શુક્રવાર ૧૬મી સપ્ટેમ્બરનો દિવસ વધુ એક ઈતિહાસને રચાતો નિહાળવાનો સાક્ષી બનશે. એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ દ્વારા પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ ખાતે તેના ૧૬મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભમાં બિઝનેસ ટાયકૂન્સ, એન્ટ્રેપ્રીન્યોર્સ, કંપની ડિરેક્ટર્સ, સીનિયર પ્રોફેશલ્સ તેમજ પાર્લામેન્ટ અને યુનિફોર્મ્ડ સર્વિસીસના સભ્યો સહિત ૮૦૦થી વધુ મહેમાનો ઉપસ્થિત રહેશે.
બ્રિટિશજીવનમાં અંગભૂત બની ગયેલી એશિયન કોમ્યુનિટી રાષ્ટ્રના ભવિષ્યના ઘડતરમાં સતત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલ છે. ધ પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ તરીકે પણ ઓળખાયેલા એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ વિવિધ પશ્ચાદભૂ અને વ્યવસાયોના વ્યાપક ફલકમાં સાઉથ એશિયન વ્યક્તિઓની ઉત્કૃષ્ટ કાર્યસિદ્ધિઓની ઉજવણી કરશે. ગત થોડા વર્ષો દરમિયાન અન્ય ઘણા ક્ષેત્રોની માફક જ પ્રોફેશનલ ક્ષેત્રોમાં પણ બ્રિટિશ-એશિયન પ્રતિનિધિત્વની ભારે વૃદ્ધિ થઈ છે. આ વર્ષનો કેન્દ્રરુપ વિષય ‘પ્રોફેશનલ ઓફ ધ યર’ છે, જેમાં પ્રોફેશન્સમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ અથવા કોમ્યુનિટીને પ્રદાનને બિરદાવાશે. બ્રિટિશ એશિયન સોસાયટીના ઉચ્ચ સ્તરોના સભ્યો આ એવોર્ડ્સમાં ઉપસ્થિત રહે તે સ્વાભાવિક છે.
ABPL ગ્રૂપના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘એશિયન એચિવર્સ એવોર્ડ્ઝનું મિશન દ્વિપાંખી એટલે કે એશિયન કોમ્યુનિટીમાં સાચા ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનારાને ઓળખવા અને તેમની કદર કરવાનું છે. હું એક હકીકતથી બરાબક વાકેફ છું કે કોમ્યુનિટી આ એવોર્ડ્ઝને ઝાઝેરા માનની નજરે નિહાળે છે તે બાબત એશિયન કોમ્યુનિટીના તમામ વર્ગોમાંથી નોમિનેશન પ્રક્રિયાને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડે છે અને ABPL ગ્રૂપ દ્વારા માનવંતા નિર્ણાયકોને ગુણવત્તા અને માત્ર ગુણવત્તાને જ નજરમાં રાખવાનો અબાધિત અધિકાર અપાયો છે તેમાંથી ઉદ્ભવી થાય છે. એવોર્ડ્ઝની સફળતાના પાયામાં આ બે સ્તંભ રહ્યાં છે અને પરિણામે તેને ‘પીપલ્સ એવોર્ડ્ઝ’ તરીકેનો સ્નેહ અને લોકપ્રિયતા સાંપડ્યા છે. આ વર્ષે અમને એટલી વિક્રમી સંખ્યામાં નોમિનેશન્સ પ્રાપ્ત થયાં છે કે હું ભારે અચંબો અનુભવું છું. આ સાથે જ સિતારાઓની આકાશગંગામાંથી સૌથી શ્રેષ્ઠની પસંદગી કરવામાં નિર્ણાયકગણને જે પડકારપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હશે તેના પ્રત્યે પણ મને માન થાય છે.’
એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ લોન્ચ કરાયા પછી તેના દ્વારા વિવિધ ચેરિટી સંસ્થાઓ માટે લાખો પાઉન્ડના એકત્રીકરણમાં મદદ કરાઈ છે અને આ વર્ષે પસંદગી કરાયેલી પાર્ટનર ચેરિટી સંસ્થા ઈન્ડિયન ઓશન ડિઝાસ્ટર રીલિફ (IODR) છે. IODRના લક્ષ્યમાં માનવ તસ્કરીના જોખમ વિશે જાગૃતિ કેળવવી, માનવ તસ્કરીનો શિકાર બનેલી છોકરીઓના બચાવ અને પુનર્વસનમાં મદદ કરવી તેમજ આ અપરાધને પ્રકાશમાં લાવવા અને જરુર જણાય ત્યાં હસ્તક્ષેપ કરવા માટે ભંડોળ એકત્ર કરવા સ્પોર્ટ્સ તથા અન્ય ક્ષેત્રોની મહાન પર્સનાલિટીઓની મદદ લેવાના કાર્યનો સમાવેશ થાય છે. મીડિયા પાર્ટનર્સ તરીકે સનરાઈઝ રેડિઓ અને કલર ટીવીનો સાથ મેળવવા બદલ પણ એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ ગૌરવ અનુભવે છે.
વધુ વિગતો માટે www.asianachieversawards. com ની મુલાકાત લેશો.

