ડભોઈઃ મધ્ય ગુજરાતના ડભોઈમાં સેવાભાવી અને દાનવીર પરિવાર તરીકે જાણીતા શેઠ પરિવારના ન્યૂ જર્સીમાં વસતા ૫૩ વર્ષીય પુત્ર પ્રદીપ શેઠની અજાણ્યા હુમલાખોરે ગોળી મારી હત્યા કરતાં વતનમાં શોકનું મોજું ફેલાયું છે.
ડભોઈનું પ્રવેશદ્વાર બનાવામાં તેમજ તેની જાળવણીમાં સિંહફાળો આપનાર શેઠ પરિવારના વલ્લભભાઈ - નિરંજનાબહેનના પુત્ર પ્રદીપભાઇ ૧૯૯૨થી પરિવાર સાથે ન્યૂ જર્સીના પાર્લિન ટાઉનમાં વસવાટ કરે છે. તેઓ કેટલાક સમયથી એક સ્ટોર પર ફરજ બજાવતા હતા.
૧૦ જૂને બનેલી આ ઘટના અંગે માહિતી આપતા પ્રદીપભાઇના મિત્ર ગોપાલભાઇ કોયલીવાળાએ કહ્યું હતું કે પાંચ માસ અગાઉ તેઓ જે સ્ટોરમાં જોબ કરતા હતા ત્યાં લૂંટારુઓની એક ટોળકીએ દિનદહાડે બંદુકની અણીએ લુંટ કરી હતી. આ સમયે પ્રદીપભાઇ પોતાનો જીવ બચાવીને ભાગવામાં સફળ થયાં હતાં. લૂંટારુઓએ તેની અદાવત રાખી હતી કારણ કે પોલીસ દ્વારા ઓળખ પરેડ થાય તો પ્રદીપભાઇ તેને ઓળખી શકે તેમ હતા. આથી છેલ્લા ચાર માસમાં ચાર વાર ફાયરિંગ કરીને તેમનો જીવ લેવા પ્રયાસ થયો હતો, પણ દરેક વખતે તેમનો આબાદ બચાવ થયો હતો.
જોકે ૧૦ જૂને નસીબે તેમને સાથ નહોતો આપ્યો. ગોપાલભાઇના જણાવ્યા પ્રમાણે, સવારે તેઓ પત્ની તૃપ્તિબહેનને જોબ પર મૂકીને પરત ફર્યા ત્યારે તેમની પર ફરી હુમલો કરાયો હતો. તેઓ ઘરમાં પ્રવેશ્યા કે તરત તેમની પાછળ સાયલન્સરવાળી બંદુક લઇને એક હુમલાખોર ઘરમાં ઘુસ્યો હતો. તેણે પ્રદીપભાઇના માથાનાં પાછળનાં ભાગે ગોળી ધરબી દીધી હતી. અશ્વેત હુમલાખોરે ગોળી માર્યા બાદ પ્રદીપભાઇને ઉઠાવી પલંગમાં સુવડાવી ઉપર ચાદર ઓઢાડી દીધી હતી, જેથી તે ઊંઘી રહ્યા હોય તેવું લાગે. સ્કૂલે જવાનો સમય થતાં તેમનો નાનો પુત્ર વ્રજ પિતાને ઉઠાડવા ગયો હતો, પરંતુ તેઓ ઉઠ્યા નહોતા. તેણે ચાદર ઉઠાવીને જોતાં પિતાનાં મોઢામાંથી ફીણ નીકળતું હતું. આ પછી તેણે તેનાં કાકાને ફોન કર્યો હતો. તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રદીપભાઈને હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું.
એક અન્ય અહેવાલ અનુસાર, સ્કૂલે જવાનો સમય થતાં ૧૦ વર્ષનો પુત્ર પ્રદીપભાઇને ઉઠાડવા ગયો હતો. તેણે પ્રદીપભાઇને લોહીલુહાણ નિહાળી ફોન કરી માતાને જાણ કરી હતી. પ્રદીપભાઇના પત્નીએ તરત લોકલ પોલીસને માહિતગાર કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇને ઇજાગ્રસ્ત પ્રદીપભાઇને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં તબીબોએ તેમના માથામાંથી ગોળી કાઢવા પ્રયાસ કર્યો હતો. જોકે તેમાં સફળતા મળી નહોતી. આથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. બીજા દિવસે ૧૧ જૂને તેમને મૃત જાહેર કરાયા હતા.

