અમદાવાદની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરનાર યુ.કેસ્થિત ડોકટરોનો દર વર્ષે મિલન સમારોહ યોજાય છે જેમાં યુ.કેના તમામ શહેરો, નગરોમાંથી ડોકટરો સહપરિવાર ભાગ લઇ વિચારવિમર્શ કરે છે. ગત શનિવાર, ૧૦ અને રવિવાર, ૧૧ સપ્ટેમ્બરના રોજ લેસ્ટર ખાતે હોલીડે ઇન હોટેલમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનનો વાર્ષિક સમારોહ યોજાયો હતો જેમાં ૮૫થી વધુ ડોકટરોએ સહપરિવાર ભાગ લીધો હતો. શનિવારે બપોરે ડોકટરોની સભા મળી હતી જેમાં સંસ્થાના પ્રમુખપદે ફરીથી બીજા વર્ષ માટે ડો. દિલીપભાઇ અમીનની સર્વાનુમતે પસંદગી થઇ હતી. એમની સાથે ટ્રેઝરર ડો. શશીભાઇ વૈદ્ય અને સેક્રેટરી પદે ડો. જયંતભાઇ જોષીને પણ યથાવત હોદ્દે રહેવા સૌએ સંમતિ અાપી હતી. કાર્ડિફ સ્થિત ડો. ઉર્મિલ ચાળીસહજારે અાવતા વર્ષે અમદાવાદના અા ડોકટરોનું સંમેલન કાર્ડિફ ખાતે યોજાય એવી ઇચ્છા વ્યક્ત કરતાં અાવતા સમરમાં સૌએ વેલ્સમાં જવાની તૈયારી દર્શાવી હતી. લેસ્ટરના બે દિવસીય સંમેલનના અાયોજક તરીકે લેસ્ટરસ્થિત ડો. ઘનશ્યામભાઇ એમ. પટેલ જેઅો " ડો. જીમ"ના નામે લોકપ્રિય છે એમણે ખુબ વ્યવસ્થિત રીતે મનોરંજક કાર્યક્રમ અને ભોજન તથા ચ્હા-નાસ્તાની વ્યવસ્થા કરી હતી.

