચાલશે. જોકે રેલવે અને બસ ટિકિટ કાઉન્ટ પર જૂની નોટો ૧૦ ડિસેમ્બર સુધી જ સ્વીકારાશે.
કેશલેસ આર્થિક વ્યવહારને પ્રોત્સાહન આપવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતી ૨૦૦૦ રૂપિયા સુધીની લેવડદેવડને સર્વિસ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
નવી કરન્સી નોટ છાપવાનું કામ ચાલુ જ રહેશે. બેંકો સુધી પૂરતી કેશ પહોંચવામાં લગભગ ચાર મહિના સમય લાગે તેવી શક્યતા છે.
૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ રૂપિયાની નવી નોટ પણ બજારમાં આવે તેવી શક્યતા છે. ૧૦૦૦ની નવી નોટ બહાર પાડવાની રિઝર્વ બેંકની હાલ તૂર્ત કોઈ યોજના નથી. ભારતીય રિઝર્વ બેંકે કબૂલ્યું છે કે આવનારા સમયમાં દેશનો વિકાસ દર ૭.૬ ટકાથી ઘટીને ૭.૧ ટકા થવાની સંભાવના છે.

