મુઝકો યારો માફ કરના, મૈં નશેમેં હું..

Wednesday 15th June 2016 07:07 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં શરાબપાનનું પ્રમાણ વધી ગયું છે. ૧૯૬૦ના દાયકાની સરખામણીએ બ્રિટિશ લોકો ૬૫ ટકા વધુ શરાબ પીએ છે. અન્ય દેશોમાં શરાબપાનનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે સરેરાશ બ્રિટિશર દર વર્ષે ૧૧.૬ લિટર શુદ્ધ આલ્કોહોલ ગટગટાવી જાય છે. આલ્કોહોલ સંબંધિત આરોગ્ય અને સામાજિક સમસ્યાઓ માત્ર બંધાણીઓ સુધી મર્યાદિત રહી નથી, મધ્યમ વર્ગ અને વૃદ્ધોમાં તેનું પ્રમાણ વધ્યું છે.
આલ્કોહોલ હેલ્થ એલાયન્સના ચેરમેન પ્રોફેસર સર ઈયાન ગિલમોર સહિત નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે શરાબ માત્ર પીનારાઓના આરોગ્યને જ નહિ, તેમની આસપાસના લોકોને પણ ખરાબ અસર કરે છે. આલ્કોહોલ અને તેની અસરોથી યુકેના અર્થતંત્રને વર્ષે ૨૧ બિલિયન પાઉન્ડનું નુકસાન થાય છે, પરંતુ દેશની સરકારો મતદારોમાં લોકપ્રિયતા ગુમાવવાના ભયે કડક નીતિ અપનાવતી નથી. નિષ્ણાતોએ કહ્યું હતું કે, આલ્કોહોલની લઘુતમ કિંમતો ઉપરાંત તેના વિજ્ઞાપનો ક્યાં, ક્યારે અને કેવી રીતે કરી શકાય તેમાં તમાકુની માફક નિયંત્રણો આવે તો પણ તેના વપરાશમાં ઘટાડો થઈ શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા અનુસાર ૧૯૬૦ના દાયકામાં વ્યક્તિદીઠ આશરે સાત લિટર શુદ્ધ આલ્કોહોલ પીવાતો હતો, જ્યારે હવે સરેરાશ બ્રિટિશર વાર્ષિક ૧૧.૬ લિટર આલ્કોહોલ પીએ છે.


comments powered by Disqus