અમદાવાદઃ નોટબંધીની જાહેરાત કરાયા પછી ૭મી ડિસેમ્બર સુધી માંથી આઇડી પ્રુફના આધારે કરોડો રૂપિયાના બ્લેકમની વ્હાઇટ કેવી રીતે કરાયા તેની માહિતી ફાયનાન્સિયલ ઇન્ટેલીજન્સ બ્યુરો (એફઆઇયુ)એ સાતમી ડિસેમ્બરે મેળવી હતી. જે રીતે બેંકમાં જૂની રૂ. પ૦૦ અને ૧૦૦૦ની નોટો જમા થતી હતી તેની સામે ઝડપથી નવી ૨૦૦૦ની નોટોના બંડલ લાભાર્થીઓ સુધી પહોચતાં હતાં. રૂ. પાંચ હજાર અને રૂ. ૧૦ હજારની લિમિટ હોવા છતાં લાખ્ખો રૂપિયા કેવી રીતે બેંકમાંથી બહાર આવ્યા તેની માહિતી એફઆઇયુ પાસે મેળવી લીધી હતી. દેશભરમાં ઇડીએ સાતમીએ ૫૦ જેટલી બેન્કોમાં દરોડા પાડયા હતા. જેમાં અમદાવાદની પાંચ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઇડીની પાંચ ટીમો બપોર બાદ ત્રાટકી હતી. મોડી સાંજ સુધી તપાસ ચાલી હતી.
ઇડીની પાંચ ટીમો આશ્રમ રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંકની વેજલપુર બ્રાન્ચ, સાણંદની સિન્ડીકેટ બેંક, શાહીબાગની અલ્હાબાદ બેંક અને આનંદનગર રોડ પર આવેલા પિનાકલ બિલ્ડીંગની એસબીઆઇ બ્રાન્ચમાં તપાસ કરી હતી. ઇન્ટેલીજન્સ બેઝ આ દરોડામાં ઇડીના અધિકારીઓએ બેંકના સિનિયર અધિકારીઓ પાસેથી ૮ નવેમ્બરથી ૭ ડિસેમ્બર સુધી રૂ. ૫૦૦ અને ૧,૦૦૦ની કેટલી નોટો બેંકમાં જમા કરાવી અને તેની સામે બે હજારની કેટલી નોટ ખાતેદારોની આપી તેની માહિતી માગી હતી.

